કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
એકૈ ૧કાલ સકલ સંસારા, એક નામ હૈ જગત પિયારા,
૨તિયા પુરુષ કિછુ કથો ન જાઈ, સર્વ રૂપ જગ રાહ સમાઈ - ૧
રૂપ અરૂપ જાય નહિ બોલી, હલુકા ગરુવા જાય ન તોલી,
ભૂખ ન તૃષા, ધૂપ નહિ છાહીં, દુઃખ સુખ રહિત રહૈ તિહિ માંહી - ૨
સાખી : અપરંપાર હૈ રુપ મગુ, રુપ નિરુપ ન ભાય,
બહુત ધ્યાન કે ખોજિયા નહિ ૩તેહિ સંખ્યા આય.
સમજૂતી
આખો સંસાર એક માત્ર કાળના પ્રભાવ હેઠળ છે. તે પ્રભાવથી બચવા માટે રામનું નામ જ આખા જગતને પ્યારું થઈ પડે છે. તે રામ સ્ત્રી કે પુરૂષ છે તે કહી શકાતું નથી પરંતુ તે પ્રત્યેકરૂપોમાં વ્યાપક પણે છવાઈ રહ્યો છે તે એક હકીકત છે. - ૧
તે સાકાર છે કે નિરાકાર છે તે વાણીથી વર્ણન કરી શકાતું નથી. તે વજનમાં હલકો છે કે ભારી છે તે તોલી શકાય પણ નહિ. એટલું જ નહિ પણ તેને ભૂખ કે તરસ પણ નથી, તેને તાપ પણ નથી અને છાયા પણ નથી, તે તો સુખદુઃખ રહિત અવસ્થામાં સર્વમાં રહે છે. - ૨
સાખી : તેના સ્વરૂપનો પાર પામી શકાતો નથી અને તે સાકાર છે કે નિરાકાર છે તે પણ નિર્ણય કરી શકાતો નથી. યોગીઓએ ખૂબ ધ્યાન કરીને સંશોધન કરવા પ્રયત્ન કર્યો છે છતાં તે એક છે કે અનેક છે તે પણ નક્કી થઈ શક્યું નથી.
૧. અહીં “કાલ” શબ્દ યમરાજના અર્થમાં સમજવાથી સરળતા થઈ જાય છે. આ સંસાર પળે પળે પરિવર્તન પામ્યા જ કરે છે તે યમરાજના પ્રભાવનું કારણ છે. તેથી યમરાજથી બચવા માટે જે પરિવર્તનશીલ નથી એવા તત્વ સાથે પ્રીતિ બાંધવી એવું સત્પુરુષોનું વચન છે. અપરિવર્તનશીલ તો આપણું આત્મ સ્વરૂપ જ છે.
૨. આત્મ તત્વ કે પરમાત્મ તત્વ સર્વવ્યાપી છે. મતલબ કે સ્ત્રી-પુરુષો સર્વમાં તે એક જ સ્વરૂપે વિદ્યમાન રહે છે. તેથી તે તત્વ પણ સ્ત્રી કે પુરૂષ છે કે કેમ તે નક્કી કરવું જોઇએ. પણ હકીકતે તે તત્વ નથી સ્ત્રી કે પુરૂષ. તે તો અલિંગ છે.
૩. તે તત્વ એક રૂપે છે કે અનેક રૂપે છે તેનું સંશોધન યોગીએ કર્યું છે. યોગીઓ કહે છે કે તે એક ને અદ્વિતીય છે પણ અનેક રૂપે ભાસે છે તેથી મનને ભ્રમણા થાય છે. માટે તેના સ્વરૂપનો નિર્ણય કરવા પ્રયત્ન કરનાર નિષ્ફળ જ થાય છે.
Add comment