Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

રામુરાય સંસૈ ગાંઠિ ન છૂટૈ, તાતે પકરિ પકરિ જમ લૂટૈ !  - ૧

હો મુસકીન કુલીન કહાવૈ, તુમ જોગી સંન્યાસી
જ્ઞાની ગુની સૂર કવિ દાતા, ઈ મતિ કિનહું ન નાસી  - ૨

સુમ્રિતિ બેદ પુરાન પઢૈ સભ, અનભૈ ભાવ ન દરસૈ
લોહ હિરન્દ્ર હોય દ્યૌં કૈસે, જો નહિ પારસ પરસૈ  - ૩

જિયતન તરેહુ મુયે કા તરિહૌ, જિયતહિ જો ન તરે
ગહિ પરીતતિ કીન્હ જિન જાસો, સોઈ તહાં અમરે  - ૪

જે કિછુ કિયહુ જ્ઞાન અજ્ઞાના, સોઈ સમુઝ સયાના
કહંહિ કબીર તાસોં કા કહિયે, દેખત દિસ્ટિ ભુલાના  - ૫

સમજૂતી

હે જીવ, શંકાઓથી બંધાયેલી તારી ગાંઠ છૂટી નથી તેથી તને યમરાજ તો પકડી પકડીને લૂંટ્યા કરે છે !  - ૧

તને યોગી બની કે સન્યાસી થઈ પોતાની જાતને ગરીબ કહેવરાવો છો અને કુલીન પણ કહેવરાવો છો !  જ્ઞાની, ગુણવાન, શૂરવીર, કવિ ને દાનેશ્વરી એમાંથી કોઈએ પણ અભિમાનનો નાશ કર્યો નથી.  - ૨

સ્મૃતિ, વેદ ને પુરાણ બંધુ ય વાંચ્યા કરો પણ અનુભવનું જ્ઞાન ન થતું હોય તો બધી મહેનત નકામી છે. લોઢું પારસમણિના સ્પર્શ વિના સુવર્ણ કેવી રીતે થઈ શકે ?  - ૩

જીવતા જીવ (સંસાર સાગર) તરવાની કળા ન શીખો તો મર્યા પછી તો કેવી રીતે તરી શકાશે ?  જેણે જેના પાર વિશ્વાસ કીધો તેને તે મર્યા પછી મળે છે.  - ૪

જાણ્યે અજાણ્યે જે કાંઈ કરવામાં આવે છે તેને વિવેકપૂર્વક બરાબર સમજી લે. કબીર કહે છે કે જે ખુલ્લી આંખે (રસ્તો) ભૂલીને ચાલે છે તેને તો  વધુ શું કહેવું ?  - ૫

ટિપ્પણી

“સંસ” - શંકાથી બંધાયેલી  ગાંઠ કદી છૂટતી જ નથી. તેથી તેવો જીવ દુઃખી જ થાય છે. તેથી ગીતા પણ કહે છે કે

અવિશ્વાસ શંકા હસે તે તો નષ્ટ થશે,
આ જગમાં તેને નહીં, કોઈ સુખ ધરશે. (સરળ ગીતા અ-૪/૩૯)

મતલબ કે ગમે તે જાતનો કે વર્ણનો માનવ હોય, ઉંચ કે નીચ હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, ત્યાગી હોય કે ગૃહસ્થી હોય, કવિ હોય કે દાનેશ્વરી હોય, જો તે શંકાશીલ મનવાળો હોય તો તેને કદી સુખ પ્રાપ્ત થતું નથી.