કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧તિહિ સાહબ કે લાગહુ સાથા, દુઈ દુઃખ મેટિ કે હોહુ સનાથા
૨દશરથ કુલ અવતરિ નહિ આયા, નહિ લંકાકે રાવ સતાયા - ૧
નહિ દેવકી કે ગરભ હિ આયા, નહિ જશોદા ખોદ ખેલાયા
પ્રિથમી રમન દમન નહિ કરિયા, પૈકિ પાતાલ નહિ બલિ છલિયા - ૨
નહિ બલિરાજસે માંડલ રારી, નહિ હિરનાકસ બધલ પછારી
હોય વરાહ ધરનિ નહિ ધરિયા, છત્રી મારી નિછત્રી ન કરિયા - ૩
નહિ ગોબરધન કરગહિ ધરિયા, નહિ ગ્વાલન સંગ બનબન ફિરિયા
ગંડક સાલિગ્રામ ન સીલા, મચ્છ કચ્છ હોય નહિ જલહીલા - ૪
સાખી : કહંહિ કબીર પુક્રારિ કે, વા પથ મતિ કોઈ ભૂલ
જિહિ રાખે અનુમાન કૈ ૩સો થૂલ નહીં અસ્થૂલ.
સમજૂતી
તે સાહેબ સાથે જ સંબંધ બાંધો અને જન્મ મરણના બંને દુઃખોને મિટાવી સનાથ બની જવો. તે સાહેબ દશરથના કૂળમાં જન્મ્યા નહોતા કે લંકાના રાજાને તેણે માર્યો ન હતો. - ૧
તે દેવકીના ગર્ભ દ્વારા જન્મ્યો નહો તો, જશોદા માના ખોળે રમ્યો ન હોતો તેણે પૃથ્વી પર જન્મી ભ્રમણ, રમણ કે દમન કર્યું નહોતું, તેણે પાતાળમાં જઈને બલિરાજાને છેતર્યો નહોતો. - ૨
તેણે બલિરાજા સાથે યુદ્ધ કર્યું નહોતું કે હિરણ્યકશિપુને પછાડીને વધ કર્યો નહોતો. વરાહનું રૂપ લઈ તેણે ધરતીને હાથમાં ધરી નહોતી, કે પરશુરામ બનીને તેણે ક્ષત્રિયોનો સંહાર કરી ધરતીને ક્ષત્રિઓ વિનાની બનાવી નહોતી. - ૩
તેણે ગોવર્ધન પર્વત હાથમાં લીધો નહોતો કે ગોવાળિયા સાથે વનમાં તે ફર્યા નહોતા. ગંડક નદીમાં શીલા રૂપે સાલિગ્રામ બન્યા નહોતા કે માછલાનો તથા કાચબાનો અવતાર ધારણ કરીને પાણીમાં રહ્યા નહોતા. - ૪
તેણે ન તો દ્વારિકામાં શરીર છોડેલું ને નતો પોતાનું શરીર જગન્નાથપુરીમાં સ્થાપેલું. - ૫
સાખી : કબીર પુકારિને કહે છે કે આ માયાનો પંથ છે તે કોઈ ભૂલશો નહીં. તમે જે કલ્પના કરીને પ્રભુને માન્યા છે તે તો સ્થૂળ રૂપે તો છે જ નહીં, માત્ર સૂક્ષ્મ સ્વરૂપે જ છે.
૧. પ્રત્યેક શરીરમાં જે આત્મતત્વ રહેલું છે તેજ પરમ તત્વ છે એવો પરિચય જ્યારે થઈ જાય છે ત્યારે મન નિર્ભય બની જાય છે. જેમ બાળક પિતાની હાજરીમાં નિર્ભયતા અનુભવે છે તેમ સ્વરૂપની ઓળખાણ થવાથી મનમાં કોઈપણ પ્રકારનો ભય રહેતો નથી. આને કબીર સાહેબ સનાથ અવસ્થા કહે છે.
૨. પરમ તત્વ સર્વ વ્યાપક છે છતાં તે સ્થૂળ શરીર ધારણ કરી જન્મતું નથી. જે જન્મે છે તે તો માયાનું જ સ્વરૂપ છે. આ દષ્ટિએ પ્રત્યેક અવતારો પણ માયાનાં જ સ્વરૂપો છે. તે દેહ ધરીને આવે છે તેથી તેને દેહ છોડીને જવું પણ પડે છે. જે આવન જાવન કર્યા કરે છે તે તો માયાનો જ ખેલ છે. કબીર સાહેબ જે પરમ તત્વની વાત કરે છે તે દશરથ રાજાને ઘરે જન્મેલ અવતારી પુરુષ રામ નહીં પણ તે રામના માનવ શરીરમાં જેને કારણે સામર્થ્ય પ્રગટ થયેલું તે તત્વ. તે જ રીતે તમામ અવતારોનું રહસ્ય કબીર સાહેબ સમજાવી રહ્યા છે. તેથી કબીર સાહેબે સાખી પ્રકરણમાં સ્પષ્ટતા કરતા કહ્યું જ છે કે
સબ ઘટ મેરે સાંઈયા સૂની સેજ ન કોઈ,
બલિહારી વો પુરુષ કી જા ઘટ પરગટ હોઈ.
અર્થાત્ ઘટ એટલે શરીર. પ્રત્યેક શરીરમાં મારો સ્વામી રહે છે પણ તે સુષુપ્ત અવસ્થામાં જ. જે શરીરમાં તે જાગૃત થઈ પ્રગટ બને છે તે જીવને ધન્યવાદ.
૩. ઘણા વિદ્વાનો પરમાત્મ તત્વનું વર્ણન પોત પોતાના અનુમાનથી કરે છે. હાથીને જેમ કોઈ આંધળો માણસ મોટા થાંભલા જેવો કહે, કોઈ સૂપડા જેવા કાનવાળો કહે, કોઈ મોટી સૂંઢ જેવો કહે તેમ. ખરેખરે, પરમાત્મ તત્વ સ્થૂળ સ્વરૂપે હોતું જ નથી. તે તો સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વરૂપે કણ કણમાં વ્યાપીને રહેલું નિરાકાર તત્વ છે. તેના વર્ણનો માત્ર અનુમાનથી કરવામાં આવે છે.
આ રીતે કબીર સાહેબ અવતારો વિષે અને માયા વિષે પોતાનો નિજી અભિપ્રાય પોતાના સ્વાનુભવને આધારે રજુ કરે છે.
Add comment