કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
અપને ગુણ કો અવગુન કહહૂ, ઈહૈ અભાગ જો તુમ ન ૧વિચારહૂ
તૂ જિયરા બહુતૈ દુઃખ પાવા, ૨જલ બિનુ મીન કવન સચુ પાવા - ૧
૩ચાત્રિક જલહલ આસૈ પાસા, સ્વાંગ ધરૈ ભવ સાગર આસા
ચાત્રિક જલહલ ભરેજુ પાસા, મેઘ ન બરિસૈ ચલૈ ઉદાસા - ૨
રામૈ નામ અહૈ નિજુ સારુ, ઔરો જુઠ સકલ સંસારું
હરિ ૪ઉતંગ તુમ જાતિ પતંગા, જમ ઘર કિયહૂ જીવકો સંગા - ૩
કિંચિત હૈ સપને નિધિ પાઈ, હિય ન માય કહઁ ધરૌં છિપાઈ
હિય ન સમય છોરિ નહિ પારા, જુઠ લોભ તૈં કછુ ન બિચારા - ૪
સુમિતિ કિન્હ આપુ નહિ ૫માના, તરૂ તર છલ છાગર હોય જાના
જીવ દુરમતિ ડોલૈ સંસારા, તે નહિ સૂઝે બાર ન પારા - ૫
સાખી : અન્ધ ભયે સબ ડોલહી, ૬કોઈ ન કરૈ વિચાર
કહા હમાર માનૈ નહિ, કિમિ છૂટે ભ્રમ જાલ ?
સમજૂતી
૧. પોતાના ગુણોને અવગુણ કહેવામાં આવે ટે તો હે જીવ ! તારું દુર્ભાગ્ય છે. તે અંગે તું વિચાર પણ કરતો નથી ! તેં આ સંસારમાં આવીને ખુબ દુઃખ ભોગવ્યું. ભલા વિચાર તો કર કે પાણી વિના માછલી કેવી રીતે સુખ પ્રાપ્ત કરી શકે ? - ૧
સ્વાતિ નક્ષત્રના વરસાદ પાણીની આશામાં જેમ ચાતક પક્ષી પાસે વહેતા ગંગા જલનો ઉપયોગ કરી શકતું નથી તેમ જીવ પોતાની અંદર સુખરુપ રામ હોવા છતાં સંસાર સાગરમાં અનેક પ્રકારના પ્રપંચો કરી સુખ મેળવવાની આશામાં ભટકે છે. પરંતુ વરસાદ ન વરસવાથી ચાતક પક્ષી પાણી વિના ઉદાસ રહે છે તેમ જીવ સંસારમાં મુક્તિ વિના દુઃખી રહે છે. - ૨
રામનામ જ પોતાના સુખને માટે સારરૂપ છે બાકી સમગ્ર સંસાર બીના ઉપયોગી છે. પરમાત્મા પોતાથી દૂર છે એમ માનીને કામના અગ્નિમાં તું પતંગિયું બનીને બળી મારે છે અને યમરાજની સાથે પોતાનો સંબંધ બાંધી દે છે. - ૩
તેં જે કાંઈ મેળવ્યું છે તે સ્વપ્નમાં મેળવેલ ધન સમાન છે. તે હૃદયમાં તેઓ સમાય શકતું નથી તેથી તેને બહાર ક્યાં સુધી ધારણ કરી શકાય ? નથી તેને અંદર સાચવી શકાતું કે નથી તેને તારાથી છોડી શકાતું ! એવા મિથ્યાલોભ અંગે તું કેમ કાંઈ વિચાર કરતો નથી ? - ૪
જે શાસ્ત્રગ્રંથોને આધારે તું ચાલે છે તેનું તો તેં માન્યું જ નથી. તેથી બલિના બકરાની માફક આ સંસાર રૂપી વૃક્ષની નીચે તારો વધ જરૂર થશે. દુષ્ટ બુદ્ધિથી તું હે જીવ ! અહીં તહીં ભટકે છે પરંતુ સંસારનો પાર કેમ આવે તે તો તને સૂઝતું જ નથી. - ૫
સાખી : બધાં જ અજ્ઞાનથી આંધળા બની સંસારમાં ભટક્યા કરે છે પરંતુ તે અંગે કોઈ વિચાર કરતું જ નથી ! એટલું જ નહીં પણ અમારા વચનોને કોઈ માનતું પણ નથી ! તો કેવી રીતે સંસારની આ ભ્રમ રૂપી જાળમાંથી કોઈ છૂકી શકશે ?
૧. બુદ્ધિશક્તિ એ મનુષ્યને મળેલી મહાન બક્ષીસ છે તેના સદુપયોગથી જ તે માનવ થઈ ચાકે છે. ઉપયોગ ન કરે ત્યાં સુધી પશુ સમાન જ ગણાય. મનુષ્ય પોતે જે છે તે અંગે પોતે સાવધાન બની જાય તો તે પોતાના સાચા સ્વરૂપને સમજી શકે. પરંતુ પોતે કંઈ નથી, કંઈ જ કરી શકે એવી સ્થિતિમાં નથી એવું માનીને પોતાના દુર્ભાગ્યનું સર્જન કરે તો તેમાં વાંક કોનો ? પોતે બુદ્ધિનો ઉપયોગ નથી કરતો તેથી જ ને ? બુદ્ધિનો સદુપયોગ કરવો તે તો ગુણ છે અને ઉપયોગ જ ન કરવો તે તેનો અવગુણ છે.
૨. આત્મ સ્વરૂપની ઓળખાણથી જીવ પરમ સુખ પ્રાપ્ત કરી શકે તે કહેવા માટે પાણીમાં માછલીનું રૂપક કબીર સાહેબે સમજાવ્યું છે. સદ્દવિચાર રૂપી પાણીમાં જીવરૂપી માછલી આત્મસ્વરૂપ પામી શકે છે તેથી સુખી થઈ શકે છે.
૩. ચાતક પક્ષીનું રૂપક બહું જાણીતું છે. સ્વાતિ નક્ષત્રમાં વરસાદ પડે તે પાણીની આશામાં ચાતક પક્ષી “પિયા પિયા” કરીને રટણ કર્યા કરે છે. પોતાની નીચે જ જલાશય છે તે પાણીનો તે ઉપયોગ કરી શકતું નથી. ખોટી આશામાં એવું બને છે. આખરે વરસાદ જ ના થાય તો સ્વાતિ નક્ષત્રના પાણી વિના ચાતક નિરાશ બની જાય. આ નિરાશા બેવડી ગણાય. પોતાની નીચે પાણી હતું તેનો ઉપયોગ પણ ન કરી શક્યું અને સ્વાતિ નક્ષત્રનું પાણી પણ ન વરસ્યું ! જીવ પોતાની અંદર રહેલ રામરૂપ સ્વરૂપને જાની શકે નહીં અને સંસારના પદાર્થોની પ્રાપ્તિથી સુખ પણ મેળવી શકે નહીં એવું દુર્ભાગ્ય બુદ્ધિનો ઉપયોગ ન કરે તેથી થાય છે.
૪. પોતાની અંદર રહેલ હરિ સાથેનો સંબંધ ઉત્તમ પ્રકારનો ગણાય પરંતુ જીવ તે સંબંધને ભૂલીને કામનાથી યમરાજ સાથે સંબંધ બાંધે છે તે જન્મમરણના ચક્ર માટે કારણભૂત બને છે.
૫. બલિના બકરાને ઝાડ નીચે બાંધીને તેની પૂજા કરવામાં આવે. ત્યારે તેને કંકુ-ચોખા કપાળે લગાવવામાં આવે. તે ચોખા નીચે પડે ત્યારે તે બકરો આનંદમાં આવી જઈ માનવા લાગે છે કે પોતે ખુબ સુખી થયો છે. પણ ઘડી પછી તેનો વધ થઈ જતો હોય છે. જીવ પદાર્થ પ્રાપ્તિની કામનામાં એવું જ માનીને સુખી રહે છે.
૬. જીવની દુર્દશા માટે કોઈ જ વિચારતું નથી. શા માટે તેવું બને છે તે અંગે સાવધાનીપૂર્વક વિચાર કરવો જોઈએ તેમાં જ સાચી માનવતા પણ રહેલી છે. બુદ્ધિના સદુપયોગથી જ ભ્રમણા ભાંગે અને સાચી દિશા તરફ અભિમુખ થઈ શકાય અને પ્રમાણ પણ કરી શકાય.
Add comment