Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સંતો અચરજ એક ભૌ ભારી, પુત્ર ધરલ મહતારી !  - ૧

પિતાકે સંગ ભઈ હૈ બાવરી, કન્યા રહલિ કુમારી
ખસમહિ છાંડિ સસુર સંગ ગવની, સો કિન લેહુ બિચારી  - ૨

ભાઈકે સંગ સાસુર ગવની, સાસુહિ સાવત દીન્હા
નનદ ભઉજિ પરપંચ રચો હૈ, મોર નામ કહિ લીન્હા  - ૩

સમધી કે સંગ નાહીં આઈ, સહજ ભઈ ઘરબારી
કહંહિ કબીર સુનહુ હો સંતો, પુરુષ જન્મ ભૌ નારી  - ૪

સમજૂતી

હે સંતો, એક મોટું આશ્ચર્ય પણ છે કે પુત્ર પોતે પોતાની માતાનો ભોગ કરતો હોય.  - ૧

(એટલું જ નહીં પણ આ માયા રૂપી સ્ત્રી) પોતાના પિતાની સાથે પાગલ બની ગઈ હોય છે. છતાં પણ પોતે કુંવારી કન્યા જ રહી છે. પોતાના પતિને છોડીને તે સસરા સાથે ભાગી ગઈ છે. માયાના આ કરતૂતનો કેમ બધા વિચાર કરતા નથી ?  - ૨

(અવિવેક રૂપી) ભાઈ સાથે માયા સાસરે (સંસારમાં) આવી ત્યારે સાસુને શોક બનીને પીડવા લાગી. (માયા અને કુમતિ રૂપી) નણંદ ભોજાઈએ આ બધો પ્રપંચ રચ્યો છે અને મારા-તારાનો ઝઘડો ચલવ્યા કરે છે.  - ૩

જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે તેવા સાધુ પુરુષના સંગમાં તે આવતી નથી. તે તો સ્વભાવ અનુસાર પ્રપંચી સાથે જ સંબંધ રાખે છે. કબીર કહે છે કે હે સંતજનો, ખરેખર તો આ પુરુષ જ નારીનું રૂપ લઈને જન્મે છે.  - ૪

ટિપ્પણી

શબ્દ ૫, ૬, અને ૭ માયાના સ્વરૂપનો બરાબર પરિચય આપી દે છે. સદ્દગુરુએ જણાવેલી ભક્તિની પગદંડી પાર ચાલવું હોંય તો માયાને ઓળખી લેવી આવશ્યક છે. વેધવું એટલે વીંધવું અથવા તો શામ-દમ દ્વારા મન પાર સંયમ સ્થાપવો. મનની શક્તિ અગાધ હોય છે તેથી મનને મૂલ્યવાન માણેકની ઉપમા આપવામાં આવી છે. મન આત્મપરાયણ રહે તે સ્થિતિને મનની ઉત્તમ દશા કહી છે. ગુરુ કૃપાથી એવી દશાની પ્રાપ્તિ થાય છે.

“સમધી” એટલે જેની બુદ્ધિ સ્થિર થઈ છે તેવા સ્થિતપ્રજ્ઞ સંત. જે જીવ માયામય છે તે સજ્જન પુરુષોને સંગ ઈચ્છે જ નહિ. તેને તો દુર્જનોના સંગમાં જ રહેવું ગમે.

“રઘુરાઈ” એટલે આતમરામ-પરમ તત્વ-પરમ પદ. માત્ર ગુરુની કૃપાથી જ તે પદ પ્રાપ્ત થઈ શકે. મનનો સ્વભાવ સંકલ્પ-વિકલ્પ કરવાનો. સાધના દ્વારા સાધકે તેને બદલી નાંખવો પડે છે. જેમ જેમ મનની ચંચળતા ઓછી થતી જશે તેમ તેમ મનમાં સંકલ્પો નહિવત્ જાગશે. ચંચળતા નામશેષ થશે એટલે તે જ પળે સંકલ્પ વિનાનું મન થઈ જશે. મનની તે શુદ્ધ અવસ્થા કહેવાય. તે અવસ્થા મનની ઉંચામાં ઉંચી અવસ્થા ગણાય. તે દશામાં જ આત્મસાક્ષાત્કાર થઈ શકે. ગુરુની પાસે તેની ચાવી હોય છે. ગુરુ કૃપા થાય તેને એ ચાવીને લાભ મળે છે.