Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સંતો, બોલેતે જગ મારૈ !
અનબોલેતે કૈસક બનિ સૈ, શબ્દહિં કોઈ ન વિચારે !  - ૧

પહિલે જન્મ પૂતકો ભયઉ, બાપ જનમિયા પાછે
બાપ પૂતકી એકૈ નારી, ઈ અચરજ કો કાછે ?  - ૨

દુંદુર રાજા ટીકા બૈઠે, વિષહર કરૈ ખવાસી
સ્વાન બાપુરા ધરિન ઢાંકનો, બિલ્લી ઘરમેં દાસી  - ૩

કાગદકાર કારકુડ આગે બૈલ કરૈ પટવારી
કહંહિ કબીર સુનહુ હો સંતો, ભૈંસે ન્યાય નિબેરી  - ૪

સમજૂતી

હે સંતજનો, હું બોલું છું તો જગત મારવા દોડે છે. નહીં બોલું તો જ્ઞાન કેવી રીતે થશે ?  મારા શબ્દો કોઈ વિચારતું જ નથી !  - ૧

પહેલા પુત્રનો જન્મ થાય છે અને પછી બાપ જન્મે છે. વળી પુત્ર અને પિતાની એક જ સ્ત્રી છે એ આશ્ચર્યનું કોણ નિવારણ કરશે ?  (પહેલા જીવ જન્મે છે પછી જીવને ઈશ્વરની કલ્પના કરવી પડે છે તેથી ઈશ્વરનો જન્મ થાય છે. જીવ પુત્ર અને પિતા તે ઈશ્વર. બંનેની ઉત્પત્તિ માયામાંથી થઈ છે તેથી એક જ માયા રૂપી સ્ત્રી. જીવ પોતાના સ્વરૂપને ઓળખી લે તો આશ્ચર્યનું નિવારણ થઈ શકે.)  - ૨

દેડકો રાજા બનીને બેઠો છે અને સાપ તેની સેવાચાકરી કરે છે. વળી કૂતરો પોતાની પૂંછડીથી ધરતીની ઈજ્જત ઢાંકી રહ્યો અને બિલાડી દાસી થઈને ઘરમાં રહે છે. (અહંકાર તે રાજા. કામ, ક્રોધ, મોહ, મદ ને મત્સર તે સાપ. દંભી રૂપી કૂતરો દુર્ગુણો ઢાંકવા પ્રયત્ન કરે છે અને લોલુપતા રૂપી બિલાડી હૃદયરૂપી ઘરમાં રહીને ભોગોની જ ઈચ્છા કર્યા કરે છે.)  - ૨

કાગદી કારકુન આગળ હિસાબ લખે છે અને બળદ તલાટીનું કામ કરે છે. કબીર કહે છે કે હે સંતો સાંભળો (વિચારો) ભેંસ ન્યાય આપી રહી છે !  (અવિવેકરૂપી કાગદી મન રૂપી મુનીમ આગળ સારાનનરસાની ચર્ચા કરે છે. ઢોંગી ગુરુ રૂપી બળદ ખોટાનું સાચું કહી પટવારીગીરી કરે છે અને કબુદ્ધિ રૂપી ભેંસ ન્યાયનું કાર્ય કરે છે.)  - ૪

ટિપ્પણી

આ અવળવાણીનું પદ કહેવાય. કબીર સાહેબનાં અવળવાણીનાં પદો ખૂબ પ્રખ્યાત છે. એ બધાં પદો ગંભીર અર્થ રહસ્યવાળાં હોવાથી અર્થ કરવામાં બુદ્ધિની કસોટી પણ કરી લે છે. તેથી એ બધાં પદોનું અર્થઘટન કેવી રીતે કરવું એ પણ એક સમસ્યા જ ગણાય છે. વાચક પોતાની ઈચ્છા મુજબ એનો અર્થ કરી શકે છે તેની ના ન થઈ શકે પરંતુ કબીર સાહેબના મનોગતને ધ્યાનમાં રાખી અર્થ કરવામાં આવે તો તે ઉત્તમ અર્થ ગણાવો જોઈએ. હિન્દી સાહિત્યના મૂર્ધન્ય વિદ્વાન ડૉ. ત્રિગુણાયતજી કબીર સાહેબ જેવા સિદ્ધ સંતને સમજવા માટે જે માપદંડ રજૂ કરે છે તે અત્યંત ઉપકારક છે :

લોક કહૈ યહ ગીતુ હૈ, યહુ નિજ બ્રહ્મ વિચાર રે (ક. ગ્રં.. પૃ. - ૨૭૩)

અર્થાત્ કબીર સાહેબની કવિતા લોકોની દૃષ્ટિએ ભલે ગીત તરીકે ખ્યાતિ પામે પણ ખરેખર તેની રચના પરમાત્મ તત્વની સમાજ માટે જ થઈ છે. પ્રત્યેક પદ કે શબ્દ આત્મવિચારથી જ સંપન્ન છે તે હકીકત અર્થઘટન કરતી વેળાએ ધ્યાનમાં રાખવી આવશ્યક છે. નહીં તો અર્થઘટન કરવામાં ઘણો ગોટાળો સરજાશે ને કબીર સાહેબને સમજવામાં આપણે ઊણા ઉતરીશું.

એ બધાં પદોમાં ક્યારેક પાયાનો પ્રભાવ દર્શાવી જીવનની દુર્બળતાનું ચિત્ર દોરવામાં આવ્યું હોય છે તો ક્યારેક આસુરી સંપત્તિ દૈવી સંપત્તિ પર વિજય પ્રાપ્ત કરી પોતાનો પ્રભાવ પાથરતી હોય તેવું દર્શાવવામાં આવ્યું હોય છે. પ્રત્યેક પદમાં આડકતરી રીતે યુક્તિપ્રયુક્તિથી જીવનના અસલી સ્વરૂપ તરફ અંગુલિ નિર્દેશ તો કરી દેવામાં આવ્યો જ હોય છે. રોજિંદા જીવાતા જીવનમાંથી પ્રતીકો શોધી કાઢી કબીર સાહેબ પોતાની પરમાત્મા વિષયક વિચારસરણી પ્રતીકાત્મક રીતે પણ અભિવ્યક્ત કરતા હોય છે. તેથી એ બધાં પદો ગૂઢ શૈલીવાળા બની જવા પામ્યા છે.

લૌકિક જગતમાં જે ઘટના સ્વાભાવિક રીત ઘટતી હોય તેને કબીર સાહેબ અસ્વાભાવિક રીતે ઘટતી બતાવે છે. ઉદાહરણ તરીકે આ જ શબ્દમાં પહેલા પુત્રનો જન્મ થયો પછી બાપનો જન્મ થયો એવું કહ્યું. ખરેખર આ સ્વાભાવિક વાત નથી. સ્વાભાવિક રીતે તો પહેલા પિતાનો જન્મ થાય ને પછી પુત્ર જન્મે. પિતા જન્મીને યુવાન બને પછી પરણે તો તેને ત્યાં પુત્રજન્મની શક્યતા ઉભી થાય. કબીર સાહેબે અહીં તો જુદી જ વાત કહી:

પહિલે જન્મ પુતકો, બાપ જનમિયા પાછે

પહેલા પુત્રનો જન્મ થાય ને પછી પિતા જન્મે એ અસ્વાભાવિક ઘટના ગણાય. એનો આધ્યાત્મિક અર્થ કરવા માટે થોડી મહેનત કરવી પડે છે. પહેલા માનવનો જન્મ જગતમાં થયો છે. પિતા તરીકે ગણાતા ઈશ્વરનો જન્મ તો પછીથી થયો. માણસ સમજણો થયા પછી ઈશ્વરની વાત વિચારવા લાગ્યો. મનની કલ્પનામાંથી ઈશ્વરનો જન્મ થયો એવું કહેવામાં આવે છે. શાસ્ત્ર ગ્રંથો પણ કહે છે કે

જીવેશાવભાસેન કરોતિ માયા અવિદ્યાચ સ્વયમેવ ભવતિ |

અર્થાત્ માયા આભાસ દ્વારા જીવ અને ઈશ્વરને બનાવે છે. આ રીતે પારંભમાં જે વાત અવળી જણાતી હતી તે  વાત થોડો વધુ વિચાર કર્યા પછી સવળી લાગવા માંડે છે તે અવળવાણીનાં પદોની વિશેષતા પણ કહેવાય. અવળવાણીનું કોઈ પણ પદ જીવ, જગત ને જગદીશ અંગેની લોકોની ભ્રામક માન્યતાઓના નિરસન માટે યોગ્ય માર્ગદર્શન આપવાના હેતુથી રચાયું હોય છે, એમ જ સમજવું જોઈએ.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,386
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,674
pdf-2અનંત સૂર | Anant Soor 9,380
pdf-3Amar Varso | અમર વારસો 7,524
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,287