કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧નારી એક સંસાર હિ આઈ, ૨માય ન વાકે બાપ હિ જાઈ
૩ગોડ ન મૂંડ ન પ્રાણ અધાર, તામહ ભમરિ રહા સંસારા - ૧
દિના સાત લૌ બાકી સહી, બુધ ૪અધબુધ અચરજ કા કહી
૫વાકો વંદત હૈ સભ કોઈ, બુધ અધબુધ અચરજ બડ ભારી - ૨
સાખી : ૬મૂસ બિલાઈ એક સંગ, કહુ કૈસે રહિ જાય
અચરજ સંતો દેખહુ, હસ્તી સિંઘહિ ખાય
સમજૂતી
સંસારમાં એક સ્ત્રી એવી આવી કે જેનો કોઈ બાપ નથી અને જેની કોઈ માત નથી. તેને માથું નથી, પગ નથી અને તેને પ્રાણનો આધાર પણ નથી. છતાંય તેનામાં આખો સંસાર ભમરી ખાયા કરે છે. - ૧
સાતે સાત દિવસ તેની સત્તા સર્વ પર રહે છે. ભણેલા કે ઓછું ભણેલા સૌને તેનાથી આશ્ચર્ય થયું. સૌ તેને વંદન કરે છે તેથી મને ભારે આશ્ચર્ય થાય છે. - ૨
સાખી : ઉંદર અને બિલાડી કહો કેવી રીતે સાથે રહી શકે ? હે સંતો, આશ્ચર્ય તો જુઓ કે હાથી સિંહને ખાય રહ્યો છે !
૧. પહેલી અને બીજી રમૈનીમાં કબીર સાહેબે માયા વિષે સમજણ આપી છે.
૨. (જુઓ રમૈની-૧) આ રમૈનીમાં ફરીથી માયાની વાત કરવામાં આવીએ છે. માયાના કોઈ માતપિતા નથી. તેનો જન્મ માત્ર ઈચ્છામાંથી થાય છે. તેથી તેને અનાદિ પણ કહી છે. તેના આદિ ને અંત વિષે કાંઈ કહી શકાતું નથી.
૩. તેના સ્વરૂપ વિષે પણ શું કહી શકાય ? તેના કોઈ રૂપ રંગ નથી. તેનો કોઈ ચોક્કસ આકાર પણ નથી. તે અરૂપ ને નિરાકાર છે. તેથી તેને માથુ નથી, પગ નથી અને પ્રાણ પણ નથી. આપણને પ્રાણની જરૂર પડે છે, માયાને જરૂર પડતી નથી. અને છતાં માયા સર્વ વ્યાપક હોય તેમ સહુમાં જીવંતપણે જણાય છે. આ માયા જીવને સૌથી મધુર લાગે છે.
૪. “અધબુધ”નો અર્થ અહીં અદ્દભૂત પણ થઈ શકે. માયાનું વર્ણન કોણ કરી શકે ? તેનું સ્વરૂપ જ અદ્દભૂત છે. મોટા મોટા પંડિતો પણ તેને સમજવામાં ઉણા પડે છે તે પણ એક મોટું આશ્ચર્ય જ છે ને ?
૫. માયાને સૌ વંદન કરે છે, પોતાના આત્મ સ્વરૂપને કોઈ વંદે નહીં. આત્મ સ્વરૂપની વિસ્મૃતિ સૌને આ માયાને કારણે જ થાય છે. પહેલી રમૈનીમાં કબીર સાહેબે કહ્યું કે ઈચ્છામાંથી માયાનો ઉદ્દભવ થાય છે. એનો અર્થ એજ કે માયા વૈચારિક સ્વરૂપે મનમાં જ રહેલી છે. તેથી મનમાં જે જે વિકારો પેદા થાય છે તે તેનું સ્વરૂપ જ છે. તેથી ગીતામાં પણ સમજ આપી છે કે
પ્રકૃતિ પુરૂષ અનાદિ છે એમ ખરે તું જાણ,
વિકાર ને ગુણ ઉપજ્યા પ્રકૃતિમાંથી માન.
કારણ તેમજ કાર્યને છે પ્રકૃતિ કરનાર,
પુરૂષ સુખ ને દુઃખના ભોગો ભોગવનાર.
પ્રકૃતિના ગુણનો કરે પુરૂષ સદાયે ભોગ,
તેથી તેને થાય છે જન્મ મરણનો રોગ. (સરળ ગીતા અ-૧૩)
આ રીતે પુરૂષની ઈચ્છામાંથી પ્રગટેલી પ્રકૃતિ અથવા તો માયાને કારણે સંસારનું ચક્ર ચાલ્યા જ કરે છે.
૬. આ સાખી રમૈની-૧૨ પણ આવી ગઈ છે. ત્યાં તો જુદા સંદર્ભમાં નિયોજેલી જણાય છે. અહીં તો માયાના સંદર્ભમાં જ રજુ કરેલી હોવાથી અર્થ સ્પષ્ટ થઈ જાય છે, ઉંદર અને બિલાડીના પ્રતીકનો તથા હાથી અને સિંહના પ્રતીકનો. ઉંદર અને બિલાડી રહી જ ન શકે તે સૌનો અનુભવ છે. બિલાડીનો ખોરાક તે ઉંદર. બિલાડી પોતાના શિકારની શોધમાં જ રહેતી હોય છે તેથી જેવો ઉંદર દેખે તેવી જ તે તરાપ મારે અને શિકાર કરે. એટલે સાથે રહેવાની કલ્પના કેવી રીતે કહી શકાય ? પરંતુ સંસારમાં જીવ અને માયાનો સંબંધ વિચારવામાં આવે તો ઉંદર બિલાડી સાથે રહેતા હોય તેવું લાગે છે. ખરેખર તો માયા જીવને પટાવી પટાવીને ખાતી હોય તેવું પણ જણાય છે. જીવમાં અનેક ઈચ્છાઓ ઉદ્દભવે છે ને તે ઈચ્છાઓની પરિતૃપ્તિ માટે પોતે કોણ છે. કેમ આવ્યો છે તે વિચારવાનું પણ ભૂલી જાય છે. જ્યાં સુધી ઈચ્છા સંતોષાય નહિ ત્યાં સુધી જીવને જંપ વળતો જ નથી. આખરે અતૃપ્ત દશામાં તેને દેહ છોડી દેવો પડે છે. મતલબ કે માયા તેને ખાય જાય છે. તેવી જ રીતે હાથી કરતા સિંહ વધારે બળવાન ગણાય છે. સિંહનો ખોરાક હાથી પણ ગણાય. છતાં હાથી સિંહને ખાય એમ કહેવા પાછળ જીવ પોતાના આત્મ સ્વરૂપને ભૂલી જતો હોય છે ને પરિણામે વિનાશ નોતરે છે એવો ધ્વનિ રહેલો છે.
Add comment