કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
રામહિ ગાવૈ ઔર હિ સમુજાવૈ, હરિ જાને બિનુબિકલ ફીરૈ - ૧
જા મુખ બેદ ગાયત્રી ઉચરે, જાકે વચન સંસાર તરૈ
જાકે પાંવ જગત ઉઠિ લાગૈ, સો બ્રાહ્મન જિવ વધ કરૈ ! - ૨
અપને ઉંચ નીચ ઘર ભોજન, ધ્રિન કર્મ હઠિ ઉદરભરૈ
ગ્રહન અમાવાસ ઢૂકિ માંગૈ, કર દીપક લિયે કૂપ પરૈ - ૩
એકાદસી બરત નહિ જાનૈ, ભૂત પ્રેત હઠિ હૃદય ધરૈ
તજિ કપૂર ગાંઠી વિષ બાંધૈ, જ્ઞાન ગવાંયે મુગુધ ફિરૈ - ૪
છીજૈ સાહૂ ચોર પ્રતિપાલૈ, સંત જના કિ કૂટી કરૈ
કહંહિ કબીર જિવ્હાકે લંપટ, યહિ વિધિ પ્રાની નરક પરૈ - ૫
સમજૂતી
બ્રાહ્મણો રામના ગુણો ગાય છે અને બીજાને સમજાવે પણ છે પરંતુ તેઓ રામ વિષે યથાર્થ જ્ઞાન ધરાવતા નથી તેથી તેઓ અશાંત થઈને ફર્યા કરે છે. - ૧
જે મુખથી વેદ અને ગાયત્રીનું પઠન થાય છે, જેના વચન સાંભળીને સૌ સંસાર તરી જવાની મહેચ્છા રાખે છે અને રોજ સવારે ઉઠીને જગત જેને પગે લાગે છે તે બ્રાહ્મણો તો જિવનો વધ કરતા હોય છે ! - ૨
પોતાની જતને ઉંચ ગણાવે અને ભોજન તો નીચને ઘરે કરતા હોય છે. ધૃણાજનક કર્મ કરીને પોતાનું પેટ ભરતા હોય છે. ગ્રહણ ટાણે તથા અમાસના દિને લોકોના ઘરોમાં જઈ જઈ ભીખ માંગતા હોય છે. હાથમાં (જ્ઞાનરૂપી) દિવો લઈને સંસારના કૂવામાં (જાણે કે) પડતા હોય છે ! - ૩
અગિયારસના વ્રતનું રહસ્ય તો જાણતા નથી હોતા અને ભૂતપ્રેમની માન્યતા હૃદયમાં ધારણ કરે છે. તેઓ તો કપુરને છોડીને ઝેરના પોટલાં બાંધે છે ! જ્ઞાનનો નાશ કરી અજ્ઞાની બની ભટકે છે ! - ૪
શાહુકાર પર તેઓ ગુસ્સો કરે અને ચોરોનું રક્ષણ કરે ! સંત લોકોની નિન્દા કર્યા કરે; એ પ્રમાણે કબીર કહે છે કે જીભના લંપટ થઈને જીવો નરક ભોગવતા હોય છે. ! - ૫
ટિપ્પણી
“જિલ્હા કે લંપટ” - એટલે બેકાબુ જીભ. તેવી જીભ સ્વાદને બહાને ગમે તેવો ભોગ ભોગવે ને બોલને બહાને ગમે તેવો વાણી વિલાસ કરે. આ પ્રકારની સ્વાદની લોલુપતા માનવને નિર્બળ ને નિર્માલ્ય બનાવી દે છે. તેવો મનુષ્ય નરકનું જ દુઃખ ભોગવ્યા કરે છે. તેથી જીભની લંપટતા એટલે સ્વાદ લોલુપ જીભ તો ખરી જ; પણ અસત્ય ભાષણ, ગલત કે જૂઠી રજૂઆત કરનાર જીભ પણ ખરી.