કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
બોલના કાસે બોલિયે ભાઈ, બોલત હી સબ ૧તત્ત નાસાઈ
બોલત બોલત બઢઈ બિકારા, સો બોલિયે જો ૨કરૈ બિચારા - ૧
મિલૈં જુ સંત વચન દુઈ કહિયે, મિલહિં અસંત મૌન હોય રહિયે
પંડિત સે બોલિયે હિતકારી, મુરુખ સે રહિયે ૩જખમારી - ૨
કંહહિ કબીર ૪અરધ ઘટ ડોલૈ, પૂરા હોય વિચાર લૈ બોલૈ - ૩
સમજૂતી
હે ભાઈ ! કહેવા યોગ્ય વાત કોને કહી શકાય ? (અયોગ્ય વ્યક્તિને) કહેવાથી તો બોલતાં જ સઘળા તત્વનો નાશ થાય છે. બોલતાં બોલતાં વાદવિવાદ વધતો રહે છે. ખરેખર તો તેની સાથે જ કહેવા યોગ્ય કહેવું જોઈએ કે જે બરાબર વિચાર કરી શકે છે. - ૧
જો કોઈ સંત જન મળી જાય તો તેની સાથે બે વાત જરૂરી કરી શકાય. પરંતુ જો, દુર્જન મળે તો મૌન રહેવું ઉત્તમ. ભણેલા ગણેલા પંડિતો સાથે હિતકારી વાતો કરવામાં વાંધો નથી પણ મુર્ખ સાથે તો મન મારીને ચૂપ રહેવું જ વધારે સારું છે. - ૨
કબીર કહે છે કે અરધો ભરેલો ઘડો છલકાય છે જ્યારે પૂર્ણ જ્ઞાની હમેશા વિચાર કરીને જ બોલે છે. - ૩
૧. જ્ઞાનની વાતો અધિકારી માણસને કરવાથી લાભ થાય છે. અયોગ્ય માણસને વાતો કરવાથી અપમાનિત થવાય છે. વાત કરનારને એવા કટુ વચનો સાંભળવા મળે છે કે તેનું મન અશાંત બની જાય છે. ‘તત્વ’ શબ્દ અહીં સુખ શાંતિના અર્થમાં સમજવો જરૂરી છે.
૨. કબીર સાહેબ અહીં ફરથી માણસને વિચારશક્તિને મહત્વ આપે છે. જે વિચારશીલ માણસ છે તે અયોગ્ય બોલે પણ નહીં અને ગમે તેમ વર્તે પણ નહીં. તેના હૃદયમાં વિવેક જાગ્યો હોવાથી તે ગુણગ્રાહી થઈને સાર જ ગ્રહણ કરે છે.
૩. “જખમારી” શબ્દ રૂઢીપ્રયોગ ગણાય. મનને ન ગમે તો પણ મનને સંયમમાં રાખીને ચૂપ રહેવાની ફરજ પડે તેવી સ્થિતિનું વર્ણન કરવા આ શબ્દ પ્રયોગ થયો છે.
૪. અધૂરો ઘડો છલકાય ઘણો એ કહેવતને આધારે જે અધૂરો જ્ઞાની છે તે વધુ બોલે છે ને જે પૂરો જ્ઞાની છે તે જરૂર જણાય તેટલું જ બોલે છે.
Add comment