કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જો તૂ કરતા બરન બિચારા, જનમત ૧તીનિ ડંડ અનુસારા
૨જનમત શૂદ્ર મુયે પુનિ શૂદ્રા, ક્રિતિમ જનેઉ ઘાલિ જગુદંદ્રા - ૧
જો તુમ બ્રાહ્મન બ્રહ્મનિ જાયે, ૩અવર રાહ તે કાહે ન આયે ?
જો તુમ તુરુક તુરુકની જાયે, ૪પેટહિં કાહે ન સુનતિ કરાયે ? - ૨
૫કારી પિયરી દૂહહુ ગાઈ, તારક દૂધ દેહુ બિલગાઈ
છાંડ કપટ નર અધિક સયાની, કહંહિ કબીર ભજુ ૬સારંગપાનિ - ૩
સમજૂતી
જો તું એમ માનતો હોય કે સૃષ્ટિકર્તાએ જ વર્ણને જાતિ બનાવી છે અને ત્રણે પ્રકારના દંડ પણ બનાવ્યા છે તો તે મોટી ભૂલ છે. કારણ કે માણસ જેન્મે ત્યારે અને મારે ત્યારે શૂદ્ર સમાન જ હોય છે. તેથી શા માટે કૃત્રિમ જનોઈ પહેરીને જગતના લોકોને દ્વિધામાં નાંખી રહ્યો છે ? - ૧
જો તું બ્રહ્મણીને પેટે જન્મ્યો હોય તો શા માટે બીજે રસ્તે ન આવ્યો ? જો તું મુસલમાન માતાને પેટે જન્મ્યો હોય તો શા માટે ગર્ભમાં જ સુન્નત કરાવીને ન આવ્યો ? - ૨
કાળી અને પીળી ગાયને દોહવામાં આવે તો દૂધ અલગ અલગ જણાતું નથી તેથી કબીર કહે છે તે કપટ છોડીને સમજવા પ્રયત્ન કર અને વિષ્ણુને ભજ. - ૩
૧. ત્રણ પ્રકારના તાપ. આધિ, વ્યાધિ અને ઉપાધિ અથવા દૈહિક, ભૌતિક ને દૈવિક. દુઃખો ભગવાને બનાવ્યા નથી પણ માનવે પોતે ઉભા કર્યા છે તે કબીર સાહેબ કહેવા માંગે છે. ગીતા પણ કહે છે
કર્મ અને કતૃત્વ ને કર્મકળ તણો યોગ
પ્રભુ કરે નહીં, એ બધો પ્રકૃતિનો છે ભોગ. (સરળ ગીતા અ-૫)
૨. શુદ્ર સાથે મલિનતા યાદ આવે. માણસ જન્મે ત્યારે કેટલી બધી મલિનતા સાથે જન્મે છે ! તેને સ્પર્શ કરનાર સ્નાન કર્યા વિના રહેતો નથી. તે જ રીતે મૃત શરીરને ઊંચકનાર કે સ્પર્શ કરનાર સ્નાન કર્યા વિના રહેતો નથી. તે દષ્ટિએ પણ જન્મ અને મરણ વખતે સૌ કોઈ શુદ્ર સમાન જ ગણાય.
૩. સૌ કોઈ યોનિમાર્ગે આવે છે. જન્મથી જ બ્રાહ્મણ ગણાતો હોય તો તે શા માટે મુખ દ્વારા નથી જન્મતો ? બીજે રસ્તે આવીને પોતે શ્રેષ્ઠતા સાબિત કરે તો માની શકાય કે તે જન્મથી જ બ્રાહ્મણ છે.
૪. ગર્ભમાં જ સુન્નત કરાવીને આવે તો જ માની શકાય કે તે જન્મર્થ મુસલમાન છે.
૫. કબીર સાહેબ વર્ણ જાતિના ભેદો માનવ સર્જિત છે, ઈશ્વર સર્જિત નથી તે પૂરવાર કરવા અનેક રંગી ગાય અને તેનું એક જ રંગના દૂધનું દષ્ટાંત આપે છે. આત્મ બોધોપનિષદ્દમાં પણ એવું જ દષ્ટાંત આપવામાં આવ્યું છે.
ગવામનેક વર્ણનામેકરૂપં યથા પય: |
નાના વિધાનાં દેહાનમેક આત્મા તથેરિત: ||
અર્થાત્ અનેક રંગની ગાય હોવા છતાં તેનું જેમ એક જ રંગનું દૂધ હોય છે. તેમ અનેક રંગના શરીરોમાં એક જ આત્મા રહેલો છે. આવું જ દષ્ટાંત અમૃત બિન્દુ ઉપનિષદ્દમાં પણ જોવા મળે છે.
અનેક રંગની ગાયો, દૂધનો એક રંગ છે
દૂધની જેમ છે જ્ઞાન, ગાયની જેમ ગ્રંથ છે. (૧૬)
૬. સારંગપાનિ એટલે જેના હાથમાં ધનુષ્ય છે તે રામ ભગવાન. અહીં વિષ્ણુ અવતાર રામનો ઉલ્લેખ જાતિવર્ણની ચર્ચાને કારણે લાગે છે. વૈષ્ણવો પણ આભડછેટ બહુ રાખતા. તે સમયે વૈષ્ણવોનું પ્રમાણ પણ વધારે હતું. મુખ્યત્વે ભારતમાં ત્રણ વિભાગો પડી ગયેલા. શૈવો, વૈષ્ણવો ને દેવીમાં માનવાવાળા લોકો.
Add comment