કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સોગ બધાવા સમ કરી માના, તાકિ બાત ઇન્દ્રહુ નહિ જાના
જટા ટોરિ પહિરાવૈ સેલી, જોગ જુગતિ કૈ ગરબ દુહેલી - ૧
આસન ઉદયે કવન બડાઈ, ૧જૈસે કૌવા ચીલ્હ મંડરાઈ
જૈસી ભીતિ તૈસી હૈ નારી, રાજપાટ સભ ગનૈ ઉજારી - ૨
જૈસ નરક તસ ચંદન જાના, જસ બાઉર તસ રહૈ સયાના
લપસી લવંગ ગનૈ એક સારા, ૨ખાંડ છાંડિ મુખ ફાકૈ છારા - ૩
સાખી : ઇહૈ બિચાર બિચારતે, ગયે બુદ્ધિ બલ ચેત
૩દુઈ મિલિ એકૈ હો રહા, (મૈં) કાહિ લગાઉં હેત.
સમજૂતી
શોક અને આનંદ સમાન કરીને મને છે તેવા નકલી સાધુઓનું કપટ સાક્ષત ઈન્દ્ર જાણી શકતો નથી. તેઓ જટા તોડીને વાળની માલા પહેરાવે છે અને યોગ યુક્તિથી મુશ્કેલ ગણાતી ક્રિયાઓ કરી અભિમાન કરે છે. - ૧
તેઓ આસન સાથે આકાશમાં ઉડવાની બડાઈ હાંકે છે પરંતુ કાગડો તથા ગીંધ પણ આકાશમાં તો ઉડે છે ? તેઓ જેવા ભીંત તેવી નારી (સ્ત્રી) એમ મનાવે છે તથા રાજપાટને પણ ઉજ્જડ ભૂમિની માફક ગણે છે. - ૨
તેઓ ચંદનના સુખને નરક સમાન જાણે છે અને જેવા પાગલ તેવા જ્ઞાની એવું મને છે. લપસી અને લવંગને એક સરખા ગણે છે તેથી તેઓ ખાંડને ત્યજી દઈ રાખ જ ફાખે છે ! - ૩
સાખી : આ પ્રમાણે વિચારતા વિચારતા નકલી અભિમાની યોગીઓના બુદ્ધિ, બળ અને ચેતના સદાને માટે નષ્ટ થઈ જાય છે. પરંતુ અસલી ને નકલી બંને એક સાથે એવા ભળી જાય છે કે મારે કોની સાથે હેતપુર્વક સંબંધ બાંધવો તેની સમજ પડતી નથી !
૧. આકાશગમનની સિદ્ધિની વાત તેવા લોકો કરતા રહે છે ને આકર્ષણ જમાવતા રહે છે પણ તેવી સિદ્ધિનું મૂલ્ય શું ? કાગડો ને ગીધ પણ આકાશગમન તો કરે છે. આત્મ સ્વરૂપના જ્ઞાનની સિદ્ધિ મળે તો તે મૂલ્યવાન ગણાય.
૨. મહાન જ્ઞાની જેવી વાણી બોલીને તે કપટી યોગીઓ અંતે તો સ્વસ્વરૂપના જ્ઞાનની ખાંડ છોડીને તુચ્છ નાશવંત સિદ્ધિઓની ભસ્મ જ ખાય છે.
૩. નકલી ને અસલી યોગીઓ કે જ્ઞાનીઓ સહેલાઈથી પારખી શકાતા નથી તેથી ગુરૂ કરો તો પણ કસોટી કરીને જ કરો એવું કબીર સાહેબ કહેવા માંગે છે. બુદ્ધિના પૂરેપૂરો ઉપયોગ કરવાની જ શીખામણ આપી છે.
Add comment