Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સંતો, મતે માતુ જન રંગી !
પિયત પિયાલા પ્રેમ સુધારસ, મતવાલે સંતસંગી  - ૧

અરધે ઉરધે ભાઠી રોપિન્હિ, લે કસાબ રસ ગારી
મૂંદે મદન કાટિ કર્મ કસમલ, સંતત ચુવત અગારી  - ૨

ગોરખ, દત્ત, વસિષ્ઠ, વ્યાસ, કપિ, નારદ, સુખ મુનિ જોરી
સભા બૈઠે સંભુ સનકાદિક, તહં ફિરે અધર કટોરી  - ૩

અંબરીષે ઔ જાગ, જનક, જડ, સેસ, સહસમુખ પાના
કહં લૌં અનંત કોટિલૌ, અમહમહલ દિવાના  - ૪

ધ્રુવ, પ્રહલાદ, વિભિષન માતે, માતી સિવકી નારી
સગુન બ્રહ્મ માતે બ્રિંદાવન, અજહુ લાગુ ખુમારી  - ૫

સુરનર મુનિ જતિ પીર અવલિયા, જિનિ રે પિયા તિનિ જાના
કહંહી કબીર ગુંગેકી સક્કર, ક્યોં કર કરૈ બખાના  - ૬

સમજૂતી

હે સંતો, પ્રભુ પ્રેમી લોકો પોતપોતાની પ્રેમમસ્તીમાં મસ્ત રહે છે. તેઓ સત્સંગી થઈ પ્રેમરૂપી અમૃતના પ્યાલા પીને મસ્ત બની જતા હોય છે.  - ૧

તેઓ શરીરના ઉપર નીચેના ભાગની ભઠ્ઠી બનાવી, કર્મના બીજને કાપી, કામદેવને મસળી પરિપકવ રસ નીચોવી લે છે. તેઓના હૃદયમાં સતત અમૃતરસ ઝરતો રહે છે.  - ૨

આ અમૃત રસનો સ્વાદ ગોરખે, દત્તાત્રયે, વસિષ્ઠે, વ્યાસે, હનુમાને, નારદે, શુકદેવે, શંભુએ, સનકાદિક ઋષિઓએ આ સંસારમાં રહીને હોઠેથી ગટગટાવી ચાખી ચાખી લીધો છે.  - ૩

એટલું જ નહીં પણ અંબરીષ, યાજ્ઞવલ્કય, જનકરાજા, જડભરત, શેષનાગ - ક્યાં સુધી ગણાવું - હજારો ત્યાગીને ગૃહસ્થી લોકો અમૃત રસનો સ્વાદ ચાખી દીવાના બની ગયા હતા.  - ૪

ધ્રુવ, પ્રહલાદ, વિભીષણ, પાર્વતી અને નિર્ગુણ બ્રહ્મ પણ કૃષ્ણ સ્વરૂપે સાકાર થઈ વ્રન્દાવનમાં અમૃત રસ પીને આજે પણ મસ્તીથી નાચી રહ્યા છે.  - ૫

દેવ, મુનિ, મનુષ્ય, ત્યાગી, પીર, ઔલિયા - જેણે જેણે આ રસનો સ્વાદ લીધો તેણે તેણે તેની અદ્દભૂત મઝા જાણી છે. તેનું વર્ણન કેવી રીતે થઈ શકે ?  ગૂંગો માણસ સાકર ખાયને સ્વાદનું વર્ણન કેવી રીતે કરી શકે ?  - ૬

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,386
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,674
pdf-2અનંત સૂર | Anant Soor 9,380
pdf-3Amar Varso | અમર વારસો 7,524
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,287