કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧એસા જોગ ન દેખા ભાઈ, ભુલા ફિરૈ લિયે ગફિલાઈ
મહાદેવો કો પંથ ચલાવૈ, ઐસો બડો ૨મહંત કહાવૈ - ૧
૩હાટ બજારે લાવૈ તારી, કચ્ચે સિદ્ધન માયા પ્યારી
૪કબ દત્તે માવાસી તોરિ ? કબ સુખદેવ તોપચી જોરી ? - ૨
નારદ કબ બંદૂક ચલાથા ? વ્યાસદેવ કબ બંબ બજાયા ?
૫કરહિ લરાઈ મતિ કે મંદા, ઈ અતીત કી તરકસ બંદા ? - ૩
૬ભયે વિરકત લોભ મન ઠાના, સોના પહિરિ લજાવૈ બાના
ઘોરા ઘોરી કીન્હ બટોરા, ગાંવ પાય જસ ચલૈ કરોરા - ૪
સાખી : તિય સુંદરિ ના સોહઈ, સનકાદિક કે સાથ
કબહુંક દાગ લગાવઈ, ૭કાટી હાંડી હાથ
સમજૂતી
હે ભાઈ ! એવો યોગ તો અમે જોયો જ નથી. અસાવધ થઈને ગાંડાની જેમ ગમે ત્યાં ફર્યાં કરે. શૈવમતનો પ્રચાર કરે અને પોતાને મોટો મહંત કહેવરાવે ! - ૧
લોકોના ટોળે ટોળાં હોય ત્યાં ભર બજારે પોતે સમાધિ લગાવે. ખરેખર, નકલી સિદ્ધ કહેવાતા સાધુઓને છેતરપિંડી પ્યારી લાગે છે. દત્તાત્રયે શત્રુઓનો કિલ્લો ક્યારે તોડ્યો હતો ? શુકદેવે તોપ ક્યારે ફોડી હતી ? - ૨
નારદે બંદૂક ક્યારે ચલાવી હતી ? વ્યાસજીએ દુદુંભી ક્યારે વગાડી હતી ? જે ઓછી બુદ્ધિવાળા હોય તે જ લડાઈ કરે છે. ખરેખર તેઓ શું વૈરાગી સાધુ છે કે બખ્તરધરી ફૌજી સિપાઈ છે ? - ૩
વૈરાગી બનીને મનમાં તો લોભ ભરેલો રાખે છે. સોનુ પહેરીને સાધુતાને લજાવે છે ! હાથીઘોડાની પલટણ રાખીને ગામનો ધણી થઈ કરોડપતિની જેમ ચાલે છે. - ૪
સાખી : સનકાદિક જેવા સન્યાસીઓ સાથે સુંદર સ્ત્રી શોભતી નથી. હાથમાં રાખેલી કાંળી હાંડી જેમ કોઈ દિવસ દાગ લગાવી દે છે તેમ તે એક દિવસ કલંક જરૂર લગાવે છે.
૧. આગલી રમૈનીમાં ભક્તિને નામે ચાલતા ઢોંગી લોકોને ઉઘાડા પાડીને હવે કબીર સાહેબ યોગને નામે ચાલતા ધતિંગોને ખુલ્લા પાડે છે. ખરેખર યોગ એટેલે તો ચિત્ત પર સ્થાપેલો સંયમ. યોગ: ચિત્તવૃત્તિ નિરોધ: એવું યોગશાસ્ત્ર તો કહે છે. વેદવાણીને યાદ કરવામાં આવે તો કઠોપનિષદ્દમાં પણ એવું જ કહ્યું છે કે
તાં યોગમતિ મન્યન્તે સ્થિરામિન્દ્રિય ધારણમ્ |
અર્થાત્ મન ઈન્દ્રિયોને સ્થિર કરે તેને જ યોગ માનવો. તેને બદલે સાવ બેફિકરા થઈને ભગવાન શિવના નામે જે ઢોંગ ધતુરા સાધુઓ ફરી ફરીને કરે છે તે સાચો યોગ નથી.
૨. મહંત તેને જ કહી શકાય કે જે શુદ્ધ ચારિત્રવન હોય અને નીતિ સદાચારથી વ્યવહાર કરતો કરતો ભગવાનનું ભજન કરતો હોય. મહંત એટલે તો મહાન જીવ.
૩. પરંતુ આ મહંતો નામના જ હોય છે. તેઓ ખરેખર મહાન નથી હોતા. લોકોને આકર્ષવા માટે જાહેરમાં સમાધિમાં બેસી જાય છે. ઘણા તો જમીનમાં ખાડો ખોદાવી ત્રણ-ચાર દિવસ દટાઈ રહે છે. તેમની સમાધિ ધનની કમાણી માટે હોય છે. તેઓનું મન તો ભોગવિલાસમાં ડૂબેલું જ રહે છે. ચંચળ મન સ્થિર બને તે જ સમાધિ. મન પરમાત્મામાં લીન બને તે જ સાચી સમાધિ. આ મહંતો તો નકલી સિદ્ધ પુરૂષો જેવું વર્તન કરે છે.
૪. નકલી સિદ્ધ પુરૂષો સંપ્રદાય સ્થાપીને હજારો શિષ્યોને સાથમાં લઈને સરઘસ કાઢતા હોય છે. તેઓ પદ અને પ્રતિષ્ઠા માટે જરૂર જણાય ત્યારે જંગ પણ કરી લેતા હોય છે. આપણે એકવીસમી સદીમાં પ્રવેશવાની તૈયારીમાં છીએ ત્યારે પણ કુંભમેળામાં થતાં વિવિધ સાધુઓના ટંટાઓ અને તે કારણે થતાં ભોળા લોકોનાં થતાં મરણો સાંભળીએ છીએ તેથી કબીર સાહેબની શીખામણ આજે પણ એટલી જ ઉપયોગી લાગે છે. દત્તાત્રેય, શુકદેવ, નારદ કે વ્યાસ તરફથી જગતને જે માર્ગદર્શન મળ્યું છે તે તો આનાથી ભિન્ન જ પ્રકારનું છે. તેઓએ કદી કોઈ પર ચઢાઈ કરી ન્હોતી, ભાંગફોડ કરી ન્હોતી કે કોઈને હિંસક બની ઈજા કરી ન્હોતી. તેઓ તરફથી મળેલો યોગનો, ભક્તિનો, જ્ઞાનનો કે સારગ્રાહી દષ્ટિથી જીવનને સંપન્ન કરવાનો સંદેશો આજે પણ એટલો જ ઉપયોગી છે.
૫. શિષ્યોને ઝુંડ ને ઝુંડ સાથે લઈને ફરતા મહંતો, સાધુઓ બુદ્ધિમાં મંદ હોવાથી જ લોભ ને લાલચથી જ્યાં ત્યાં આથડી પડે છે અને લૂંટફાટ પણ કરે છે. જેની બુદ્ધિ સ્થિર થઈ છે તેવા પંડિતો અયોગ્ય આચરણ કદી કરતા નથી.
૬. સાચા સાધુઓના વાણી વર્તનમાં સચ્ચાઈ ભરેલી એકતા, રહેણી કરણીમાં સાદાઈ અને સાદગી ને વ્યવહારમાં પ્રેમ જણાય છે. નકલી સાધુઓ વૈરાગીનો વેશ ધારણ કરે છે તો યે તેઓનું મન લોભથી લદ્ બદ્ હોય છે. સુવર્ણના કિમંતિ ઘરેણાંઓ શરીર પર ધારણ કરે છે અને અનેક પ્રકારની સંપત્તિઓનો પરિગ્રહ કરી ધનાઢય પુરૂષો જેવું વર્તન કરે છે.
૭. હાથમાં રાખેલી કાળી માટલી એક દિવસ પણ દાગ લગાવી જાય છે તે સત્ય તરફ સાધુઓએ એટલે કે સાધના કરનારા સાધકોએ લક્ષ રાખવાની જરૂર છે. ગમે તેટલી સાવધાની રાખવામાં આવે તો પણ એક વાર તો હાથ ભૂલથી કાળો બની જાય જ જાય છે. તે દષ્ટિએ સાચા સાધુઓએ સુંદર સ્ત્રીઓના સંગમાં ન રહેવું જોઈએ.
Add comment