કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સંતો, ઘર મહ ઝગરા ભારી !
રાતિ દિવસ મિલિ ઉઠિ ઉઠિ લાગૈ, પાંચ ઢોટા એક નારી - ૧
ન્યારો ન્યારો ભજન ચાહૈ, પાંચો અધિક સવાદી
કોઈ કાહૂકા હટા ન માનૈ, આપુહિ આપુ મુરાદી - ૨
દુરમતિ કેરિ દુહાગિનિ મેટૈ, ઢોટહિં ચાપિ ચપેરૈ
કહંહિ કબીર સોઈ જન મેરા, ઘરકી રારિ નિબેરૈ - ૩
સમજૂતી
હે સંત જનો, શરીર રૂપી ઘરમાં ભારે ઝઘડો ચાલ્યા કરે છે ! પાંચ જ્ઞાનેન્દ્રિયો અને છઠ્ઠી કુબુદ્ધિ સાથે મળીને રાતદિવસ ઉઠી ઉઠીને જીવ સાથે ઝઘડામાં લીન રહે છે. - ૧
સૌને પોતપોતાની ઈચ્છા મુજબનો ખોરાક જોઈએ છે. પાંચે પાંચ એકમેકથી સ્વાદમાં ચઢે છે. કોઈ કોઈનું માને નહિ અને પોતપોતાની ઈચ્છા તૃપ્ત કરવા સૌ હમેશ પ્રયત્ન કર્યા કરે છે. - ૨
કબીર કહે છે કે જે કુબુદ્ધિરૂપી સ્ત્રીનું દુર્ભાગ્ય દૂર કરી શકે અને પાંચે પાંચને વશ કરી ઘરના ઝઘડાનું નિવારણ કરી શકે તે જ મારો ભક્ત ગણાશે. - ૩
ટિપ્પણી
દૈવી ને આસુરી સંપત્તિ પ્રત્યેક શરીરમાં જન્મથી જ મળેલી હોય છે. પ્રત્યેકને અનુભવ પણ થાય છે. તેના નિવારણની યુક્તિ સૌ કોઈની પાસે ઉપલબ્ધ હોતી નથી. હા, તે અંગે સાધનો પ્રત્યેક શરીરમાં મોજુદ હોય છે. પ્રાણ મન અને બુદ્ધિ સંયમિત બને તો સંઘર્ષ ટાળી શકાય છે. અને પરમશાંતિનો અનુભવ જીવને થઈ શકે છે. જે જીવ પોતાના જીવનું આયોજન સંઘર્ષમાં શાંત બનાવવા માટે કરે તે સાચો ભક્ત ગણાય એવો કબીર સાહેબનો ઉપદેશ છે.
Add comment