Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

દેવ ચરિત્ર સુનહુ રે ભાઈ, જો બ્રહ્મા સો ધીયઉ નસાઈ
ઉ જે સુની મંદોદરિ તારા, તિનિ ઘર જેઠ સદા લગવારા  - ૧

સુરપતિ જાય અહીલહિં છરી, સુરગુરુ ઘરનિ ચંદ્રમૈ હરી
કહંહિ કબીર હરિ કે ગુન ગાયા, કુંતી કરન કુંવાર હિ જાયા  - ૨

સમજૂતી

હે ભાઈઓ !  દેવલોકોના ચરિત્ર સાંભળો તો ખરા. ખુદ બ્રહ્માજીએ તો પોતાની પુત્રીનું શિયળ નષ્ટ કર્યું હતું. મંદોદરી અને તારા કે જે પતિવ્રતા કહેવાય છે તેના ઘરમાં સ્ત્રીના સદા આસક્ત દિયરો જેઠ બની ગયા હતા  - ૧

દેવતાઓના પતિ ગણાતા ઈન્દ્રે અહલ્યાને છેતરી હતી અને દેવતાઓના ગુરુનિ પત્નીનું હરણ ચંદ્રમાએ કર્યું હતું. તેથી કબીર કહે છે પ્રભુની માયાથી બચવા માટે પ્રભુના ગુણ ગાવા જોઈએ. બાકી સૂર્યદેવથી પણ કુંવારી કુંતીના કૂખે કર્ણ પેદા થયો હતો !  - ૨

૧. માયાથી દેવલોકો બચ્યા નથી તો જીવોને તેઓ કેવી રીતે બચાવી શકે એવું કબીર સાહેબ પુરવાર કરવા માંગે છે. સાક્ષાત બ્રહ્માજી પોતે કે જેને સૃષ્ટિના સર્જક તરીકે માનવામાં આવે છે તે કામ વાસનાથી આસક્ત થઈને પોતાની જ પુત્રીનું જીવન બરબાદ કરે છે; સતી ગણવામાં આવતી પતિવ્રતા નારી મંદોદરી અને તારાને તેના ગણાતા દિયર લોકો જ પરણી ગયેલા અને દિયરના જેઠ બની ગયેલા; દેવોમાં શ્રેષ્ઠ ગણાતા ઈન્દ્રે ગૌતમ મુનિની પત્ની અહલ્યા સાથે તેની મરજીથી સંભોગ કરેલો; દેવતાઓના ગુરુ ગણાતા બૃહસ્પતિની પત્નીનું હરણ ચંદ્રદેવે કરેલું અને સૂર્યદેવે કુંવારી કુંતીને સગર્ભા કરેલી ને કર્ણનો જન્મ થયેલો તે સર્વ પ્રસંગો દેવોના હીનચરિત્રોના દષ્ટાંતો છે. તેથી દેવોની ભક્તિ ન કરવી જોઈએ.

૨. દિયર ગણાતા હતા તે જેઠ થઈ ગયા એવો કટાક્ષ પણ કર્યો ગણાય.