કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સમુરાય ચલી બિનાવન માહો, ઘર છોડે જાત જુલાહા હો - ૧
ગજ નૌ ગજ દસગજ ઉનઈસકી, પુરિયા એક તનાઈ
સાત સૂત નૌ ગંડ બહત્તરિ, પાટ લાગુ અધિકાઈ - ૨
તાપટ તુલના ગજન અમાઈ, પૈસ ન સેર અઢાઈ
તામહ ઘટૈ બઢૈ રતિવો નાહિ, કચકચ કરે ધહરાઈ - ૩
નિતિ ઉઠિ બૈઠે ખસમ સોં બરબસ, તાપર લાગુ તિહાઈ
ભીગી પુરિયા કામ ન આવૈ, જોલહા ચલા રિસાઈ - ૪
કહંહિ કબીર સુનહુ હો સંતો, જિનિ યહ સિસ્ટિ ઉપાઈ
છાંડુ પસાર રામ ભજુ બૌરે, ભૌ સાગર કઠિનાઈ - ૫
સમજૂતી
હે (જુલાહા રૂપી) જીવ (શરીર રૂપી) ઘર છોડીને તું જાય છે ત્યારે માયા તો બીજું વસ્ત્ર વણવાને બહાને પાછળ પાછળ આવ્યા કરે છે ! - ૧
(માતાના ગર્ભમાં) પાછળ પાછળ જઈને માયાએ મન રૂપી એક ગજ, નવ દ્વાર રૂપી નવ ગજ, દશ ઈન્દ્રિય રૂપી દશ ગજ, અને ઓગણીસ તત્વોનું સૂક્ષ્મ શરીર રૂપી એક તાણો તૈયાર કર્યો. પછી સાત ધાતુ, નવ ગ્રંથીઓ અને બોતેર હજાર નાડીઓનો વાણો તૈયાર કરી શરીર રૂપી સુંદર વસ્ત્ર બનાવ્યું - ૨
તેની તુલના દેવાદિ શરીરની સાથે માપી કે તોલી શકાતી નથી. (દેવાદિ શરીર તો ભોગનું સાધન હોવાથી) તે તો એક પૈસાનું અઢી શેર જેટલું સસ્તુ હોય છે. તેમાં રતિભાર પણ વધઘટ થતી નથી. કચ કચ કે ઝઘડો કર્યાથી પણ તેની કિંમત વધતી નથી. - ૩
રોજ સવારે ઉઠીને (માયા રૂપી સ્ત્રી પોતાના જુલાહારૂપી) પતિ સાથે ઝઘડતી હોય છે ને તે જુલાહાને પણ ત્રિવિધ તાપ લાગુ પડે છે. (વિષય વાસનાથી) લોથબોથ થયેલું તેનું વૃદ્ધ શરીર કોઈ કામમાં ઉપયોગી થતું નથી તેથી ક્રોધિત થઈને તે જુલાહો રિસાઈને (શરીર) છોડી ચાલ્યો જાય છે. - ૪
તેથી કબીર કહે છે કે હે સંતો સાંભળો (વિચારો) કે જેણે સૃષ્ટિ ઉત્પન્ન કરી છે તેઓના ભજનમાં મન પરાવો ને સર્વ ઉપાધિઓ છોડી દો. આ ભવસાગર તરવો તો ઘણો કઠણ છે. - ૫
Add comment