કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સંતો, પાંડે નિપુન કસાઈ !
બકરા મારિ ભૈંસા પર ધાવૈ, દિલમેં દરદ ન આઈ - ૧
કરિ અસનાન તિલક દૈ બૈઠે, વિધિ તે દેવી પૂજાઈ
આતમરામ પલકમોં બિનસૈ, રુધિરકી નદી બહાઈ - ૨
અતિ પુનિત ઊંચે કુલ કહિયે, સભા માહિં અધિકાઈ
ઈનતે દીચ્છા સભ કોઈ માંગૈ, હંસિ આવત મોહિ ભાઈ - ૩
પાપ કટન કો કથા સુનાવહિ, કરમ કરાવહિ નીચૈ
હમ તો દોઉ પરસ્પર દેખા, જમ લાયે હૈ ધોખૈ - ૪
ગાય બધૈ તહિ તૂરુક કહિયે, ઈનિતે વૈ કા છોટે
કહંહિ કબીર સુનહુ હો સંતો, કાલિ મંહ બ્રાહ્મન ખોટે - ૫
સમજૂતી
હે સંતો, પાંડેજી તો સૌથી વધારે પ્રવીણ કસાઈ છે ! કારણ કે તેઓ બકરા પણ મારે છે અને ભેંસોને પણ કાપવા દોડે છે. એવા કાર્ય માટે તેઓના દિલમાં જરા પણ દુઃખ થતું નથી ! - ૧
તેઓ સ્નાન કરી, તિલક કરી વિધિસર દેવીની પૂજા પણ કરે છે. પરંતુ એક જ ક્ષણમાં (જીવતા પશુની હત્યા કરી) આતમરામનો નાશ કરે છે અને લોહીની નદી વહાવે છે. - ૨
(પોતાની જાતને) તેઓ અતિ પવિત્ર ઉંચા કુળના ગણાવે છે અને જાહેરમાં તો કાયમ મોટાઈ ભોગવે છે. અનુયાયી તો તેઓની પાસે મંત્રદીક્ષા પણ લે છે. હે ભાઈ, મને તો એથી હસવું આવે છે ! - ૩
પાપમાંથી મુક્તિ આપવા તેઓ ભક્તગણને કથા સંભળાવે છે અને નીચ પ્રકારના કર્મો પણ કરાવરાવે છે. યજમાન અને પુરોહિત બંનેને મેં તો સારી રીતે જોયા છે. યમરાજે બંનેને ભ્રમજાલમાં ફસાવી દીધા છે ! - ૪
ગાયનો વધ કરવાવાળા મુસલમાનોથી તેઓ કાંઈ ઓછા પાપી થોડા ગણાય ? કબીર કહે છે કે હે સંતો, સાંભળો (વિચારો) કળીયુગમાં બ્રાહ્મણો સાચા અર્થમાં બ્રાહ્મણો રહ્યા નથી ! - ૫
ટિપ્પણી
પંડા એટલે બુદ્ધિ. જેની બુદ્ધિ સારી રીતે ખીલી છે તે પાંડેય અથવા પંડિત. જ્ઞાનવાદને પાંડેય કહેવાય. તેથી પાંડેય શબ્દનું અપભ્રંશ રૂપ પાંડે ગણાય. કબીર સાહેબના સમયમાં બ્રાહ્મણોને પાંડે કહેતા. સંતોને ઉદ્દેશીને આ પદનો પ્રારંભ કર્યો છે તે પણ સૂચક ગણાય. બ્રાહ્મણો સંતના સ્વરૂપે લોકોમાં પૂજાતા હતા. ખરેખર તો તેઓમાં સંતપણું તો હતું જ નહિ. તેઓ તો જીવવધ કરતા ને કરાવતા. તેથી સાચા સંતોએ સાવધ થવાની જરૂર છે. વાણી ને વર્તન શુદ્ધ રાખવા સાચા સંતો સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. તો જ બ્રાહ્મણો જેવા બનાવટી સંતોથી તેઓ અલગ થઈ શકે.
“દરદ” - એટલે દુઃખ. દિલમાં દયા હોય તો હિંસક કૃત્ય ન થઈ શકે એ નીતિ વાક્ય કબીર સાહેબે અહીં યાદ કર્યું છે.
“વિધિ તે દેવી પૂજાઈ” - વિધિસર દેવની પૂજા કરવામાં આવે છે. વિધિવિધાન કરતા પહેલાં પ્રથમ સ્નાન કરવું આવશ્યક મનાયું છે. સ્નાન કર્યા પછી તિલક પણ કરવું જ પડે. તિલકનો આકાર સંપ્રદાયો પ્રમાણે જુદોજુદો હોય શકે. ત્યારે પછી જ જીવવધ કરી બલિ ચઢાવવામાં આવે છે. ધર્મના બાહ્ય સ્વરૂપનું આચરણ નિયમિત રીતે કરનાર અંતરથી મેલો હોય, ગંદો હોય, કે ઘાતકી હોય તો પણ તે ધાર્મિક ન ગણાવો જોઈએ. અંતરની નિર્મળતામાં જ સાચી ધાર્મિકતા રહેલી છે તેવું કબીર સાહેબ માને છે.
“દીચ્છા” - એટલે દીક્ષા. વાણી વર્તને જે શુદ્ધ હોય તેને મંત્રદીક્ષા આપવાનો અધિકાર હોય છે. બ્રાહ્મણો તો એવી શુદ્ધિ જાળવતા નહોતા તેથી મંત્રદીક્ષા આપવાની તેમની રીત હાંસીપાત્ર ગણાય.
“પાપ કરનકો કથા સુનાવહી” - કથા સાંભળનાર પાપમાંથી મુક્તિ મેળવી શકે છે એવી માન્યતા આજે પણ વર્તમાન છે જ. કથા સાંભળવાથી મુક્તિ મળે એવી ભોળા ભક્તોની માન્યતાને લીધે આજે પણ કથાકારોનો ધંધો સારો ચાલે છે. કૃષ્ણાષ્ટમીને દિવસે જુગાર રમી શકાય ને શિવરાત્રીને દિવસે ભાંગ પીવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે વિગેરે ભ્રમણાઓ આજે પણ સમાજમાં પ્રચલિત છે જ. વળી અહીં અખાની પેલી પ્રસિદ્ધ પંક્તિઓ પણ યાદ કરવા જેવી છે -
કથા સુણી ફૂટ્યા કાન
તો યે ન આવ્યું બ્રહ્મ જ્ઞાન !
“ગાય બધ” - ગાયની હત્યા કરનારને મુસલમાન કહેવામાં આવતો. હિન્દુઓ ગાયને પવિત્ર માનતા તેથી તેઓનું નૈતિક બળ તોડવા મુસલમાનો જાણી જોઈને ગાયનો વધ કરતા ને માંસ ખાતા - ખવરાવતા. તેવી જ રીતે કહેવતો આ પાંડેય વર્ગ બકરા ને ભેંસનો વધ કરતા ને મુસલમાનો આગળ બડાઈ મારતા. ખરેખર બંને પ્રજા અધમકોટિનું આચરણ કરતી.
Add comment