કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
રામ ગુન ન્યારો ન્યારો
અબુઝા લોગ કહાં લઉં બૂઝૈ બૂઝનિહાર બિચારો - ૧
કેતે રામચંદ્ર તપસી સે, જિન યહ જગ વિટમાયા
કેતે કાન્હ ભયે મુરલીધર, તિન ભી અંત ન પાયા - ૨
મચ્છ કચ્છ ઔ બ્રાહ સ્વરૂપી, વામન નામ ધરાયા
કેતે બૌધ નિકલંકી કેતે, તિન ભી અંત ન પાયા - ૩
કેતે સિધ સાધક સન્યાસી, જિન બનવાસ બસાયા
કેતે મુનિજન ગોરખ કહિયે, તિન ભી અંત ન પાયા - ૪
જાકી ગતિ બ્રહ્મા નહિ જાનૈ, સિવ સનકાદિક હારે
તાકે ગુન નલ કૈસે પૈહો, કહંહિ કબીર પુકારે - ૫
સમજૂતી
(સૃષ્ટિના સર્જનહાર) રામના ગુણો તો સૌથી જુદા જ હોય છે. અજ્ઞાની લોકો આ વિષે ક્યાં સુધી સમજી શકે તેના પર જ્ઞાનીઓએ વિચાર કરવો જોઈએ - ૧
અવતારી રામચંદ્ર જેવા કેટલા તપસ્વી થઈ ગયા કે જેના વડે આખું જગત ભરમાયું ! બંસીધર કૃષ્ણ જેવા કેટલા થઈ ગયા કે જેઓ પણ રામના ગુણોનો અંત પામી ન શક્યા. - ૨
મત્સ્ય, કચ્છપ, વરાહ, લામન જેવા પેટલા બધા નામધારી અવતારો આવ્યા અને બુદ્ધ તથા કલ્કી જેવા અવતારો પણ થયા તો ય તેઓ કોઈ રામના ગુણનો અંત ન પામી શક્યા. - ૩
કેટલા બધા સિદ્ધ સાધકો, સન્યાસીઓ, ગોરખ જેવા યોગીઓ અને મુનિઓ થઈ ગયા અને વનમાં જઈને તેઓએ વાસ કર્યો છતાં પણ રામના ગુણોનો અંત કોઈ પામી શક્યા નહીં. - ૪
જેની ગતિ બ્રહ્મા જાણતા નથી અને શિવ સનકાદિક જેવા જેનો પાર પામતા થાકી ગયા તો કબીર કહે છે કે મનુષ્ય તો તેના ગુણનો અંત તો કેવી રીતે પામી શકે ? - ૫
ટિપ્પણી
“તાકે ગુન નલ કૈસે પૈહો” - મનુષ્ય તેના ગુણનો પાર કેવી રીતે પામી શકે ? જે બ્રહ્મા-વિષ્ણુ ને મહેશ જેવા ત્રિદેવો રામના ગુણનો પાર ન પામી શકતા હોય, જો સનક, સનંદન, સનાતન જેવા ઋષિમુનિઓ પણ પાર પામતા ન હોય, તો પછી સામાન્ય માનવનું તો શું ગજુ ? અહીં નિરાશાનો સૂર નથી. માનવદેહની મર્યાદાનું આડકતરું આલેખન છે. માનવ પાસે જે શક્તિશાળી સાધનો છે તે તો ત્યાં પહોંચી શકતા જ નથી. ત્યાં નથી ઈન્દ્રિયો પહોંચી શકતી કે નથી વાણી પહોંચી શકતી, નથી મન પહોંચી શકતું કે નથી બુદ્ધિ તેનો તાગ કાઢી શકતી. રામ તો અમર્યાદ છે. તેને કોઈ આકાર નથી. તેનો આકાર માનવો મૂઢતા ગણાય.
મનુષ્ય રૂપે હું રહ્યો એમ મૂઢ જાણે,
વિરાટ મારા રૂપને ના કદિ પરમાણે.
મૂઢ જનોનાં કર્મ ને વિચાર મેલા હોય,
સ્વભાવ હલકો તેમનો સંસારે રત હોય. (સરળ ગીતા અ.૯/૧૦-૧૧)
તો પછી તેવા રામનો પાર કોણ પામી શકે ? ગીતા કહે છે કે માનવે મહામાનવ બનવું પડે તો પાર પામી શકાય -
મહાત્માનસ્તુ માં પાર્થ દૈવીં પ્રકૃતિમાશ્રિતા: |
ભજન્ત્યમનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ્ ||
અર્થાત્ હે અર્જુન ! દૈવી પ્રકૃતિનો આશ્રય કરી કોઈ મહાત્મા પુરુષ જ મને સૌના આદિ તરીકે અવિનાશી જાણીને ભજે છે.
Add comment