Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

મનુષ જન્મ ચુકેહુ અપરાધી, યહિ તન કેર બહુત હૈ સાઝી
તાત જનની કહ પૂત હમારા, સ્વારથ લાગિ કીન્હ પ્રતિપાલા - ૧

કામિની કહૈ મોર પિયુ અહૈ, બાઘિનિ રૂપ ગિરાસન ચાહૈ
સુત કલત્ર રહૈ લવ લાયે, જમકી નાંઈ રહૈ મુખ બાયૈ - ૨

કાગ ગીધ દુઈ મરન બિચારૈં, સિકર સ્વાન દુઈ પંથ નિહારૈં
અગ્નિનિ કહૈ મૈં ઈ તન જારૌં, પાની કહૈ મૈં જરત ઉબારોં - ૩

ધરતી કહૈ મોહિ મિલિ જાઈ, પવન કહૈ સંગ લેંઉ ઉડાઈ
જા ઘર કો ઘર કહૈ ગંવારા, સો બેરી હૈ ગલે તુમ્હારા - ૪

સો તન તુમ આપન કૈ જાની, વિષય સ્વરૂપ ભૂલે અજ્ઞાની - ૫

સાખી :  ઇતને તન કે સાઝિયા, જન્મો ભરિ દુઃખ પાય
           ચેતત નાહીં મુગ્ધ નર, મોર મોર ગોહરાય.

સમજૂતી

હે અપરાધી જીવ !  તું મનુષ્ય તરીકે જન્મ ધારણ કર્યા પછી રસ્તો ચૂકી ગયો છે. આ તારા શરીરના તો ઘણા ભાગીદાર છે. માતાપિતા કહે છે કે આ તો મારો પુત્ર છે તેથી સ્વાર્થવશ તેઓ તારું લાલન પાલન કરે છે. - ૧

તારી પ્રિયતમા તો દાવો કરે છે કે એ તો મારો પ્રિયતમ છે અને વાઘણી માફક તને ખાય જવા માંગે છે. પુત્રો તથા પત્ની પ્રેમ લગાડીને બધું જ ખાય જવા મ્હોં ફાડીને તાકી રહે છે. - ૨

કાગડાઓ ને ગીધો તારા મરણની રહ જુવે છે અને શિયાળ તથા કૂતરા રસ્તેથી શબ પસાર થશે તેવી નજર રાખે છે. અગ્નિ કહે છે કે હું આ શરીરને જલાવી દઈશ અને પાણી કહે છે હું એને હોલવી નાંખીશ. - ૩

ધરતી કહે છે કે એ તો રાખ સાથે ઉડાડી જઈશ. હે મૂર્ખ !  જે ઘરને તું તારું ઘર માને છે તે ખરેખર ઘર નથી પણ ગળામાં પહેરેલી બેડી છે. - ૪

તે શરીરને હે જીવ તું તારું પોતાનું મને છે એ ખરેખર વિષયની સુંદરતામાં તેં કરેલી મોટી ભૂલ છે. - ૫

સાખી :  આટલા બધા તો તારા શરીરના ભાગીદારો છે અને જન્મભર તું દુઃખી થયો છતાં પણ તું હે મુગ્ધ નર !  ચેતતો નથી અને મારું મારું કહી પોકાર્યા કરે છે.

૧. મનુષ્ય જન્મ દુર્લભ છે તેથી તેવો મૂલ્યવાન જન્મ પ્રાપ્ત કર્યા પછી ભૂલ કરવામાં આવે તો તે મોટો અપરાધ ગણાય. મનુષ્ય દેહમાં જ કલ્યાણનું કાર્ય થઈ શકે તેથી સાવધાન થઈને જીવે રહેવું જોઈએ. તેથી તો ભાગવતમાં ઉપદેશ આઘવામાં આવ્યો કે

લબ્ધ્વા સુદુર્લભમિદં બહુસંભવાન્તે
માનુષ્યમપ્યર્થદમનિત્ય મપીહ ધીર: |
તૂર્ણં યતેત ન પતેદનુમૃત્યુ યાવત્
નિઃશ્રેયસાય વિષય: ખલુ સર્વત: સ્યાત્ ||  (૧૧/૯-૨૯)

અર્થાત્ નિરંતર મૃત્યુવાળો સદા પરિવર્તનશીલ એવો દેહ હોવા છતાં તે અત્યંત દુર્લભ મનાયો છે. તેવો દેહ ઘણા જન્મને અંતે તેં પ્રાપ્ત કર્યો છે તો એનું મૃત્યુ થાય તે પહેલાં તું તારા કલ્યાણને માટે હે જીવ !  જલદી જલદી પ્રયત્ન કરી લે. બાકી વિષયો તો તને બધી જ જગ્યાએ મળી રહેશે.

૨. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પોતાની પત્ની મૈત્રેયીને સમજાવતાં કહે છે કે “ન વા અરે પુત્રણામ્ કામાય પુત્રા: પ્રિય ભવન્તિ, આત્મનસ્તુ કામાય પુત્રા: પ્રિયા ભવન્તિ” અર્થાત્ પુત્રના સુખને લીધે પુત્ર પ્રિય લાગતો નથી પણ પોતાના સુખને લીધે પ્રિય લાગે છે. પુત્ર ભવિષ્યમાં પોતાને સુખ આપશે એવી સ્વાર્થવૃત્તિને કારણે પુત્ર પ્રિય લાગે છે.

૩. પ્રેમિકા પણ સ્વાર્થવૃત્તિને કારણે જ પ્રિયતમને વહાલો મને છે. સુત એટલે પુત્ર અને કલત્ર એટલે પોતાની પત્ની. પુત્ર કે પત્ની પણ સ્વાર્થવૃત્તિથી જ પ્રેમ કરે છે.

૪. જે મહાભૂતોથી આ શરીર બન્યું છે તે મહાભૂતો પણ પોતપોતાની રીતે આ શરીરને માલિકી માટે દાવો કરે છે. અગ્નિ, પાણી, વાયુ, પૃથ્વી ને આકાશ એ પંચમહાભૂતના તત્વો-અગ્નિ બાળવાની, પાણી એને શીતળ કરવાની, પવન એને પોતાની સાથે લઈ જવાની અને પૃથ્વી પોતાવી અંદર સમાવી લેવાની રહ જુએ છે.

૫. શરીરને તું તારું આત્મ સ્વરૂપ માને છે તે ખતરનાખ છે કારણ કે તારા ગળામાં તેં જ ફાંસો નાંખ્યો હોય તેવી તે ક્રિયા છે.

૬. વિષયની ક્યાં ખોટ છે. તે તો બધે જ સરળતાથી મળે છે. વિષયો દેહમાં જરૂર છે પણ દેહ સરળતાથી મળતો નથી. એટલે વિષયોની મોહિની ને કારણે અજ્ઞાની જીવ ખોટું મને છે.

૭. માનવ શરીર ઘમનું સાધન છે માટે ઉત્તમ છે. તે મહામુશ્કેલીથી મળે છે તેથી કિંમતી છે. પરંતુ તે દેહને આત્મ સ્વરૂપ સમજવું એ મૂઢતા છે. વિષયોમાં મુગ્ધ બનેલા જીવની મૂર્ખતાઈ  છે. તેથી ‘મારું મારું’ કરી કરી જીવ દુઃખી થયા કરે છે. દેહનો દેહ માનવાથી કોઈ અપરાધ થતો નથી પણ દેહને આત્મ સ્વરૂપ માનવાથી જ અપરાધ થાય છે. માનધ દેહ પ્રાપ્ત કર્યા પછી જ આત્મ સ્વરૂપનો પરિચય થઈ શકે છે તે દેહનું આધ્યાત્મિક મૂલ્ય છે. પળે પળે દેહમાં પરિવર્તન થયા કરે છે તેની પ્રતીતિ થવી તે દેહનું ભૌતિક મૂલ્ય છે. આ રીતે દેહ એ પ્રભુ તરફથી મળેલી મોટી ભેટ છે અને તેથી તેનો સદુપયોગ આત્મ કલ્યાણ કરવા માટે જ કરી લેવો જોઈએ એવી સાવધાની રાખવી મનુષ્યની ફરજ છે.