કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સંતો, અચરજ એક ભૌ ભારી, કહૌં તો કો પતિઆઈ ! - ૧
એકૈ પુરુષ એકૈ નારી, તાકર કરહુ વિચારા
એકૈ અંડ સકલ ચૌરાસી, ભરમ ભુલા સંસારા - ૨
એક હિ નારી જાલ પસારા, જગમેં ભયા અંદેસા
ખોજત ખોજત અંત ન પાયા, બ્રહ્મા વિસ્નુ મહેસા - ૩
નાગ ફાંસ લીયે ઘર ભીતર, મૂસિન્હિ સબ જગ ઝારી
જ્ઞાન ખરગ બિનુ સબ જગ જૂઝૈ, પકરિ કાહુ નહિ પારી - ૪
આપુહિ મૂલ ફૂલ ફૂલવારી, આપુહિ ચુનિ ચુનિ ખાઈ
કહંહિ કબીર તેઈ જન ઉબરે, જિહિ ગુરુ લિયા જગાઈ - ૫
સમજૂતી
હે સંતો, એક મોટું આશ્ચર્ય થયું છે ! જો હું સત્ય કહું કોણ વિશ્વાસ કરશે ? - ૧
એક જ પુરુષ છે અને એક જ નારી છે તે બેઉનો વિચાર કરો. એક જ બ્રહ્માંડમાં બધી જ ચોર્યાસી લાખ યોનિઓ છે. એ અંગેના ભ્રમમાં જ આખો સંસાર ભૂલો પડ્યો છે. - ૨
એક જ (માયા રૂપી) નારીએ (પ્રપંચની) જાળ ફેલાવી છે. આખા જગતમાં એ અંગે ભયની લાગણી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ શોધ કરતા કરત થાકી ગયા પણ માયાનો અંત શોધી શક્યા નહીં. - ૩
માયા તો સૌની અંદર (ત્રિગુણની) ફાંસી લઈને વસેલી છે. તેણે જ સૌનું આત્મા રૂપી ધન પૂરી રીતે ચોરી લીધું છે. જ્ઞાન રૂપી તલવાર લીધા વિના સંસારી લોકો એની સામે યુદ્ધ કરી રહ્યા છે તેથી તેઓ કોઈ એને પકડી શક્યું નથી. - ૪
સ્વયં માયા પોતે સમગ્ર સંસારનું મૂળ ગણાય છે. તેની શક્તિથી જ સમગ્ર સંસારમાં ફૂલ અને ફૂલવાડી ખીલી રહી છે. માયા પોતે જ ફૂલવાડીમાં લાગેલા જીવ રૂપી ફળો ખાય રહી છે ! કબીર કહે છે એમાંથી તો તે જ ઉગરી શકે જેણે સદ્દગુરુની કૃપા પ્રાપ્ત કરીને જ્ઞાન મેળવ્યું હોય ! - ૫
ટિપ્પણી
“એક હિ નારી જાલ પસારા ...” - માયા રૂપી એકલી નારીએ પ્રપંચ રૂપી જાળ એવી રીતે ફેલાવી દીધી કે દેવ-દાનવ-માનવ સૌ તેમાં ફસાયા એટલું જ નહિ પણ તેમાંથી છૂટવાનો કોઈ માર્ગ ચિંતાતુર થઈ સૌ શોધી રહ્યા છે તો પણ કોઈને હજી મળ્યો નથી. ખુદ બ્રહ્મા ભરમાયા. ખૂબ સુંદર એવી પોતાની દીકરી સરસ્વતિને જોઈ એક દિવસ બ્રહ્મા કામાતુર બન્યા. બચવા માટે સરસ્વતિ મૃગલીનું રૂપ ધારણ કરી ભાગવા માંડી. તેની પાછળ કામાતુર બ્રહ્મા દોડવા લાગ્યા. શંકર ભગવાનને સરસ્વતિ પર દયા ઉપજી તેથી બાણ મારીને બ્રહ્માને અટકાવ્યા. તેવી જ રીતે શંકર ભગવાનની પણ દશા થઈ હતી. વિષ્ણુ ભગવાને દાનવોને અમૃત ન મળે પણ માત્ર દેવોને જ મળે તે હેતુથી મોહિની સ્વરૂપ ધારણ કરેલું. અસુરો કામમોહિત થયા તેથી અમૃત ભૂલી ગયા ને દેવોને અમૃત મળી શક્યું. આ જાણીને શંકર ભગવાન લાવલશ્કર લઈ પાર્વતી સાથે વિષ્ણુ પાસે આવવા નીકળી પડ્યા. રસ્તામાં મોટા એક બાગમાં મોહિની સ્વરૂપ જોઈને શંકર કામાતુર બન્યા અને સ્ખલિત થયા હતા. ભગવાન વિષ્ણુને પણ વારંવાર અવતાર લેવો પડે છે ને કરેલાં કર્મોના ફળ ભોગવવા પડે છે તે માયાનો જ ખેલ ગણાય ! તેથી માયાનો પાર કોઈ પામી શક્યું ન હતું એવું કબીર સાહેબનું કઠન માનવને નિરાશ કરી દેવા માટે નથી. કરવામાં આવ્યું પણ માયાથી અલિપ્ત બની શકાય છે તે દર્શાવવા કરવામાં આવ્યું છે. ‘જ્ઞાન ખરગ બિનુ’ શબ્દો દ્વારા સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. લાકડાની તલવાર લઈને અબુધ લોકો માયાની સામે જંગ ખેલવા નીકળે છે તેથી હારી જાય છે. ખરેખર જ્ઞાનની તલવાર લઈને જંગ ખેલવામાં આવે તે માયા ડરથી ભાગી જાય છે. ગીતાના પંદરમાં અધ્યાયમાં પણ આવા જ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે :
દૃઢ આ દ્રુમ સંસારનું એમ વિચારી જે,
અનાસક્તિના શસ્ત્રથી છેદે બુધજન તે. (સરળ ગીતા અ - ૧૫)
અર્થાત્ સંસાર રૂપી વૃક્ષ તો માયા દ્વારા વિસ્તાર પામ્યા જ કરતું રહે છે. તેનો વિસ્તાર અટકાવવો હોય અને મનમાં તેને ઉગવા ન દેવું હોય તો બુદ્ધિશાળી માણસો અનાસક્તિની કુહાડીથી કાપી નાંખે છે તેમ તેનો અંત આણવો જોઈએ.
“આપુ હિ મૂલ ફૂલ ફૂલવારી” - સંસારનું મૂળ કારણ વાસના તે માયાનું એક સ્વરૂપ થયું. તેથી માયા જ સંસારનું મૂળ કારણ ગણાય. મનમાં વાસના હોય એટલે એક દિવસ તેને આકાર મળે જ અને તેનો વિકાસ થાય જ એ માનસ શાસ્ત્રનો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. સાધુને લંગોટીમાં આસક્તિ થઈ તો ઉંદરથી બચવા બિલાડી, બિલાડીને પોષવા ગાય, ગાયને દોહવા સ્ત્રી વિગેરે સાકાર થતું જ ગયું. ! આ રીતે વાસનાનો તંતુ આખો સંસાર ગૂંથે છે ! ગુરુની કૃપા થાય તો જીવમાં જ્ઞાનરૂપી જાગૃતિ ઉદ્દભવે ને સંસાર ટળે !
Add comment