કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સંતો કહૌં તો કો પતિયાઈ, જૂઠ કહત સાંચ બની આઈ - ૧
લૌકે રતન અબેધ અમોલિક, નહિ ગાહક નહિ સાંઈ
ચિમિકિ ચિમિકૈ દ્રિગ દહુદિસિ, અરબ રહા છિરિયાઈ - ૨
આપે ગુરુ કૃપા કિછુ કીન્હો, નિરગુન અલખ લખાઈ
સહજ સમાધિ ઉનમુનિ જાગૈ, સહજ મિલૈ રઘુરાઈ - ૩
જંહ જંહ દેખો તંહ તંહ સોઈ, મન માનિક બેધો હીરા
પરમ તત્ત યહ ગુરુ તે પાવો, કહૈં ઉપદેશ કબીરા - ૪
સમજૂતી
હે સંતો, હું કહું તેના પર કોણ વિશ્વાસ કરશે કારણ કે તે કહેવાથી મિથ્યા જણાય છે અને અનુભવે સત્ય બની જાય છે ! - ૧
આત્મા રૂપી રત્ન અખંડ અને અમૂલ્ય જણાય છે. તેનું કોઈ ગ્રાહક પણ નથી અને સ્વામી પણ નથી. જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ તે તો દશે દિશામાં અસંખ્ય સ્વરૂપોમાં ચમક્યા જ કરે છે. - ૨
ગુરુએ સ્વયં કૃપા કરી તો નિર્ગુણ ને અલખ આત્મતત્વનું દર્શન કરાવી દીધું. સહજ સમાધિ દ્વારા મન ઉન્મન બની ગયું અને રઘુરાજ રૂપી આત્મારામનું સત્વરે મિલન થઈ ગયું. - ૩
કબીર કહે છે કે હે મુમુક્ષુ જીવો, મન રૂપી માણેકને આત્મારૂપી હીરા સાથે વેધ કરીને જોડી દો તો જ્યાં જ્યાં નજર પડશે ત્યાં ત્યાં તેનું જ દર્શન થશે. આ પરમદશાની પ્રાપ્તિ તો ગુરુ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે. - ૪
ટિપ્પણી
શબ્દ ૫, ૬, અને ૭ માયાના સ્વરૂપનો બરાબર પરિચય આપી દે છે. સદ્દગુરુએ જણાવેલી ભક્તિની પગદંડી પાર ચાલવું હોંય તો માયાને ઓળખી લેવી આવશ્યક છે. વેધવું એટલે વીંધવું અથવા તો શામ-દમ દ્વારા મન પાર સંયમ સ્થાપવો. મનની શક્તિ અગાધ હોય છે તેથી મનને મૂલ્યવાન માણેકની ઉપમા આપવામાં આવી છે. મન આત્મપરાયણ રહે તે સ્થિતિને મનની ઉત્તમ દશા કહી છે. ગુરુ કૃપાથી એવી દશાની પ્રાપ્તિ થાય છે.
“સમધી” એટલે જેની બુદ્ધિ સ્થિર થઈ છે તેવા સ્થિતપ્રજ્ઞ સંત. જે જીવ માયામય છે તે સજ્જન પુરુષોને સંગ ઈચ્છે જ નહિ. તેને તો દુર્જનોના સંગમાં જ રહેવું ગમે.
“રઘુરાઈ” એટલે આતમરામ-પરમ તત્વ-પરમ પદ. માત્ર ગુરુની કૃપાથી જ તે પદ પ્રાપ્ત થઈ શકે. મનનો સ્વભાવ સંકલ્પ-વિકલ્પ કરવાનો. સાધના દ્વારા સાધકે તેને બદલી નાંખવો પડે છે. જેમ જેમ મનની ચંચળતા ઓછી થતી જશે તેમ તેમ મનમાં સંકલ્પો નહિવત્ જાગશે. ચંચળતા નામશેષ થશે એટલે તે જ પળે સંકલ્પ વિનાનું મન થઈ જશે. મનની તે શુદ્ધ અવસ્થા કહેવાય. તે અવસ્થા મનની ઉંચામાં ઉંચી અવસ્થા ગણાય. તે દશામાં જ આત્મસાક્ષાત્કાર થઈ શકે. ગુરુની પાસે તેની ચાવી હોય છે. ગુરુ કૃપા થાય તેને એ ચાવીને લાભ મળે છે.
Add comment