કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧દેહ હિલાયે ભગતિ ન હોઈ, સ્વાંગ ધરે નર બહુ વિધિ જોઈ
૨ધીંગા ધીંગી ભલો ન માના, જો કાહૂ મોહિ હૃદયા જાના - ૧
૩મુખ કિછુ આન હૃદય કિછુ આના, સપનેહુ કોહુ મોહિ નહિ જાના
તે દુઃખ પૈહૈ ઈ સંસારા, જો ચેતહુ તો હોય ઉબારા - ૨
૪જો ગુરુ કિંચિત નિંદા કરઈ, સૂકર સ્વાન જન્મ સો ધરઈ - ૩
સાખી : લાખ ચૌરાસી જીવજોની મંહ, ભટકિ ભટકિ દુઃખ પાય
કહંહિ કબીર જો રામહિ જાનૈ, સો મોહિ નીકે ભાય
સમજૂતી
શરીર હલાવવાથી (સાચી) ભક્તિ થતી નથી. ભલેને પછી માણસ અનેક પ્રકારના વેશો ધારણ કર્યા કરે ! જે મને હૃદયથી જાણે છે તેને નગ્ન સ્વરૂપે રહેવાનું સારું લાગે નહીં - ૧
જેના મોઢામાં કંઈ ઓર અને હૃદયમાં તો કંઈ જુદું જ હોય તે તો મને સ્વપ્નમાં પણ સમજી શકે નહીં. તે સંસારમાં ખુબ દુઃખી થાય છે. જે ચેતી જશે તેનો જરૂર ઉદ્ધાર થશે. - ૨
જે ગુરુની જરા પણ નિંદા કરે છે તે ડુક્કર અને કુતરાનો જન્મ ધારણ કરે છે. - ૩
સાખી : એટલું જ નહીં પણ ચોર્યાસી લાખ યોનીઓમાં ભટકી ભટકીને તે દુઃખ ભોગવ્યા જ કરે છે. તેથી કબીર કહે છે કે જે રામ તત્વને જાણે છે ને સમજે છે તે મને અતિ પ્રિય છે.
૧. કબીર સાહેબ બાહ્યભક્તિની ટીકા કરે છે. ભક્તિને બહાને જ્યાં જ્યાં નાચકૂદ કરવામાં આવે છે ત્યાં ત્યાં ભક્તિનો આડંબર જ છે, તે સાચી ભક્તિ નથી.
૨. પોતે ખૂબ સહન કરી રહ્યા છે એવો ડોળ કરવાવાળાને ધ્યાનમાં રાખીને અહીં કહેવામાં આવ્યું છે. બાણશય્યા પર સૂવું, પંચાગ્ની તપ કરવું, એક પગે પાણીમાં ઉભા રહેવું, હાથ ઉંચા કરી તપ કરવું, જટા વધારતા રહેવું, ભસ્મ ચોળવું વિગેરે ભક્તિને નામે થતો તપશ્ચર્યનો ઢોંગ લોકોને ભ્રમમાં નાંખી દે છે.
૩. ‘મુખમેં રામ ને બગલમેં છૂરી’ એ કહેવત અહીં યાદ આવે છે. ભક્તિનો આડંબર કરનારા ઢોંગી સાધુઓ જેવું બોલે છે તેવા જણાતા નથી. તેઓનું આંતરિક જીવન ગંધાતું હોય છે. કામના અને વિષયોના અગ્નિ તેઓના હૃદયમાં સદૈવ ભડભડ બળતા હોય છે.
૪. ભક્તિની વાત કરતાં કરતાં અચાનક ગુરૂની નિંદાનો મુદ્દો આવે છે તેથી આ પંક્તિઓ પાછળથી કોઈએ ઉમેરીલી હોવી જોઈએ એવું લાગ્યા વિના રહેતું નથી. કબીર સાહેબ ગુરૂના મહિમાનું ગાન ઘણી જગ્યાએ કરે છે ખરા પરંતુ લોકોમાં અંધ વિશ્વાસ જગાડવા નહીં. તેઓ સ્પષ્ટ કહે છે.
જબ લગ માને ન અપની નૈનાં
તબ લગ માનો ના ગુરૂકી બૈના.
જ્યાં સુધી પોતાને આત્મવિશ્વાસ જાગે નહીં ત્યાં સુધી ગુરૂનાં વચનને પણ માનવું નહીં એવું કબીર સાહેબ માનતા મનાવતા હોય તો ગુરૂ નિંદા કરનારની અધોગતિ થાય એવું વચન કબીર સાહેબનું કેવી રીતે હોય શકે ?
૫. કબીર સાહેબ હૃદયમાં રહેલા રામની વાત કરે છે. આત્મસ્વરૂપને જાણવું એટલે રામને જાણવું, ભગવાન શંકરાચાર્યે પણ ભક્તિની વ્યાખ્યા કરતા વિવેક ચૂદામણિ ગ્રંથમાં કહ્યું જ છે કે સ્વરૂપાનુંસંધાનમ્ ભક્તિ : | અર્થાત્ સ્વરૂપનું અનુસંધાન કરાવે તે જ સાચી ભક્તિ. તેવા જ ભક્તો પરમાત્માને વ્હાલા લાગે છે.
Add comment