કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સુખ કે બ્રિચ્છ ઇક ૧જગત ઉપાયા, સમુઝિ ન પરલિ વિષૈ કિછુ માયા
છવ છત્રી પત્રી જુગ ચારી, ફલ દૂઈ પાપ પુન્ન અધિકારી - ૧
સ્વાદ અનંત કિછુ બરનિ ન જાઈ, કૈ ચરિત્ર સો તાહિ સમાઇ
નટ વટ સાજ સજિયા સાજી, જો ખેલૈ સો દેખૈ બાજી - ૨
મોહા બપુરા ૨જુગુતિ ન દેખા, શિવ શક્તિ બિરંચિ નહિ પેખા - ૩
સાખી : પરદે પરદે ચલિ ગયે, સમુઝિ પરી નહીં બાની
૩જો જાનહિ સો બાંચિહૈ, હોત સકલ હી હાનિ.
સમજૂતી
જીવના સુખને માટે માયાયે એક સંસાર રૂપી વૃક્ષ પેદા કર્યું પરંતુ જીવને માયાના વિષયોનિ કંઈ પણ સમજ પડી નહીં. મોટા રાજા ગણાતા છ ક્ષત્રિયો પણ પંખી બનીને તે વૃક્ષ પર બેઠા અને પાપ તથા પુણ્યના બે પ્રકારના ફળોના અધિકારી બન્યા. - ૧
તેનો સ્વાદ વર્ણ ન કરી શકાય તેવો અનંત હોય છે તે માયા અનેક પ્રકારના ચરિત્રો કરીને સંસારમાં એ રીતે વ્યાપક બની એકરૂપ થઈ ગઈ. તે નટની માફક વિધ વિધ પ્રકારના વિષયોની સામગ્રી સજાવતી રહે છે. જો જીવ તેની સાથે ખેલ ખેલવા માંડે છે તો તેને માયાની બાજી જોવા મળે છે. - ૨
પરંતુ મોહમાં ઘેલા બનેલા જીવને જુકિત જાણતો ન હોવાથી માયાની બાજી બરાબર જોઈ શકતો નથી. અરે, શંકર, બ્રહ્મા અને સાક્ષાત શક્તિ જેવા અધિકારી લોકો પણ માયાની લીલાનું રહસ્ય પામી શક્યા નહિ. - ૩
૧. ગીતામાં પણ સંસારને પીપળાના ઝાડ તરીકે પંદરમાં અધ્યાયની શરૂઆતમાં જ વર્ણવ્યો છે.
અવિનાશી આ જગતને કહ્યો પીપળો છે,
તેનો જાણે સાર જે જ્ઞાની સાચો તે. (સરળ ગીતા અ-૧૫)
૨. સૌ જન્મ ધારણ કરે છે આ જગતમાં જ, આ સંસારમાં જ. પરંતુ સંસારમાં જન્મીને સંસારમય ન બની જવાય તે માટે કર્મ કરવાની કુશળતા પ્રાપ્ત કરવી જરૂરી છે. તેને બદલે બધાં જ સંસારના બની જાય છે અને સંસારમય થઈ જાય છે તેથી તેઓને માયાના ખેલનું રહસ્ય સમજાતું નથી. સંસારમાં જો યુક્તિપૂર્વક રહેવામાં આવે તો તેને માયાની બાજીની સર્વ સમજ પડી જાય છે. તેથી યુક્તિ જાણનારા બુદ્ધિશાળી માણસો મનમાં સંસારને ઉગવા દેતા નથી. જો કે ભૂલેચૂકે પણ ઉગે તો તેને અનાશક્તિની કુહાડીથી છેડી નાંખે છે.
દૃઢ આ દ્રુમ સંસારનું એમ વિચારી જે,
અનાસક્તિના શસ્ત્રથી છેદે બુધજન તે. (સરળ ગીતા અ-૧૫)
૩. જે સંસારમાં રહેવાની કુશળતા પ્રાપ્ત કરે છે તે મનમાં સંસારને ઉગવા દેતો નથી. તેથી તેવા જ માણસો માનવ જન્મને સાર્થક કરી શકે છે. બાકી બીજા બધાં તો માનવ જન્મની સુવર્ણ તકને ગુમાવીને મોટું નુકશાન વેઠી રહે છે.
Add comment