કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાના રૂપ બરન ૧એક કીન્હા, ચારિ બરન ઉહિ ૨કાહુ ન ચિન્હા
નષ્ટ ગયે કરતા નહીં ચીન્હા, નષ્ટ ગયે અવરહિં મન દીન્હા - ૧
નષ્ટ ગયે જબ ૩બેદ બખાના, બેડ પઢે પૈ ભેદ ન જાના
૪બિન લખ કરૈ નયન નહિ સૂઝા, ભૌ અયાન તબ કિછુવો ન બૂઝા - ૨
સાખી : નાના નાચ નચાય કે નાચૈ નટકે ભેખ
ઘટ ઘટ અવિનાશી અહૈ, ૫સુનહુ તકી તુમ સેખ
સમજૂતી
વિધ વિધ રૂપ ને રંગવાળી પ્રજાને એક ઈશ્વરે જ બનાવી છે પરંતુ ચાર વર્ણમાં વિભાજિત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર જાતિના લોકોમાંથી કોઈને ખબર નથી. સુષ્ટિકર્તાને જેણે જાણ્યા નહીં તે વિનાશ પામ્યા અને જેણે પોતાના મનને સૃષ્ટિકર્તા સિવાય બીજામાં લગાડ્યું તે પણ નાશ પામ્યા. - ૧
જે ભેદવાદી લોકોએ વેદોના વખાણ કર્યા તે પણ નાશ પામ્યા કારણ કે તેમણે વેદ તો વાંચ્યા પણ તેમાં જણાવેલું ગુપ્ત રહસ્ય જાણ્યું નહિ. વેદોમાં લખ્યું ન હોય તેવું આંધળાની માફક આચરણ કરે છે. ખરેખર અજ્ઞાની હોય તેને કાંઈ જ સૂઝતું નથી. - ૨
સાખી : હે શેખતકી ! સાંભળ. દરેકના શરીરમાં અવિનાશી પરમાત્મા વસે છે. અનેક પ્રકારના જીવોને તે નચાવતા નચાવતા પોતે પણ જુદા જુદા સ્વરૂપે નાચે છે.
૧. “ય એકોડવર્ણો બહુધા શક્તિયોજાત્” એવું શ્વેતાશ્વેતર ઉપનિષદ્દનું વચન છે ને તે અહીં યાદ આવે છે. એક કર્તાએ જ પોતાની યૌગિક શક્તિથી પોતાનાં જ અનેક રૂપો બનાવી દીધાં લાગે છે એવો એનો અર્થ થાય છે. એજ મતલબનું અનુભૂતિ પ્રકાશ (૧૧/૬૦)માં પણ જણાવ્યું છે કે
એકં સ્વં કુર્યાદ્ બહુધા કુર્યાદ્ બહુરુપં યથા નટ: |
અર્થાત્ નટની માફક એકમાંથી અનેક રૂપો નિર્માણ થયાં. આ દષ્ટિએ પણ જો વિચારવામાં આવે તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર જાતિના ભેદો નિરર્થક જણાય. બ્રાહ્મણ એ ભગવાનનું સ્વરૂપ હોય તો શૂદ્ર પણ ભગવાનનું જ સ્વરૂપ છે.
૨. સર્વ સ્વરૂપો ભગવાનનાં જ છે એ સત્ય ચારે વર્ણના લોકોમાંથી કોઈએ પણ સમજવા પ્રયત્ન કર્યો નથી. કારણ કે તેઓ સૌ અજ્ઞાનથી અવસ્થામાં જ છે. અજ્ઞાનનો પડદો હટી જાય તો જ પોતે બ્રહ્મ સ્વરૂપ છે તેનો ખ્યાલ આવે અને પોતાના જેવા બીજાં પણ બ્રહ્મસ્વરૂપ જ છે તેનાં દર્શન ન થઈ શકે.
૩. પોતાના શરીરમાં રહેલો આત્મ જ સૃષ્ટિકર્તા છે એ જાણનાર જ્ઞાની ગણાય. જ્ઞાનની પ્રાપ્તિથી તે સંસાર સાગર નરી જાય છે અને ન જાણનાર અજ્ઞાની સંસાર સાગરમાં ડૂબી જાય છે એવું વેદ તો કહે છે.
૪. ચારે વર્ણમાં ઊંચનીચના ભેદો કુદરતી છે એવું વેદ પણ કહે છે એમ કર્મકાંડી પ્રચારકો કહે છે તે યથાર્થ નથી. વેદ વચનનું રહસ્ય તેઓ જાણી શક્યા નથી તેથી તેઓ ખોટો પ્રચાર કરે છે. વેદ તો કહે છે કે માણસ કર્મથી ઊંચનીચ બને છે, જન્મથી નહીં.
૫. આ પદ શેખતકીને ઉદેશીને લખ્યું છે. શેખતકી મુસલમાનોનો પીર ગણાતો હતો. તે વટલાવ પ્રવૃત્તિ કરતો હતો. હિન્દુઓને મુસલમાન બનાવવા વેદવાણીનો ખોટો પ્રચાર પણ કરતો હતો.
Add comment