કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧કાયા કંચન જતન કરાયા, બહુત ભાંતિ કૈ મન પલટાયા
જો સૌબાર કહૌં સમુજાઈ, તૈયો ધારો છોરિ નહિ જાઈ - ૧
જન કે કહે જન રહિ જાઈ, ૨નવૌ નિધિ સિધિ તિન્હપાઈ
સદા ૩ધરમ જિહિ હૃદયા બસઈ, રામ કસૌટી કસતહિ રહઈ - ૨
જો રે કસાવૈ અન્તે જાઈ, સો ૪બાઉર આપુહિ બૌરાઈ - ૩
સાખી : કાલ ફાંસી તાતે પરી, ૫કરહુ આપના સોચ
સંત સિધાવૈ સંત પહઁ, મિલિ રહ પોચૈ પોચ
સમજૂતી
શરીરને સુવર્ણ જેટલું કિંમતિ ગણાવી તેની અનેક પ્રકારે સારસંભાળ રખાવી પરંતુ પરિણામે અનેક પ્રકારે મન તો ફેરવાતું જ રહ્યું. હું અનેકવાર સમજાવવા પ્રયત્ન કરું છું પણ મનથી જે પકડાય ગયું છે તે છૂટતું જ નથી. - ૧
કોઈ સજ્જન ગુરુજનનું કહ્યું માને અને સ્થિર થાય તો તેને અવશ્ય નવ નિધિ અને આઠ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. તેવા સજ્જનના હૃદયમાં ધર્મ સદા વસતો હોય છે. રામ તેવાની કસોટી પણ કર્યા કરે છે. - ૨
પરંતુ જો કોઈ પોતાના સિવાય બીજામાં મન લગાડે તો તે પોતાની મેળે પાગલની જેમ બહેકી જાય છે. - ૩
સાખી : તેથી કાલરૂપી ફાંસી તેવાઓના ગાળામાં પડે છે. માટે તું તારા આત્મસ્વરૂપનો વિચાર કર. જે સજ્જન હશે તે સંત પાસે જશે અને જે દુર્જન હશે તે દુષ્ટ પાસે જશે.
૧. કાયારૂપી કંચન એટલે સુવર્ણ સમાન આ શરીર મૂલ્યવાન છે એવું માનીને શરીરની સંભાળ રાખવામાં જીવન પૂર્ણ થઈ જાય તો પરિણામે ચંચળ મનને સ્થિર કરવાની સોનેરી તક એળે ગઈ એમ સમજવું. અથવા કાયા અને કંચન એવો અર્થ કરીશું તો પણ ચાલશે. આત્મ સ્વરૂપ સિવાયના વિચારો એટલે હું શરીર જ છું એવો દેહભાવ કાયા શબ્દ દ્વારા સમજવો જોઈએ. કંચન શબ્દ ધન કે સંપત્તિના પર્યાય તરીકે સમજવો જોઈએ. મન દેહભાવમાં હોય એટલે શરીર સુખની અપેક્ષા રાખે જ. તદુપરાંત પાર્થિવ પદાર્થોની મોહિની પણ મનને અહીં તહીં ભટકાવ્યા કરે છે. તેવી સ્થિતિ દુઃખદ છે એવું કબીર સાહેબ કહેવા માંગે છે. યોગવાસિષ્ઠ ગ્રંથમાં પણ એવું જ કંઈક કહ્યું છે.
ન તાદશં જગત્યસ્મિન્ દુઃખં નરકકોટિષુ |
યાદશં યાવદાયુષ્કમર્થોપાર્જન શાસનમ્ ||
અર્થાત્ જીવન ધન સંપત્તિની પ્રાપ્તિમાં જ પૂરું થાય તો તેનાં જેવું બીજું મોટું દુઃખ નથી. કબીર સાહેબે બીજા એક પ્રસિદ્ધ ભજનમાં આ ભાવ જરા જુદી રીતે વ્યક્ત કર્યો છે.
સંતત સંપત સુખ કે કારન જાસે ભૂલ પરી ... ભજો રે ભૈયા
અર્થાત્ જ્યારથી સંપત્તિ જ એક માત્ર સુખનું કારણ છે એવું આ જગતે માન્યું છે ત્યારથી જ તે ભૂલને માર્ગે પ્રયાણ કરી રહ્યું છે.
૨. નવ નિધિ અને આઠ સિદ્ધિની વાત અગાઉ પણ કબીર સાહેબે કરી છે. કુબેરનો ભંડાર નવ નિધિવાળો ગણાતો. પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુન્દ, કુન્દ, નીલ અને ખર્વ એ નવ નિધિથી કુબેરના ભંડારો ભરેલા રહેતા. તે જ રીતે આઠ પ્રકારની સિદ્ધિઓ પણ તેની સાથે રહેતી. અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વન, વશિત્વ.
૩. નીતિ સદાચારથી સંપન્ન એવી સુજનતા હંમેશા વ્યક્ત થતી.
૪. મંદ બુદ્ધિનો માણસ તે જ ગણાય જે આત્મ સ્વરૂપનો વિચાર ન કરે અને તે સિવાયની તમામ વસ્તુને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. તેવા પાગલ માણસથી આખુ જગત ઉભરાય રહ્યું હોય તેમ જણાય છે.
૫. તેથી કબીર સાહેબ આત્મ સ્વરૂપનો વિચાર કરવાની વારંવાર શીખામણ આપે છે. ગીતા પણ પરમ સુખની પ્રાપ્તિ કરવી હોય તો શરીરમાં રહેલા રામને શરણે જવાની જ શીખામણ આપે છે.
ઈશ્વર સૌના હૃદયમાં અર્જુન વાસ કરે,
તેના બળથી કર્મ સૌ આ સંસાર કરે.
પૂર્ણ પ્રેમથી શરણ તું તેનું જ લઈ લે,
દેશે ઉત્તમ સ્થાન ને પરમ શાંતિ તો તે. (સરળ ગીતા અ-૧૮)
Add comment