કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
માયા મોહ કઠીન સંસારા, ૧ઇહૈ બિચાર ન કાહુ બિચારા
માયા મોહ કઠીન હૈ ફંદા, હોય ૨બિબેકી જો જન બંદા - ૧
રામ નામ લૈ ૩બેરા ધારા, સો તો લે સંસાર હિ પારા - ૨
સાખી : રામનામ અતિ ૪દુરલભ, અવરે તે નહિ કામ,
આદિ અંત ઔ જુગ જુગ, રામહિં તે ૫સંગ્રામ.
સમજૂતી
સંસારમાં માયા અને મોહ (પર વિજય પ્રાપ્ત કરવો અતિશય) કઠીન ગણાય છે તે હકીકત પર કોઈ વિચાર કરતું નથી. માયા અને મોહના બંધનમાંથી મુક્ત થવું મુશ્કેલ હોવાથી સાચો વિવેકી પુરૂષ જ ભગવાનને શરણે જઈ મુક્ત થઈ શકે છે. - ૧
રામનામ રૂપી જહાજ લઈને અંદર આરૂઢ થઈ જશે તેને તે જહાજ સંસાર સાગરની પાર લઈ જશે. - ૨
સાખી : રામનામનું સ્મરણ કરવું પણ અતિ દુર્લભ ગણાય છે, એ સિવાય બીજું ઉપયોગી પણ નથી. જન્મથી મારે ત્યાં સુધી પ્રત્યેક યુગોમાં રામનું સદા ભજન કર્યા કરવું એ જ તો કર્તવ્ય છે.
૧. મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી હોવાથી બુદ્ધિના સદુપયોગ માટે સતત પ્રયત્નશીલ બનવું જોઇએ. બુદ્ધિપૂર્વકની વિચારણા કરે તો જરૂર તે પોતાનું કલ્યાણ કરી શકે. પરંતુ માયા ને મોહ માનવમનને એટલા મીઠા લાગે છે કે તે સુધબુધ પણ ખોય બેસે છે. પરિણામે બુદ્ધિપૂર્વકની વિચારણા થઈ શક્તિ નથી.
૨. વિવેકી પુરૂષ જ બુદ્ધિનો વિનિયોગ કરી માયા ને મોહના પાશમાંથી છૂટવા માર્ગ શોધી કાઢે છે. જે વિવેકી નથી તે મૂઢ કહેવાય.
૩. રામનામ રૂપી જહાજ, સંસાર સાગર પાર કરવા માટેનો વિવેકી પુરૂષોઓ શોધી કાઢેલું ઉત્તમ સાધન છે. વિવેકી પુરૂષો મનને રામનામમાં તલ્લીન બનાવી દે છે પરિણામે તેવું મન સંસારના ભાવોથી મુક્ત રહે છે. મતલબ કે તેવા મનમાં સંસાર રહતો નથી. તેવા મનથી જ સંસાર સાગર પાર થઈ શકે.
૪. માયા અને મોહ જગતમાં અનેકવિધ સ્વરૂપે વ્યાપીને રહેલા છે. તેવા જગતમાં જન્મીને જીવ પ્રથમ તો માયાની મોહિની સ્વરૂપમાં જ મગ્ન બની જાય છે. પરિણામે રામનામ લઈ શકાય તેવી સ્થિતિ રહેતી નથી. આ દષ્ટિએ પણ રામનામ લેવું મુશ્કેલ ગણાય છે.
૫. સંગ્રામ શબ્દ ભારે પુરુષાર્થની આવશ્યકતાનું સૂચન કરે છે. જ્યાં સુધી મન છે ત્યાં સુધી સંસાર છે. સંસારમાંથી મનને વેગળું કરવું સહેલું નથી. ડગલે ડગલે જાણે કે મનની સાથે યુદ્ધ જ કરવું પડે છે. તેથી રામ સાથે પ્રીતિ બાંધવી મહાન સંગ્રામ ખેલવા જેટલું દુષ્કર કાર્ય ગણાય છે.
Add comment