કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
યે તતુ રામ જપહુ હો પ્રાની, બુઝહુ અકથ કહાની
જા કો ભાવ હોત હરિ ઉપર, જાગત રૈનિ બિહાની - ૧
ડાઈનિ ડારે સુનહા ડોરે, સિંધ રહૈ બન ઘેરે
પાંચ કુટુંબ મિલિ જૂઝન લાગે, બાજન બાજુ ઘનેરે - ૨
રોહુ મૃગા સંસૈ બન હાંકે, પારથ બાના મેલૈ
સાયર જરૈ સકલ બન ડાહૈં, મચ્છ અહેરા ખેલૈ - ૩
કહંહિ કબીર સુનહુ હો સંતો, જો યહ પદ અરથાવૈ
જો યહ પદકો ગાય વિચારે, આપ નરે ઔ તારૈ - ૪
સમજૂતી
હે માનવો, તમે સૌ રામ તત્વનો જપ કરો અને માયાને બરાબર ઓળખી લો !
જેને પરમાત્મા માટે પ્રેમ હોય છે તે આખી રાત જાગીને વીતાવતા હોય છે. - ૧
તેઓ તો (જ્ઞાન રૂપી જાગૃતિથી) માયાનો ત્યાગ કરી દે છે, દુર્ગુણોરૂપી કૂતરાઓને ધ્યાનરૂપી દોરીથી બાંધી દે છે અને મનરૂપી સિંહને તો હૃદયરૂપી વનમાં ઘેરીને વશમાં કરી લે છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો રૂપી કુટુંબીઓ સાથે મળીને (મનરૂપી સિંહ સાથે) યુદ્ધ કરતા રહેતા હોય છે. તેઓને અનહદ નાદના વાજાંઓનો અનુભવ થયા કરતો હોય છે. - ૨
સંશય રૂપી જંગલી પશુઓને તો તેઓ હૃદયરૂપી વનમાં હાંકી મૂકે છે અને સાધકરૂપી શિકારીઓ તેના પર બાણો મારી તેનો નાશ કરી દે છે. (સંસાર રૂપી) સમુદ્ર તો સળગવા લાગે છે અને આખા વનને જ્ઞાન રૂપી અગ્નિથી બાળી મૂકે છે. સમુદ્રની (જીવતી રહેલી વિષયવાસના રૂપી) માછલીઓનો પછી સાધકો શિકાર કરતા હોય છે. - ૩
કબીર કહે છે કે હે સંતો સાંભળો. (વિચારો) જે આ પદનો અર્થ સમજાવી શકશે અને તેનો વિચાર કરી ગાશે તો તેઓ પોતે તો તરી જશે અને બીજાને પણ તારી શકશે. - ૪
ટિપ્પણી
“દુખિત સુખિત હો કુટુંબ જેવાબે” - કબીર સાહેબે અહીં મૃતભોજન એટલે મરી ગયેલા પાછળ કરાવાતું ભોજન નિરર્થક છે એમ કહ્યું. માણસ ગમે તેટલી સંખ્યામાં માણસોને ભેગા કરી જમાડે પણ દુઃખ તો જમાડનારે એકલાયે જ ભોગવવું પડે છે તે ઘોર વાસ્તવિકતાનું અહીં દર્શન છે. તે દ્વારા નથી દુઃખ ઓછું થતું કે નથી કોઈ દુઃખમાં ભાગીદાર થઈ શકતું.
“પાખંડ મંત્ર” એટલે અંધવિશ્વાસથી જપવામાં આવતો મંત્ર. મનનાત્ મંત્ર: અર્થાત્ મન દ્વારા ચિંતન-મનન કર્યા પછી જે નિષ્કર્ષ નીકળે તે મંત્ર કહેવાય. સમયાનુ ફૂલ મંત્રના અર્થ અને તેની ઉપયોગિતા બદલાતા રહે છે. જો તેવું ન થાય તો તે મંત્ર રૂઢ અર્થવાળો બની જાય છે. તેવો મંત્ર અંધવિશ્વાસથી સમજ્યા વિના જપવામાં આવે છે તેથી કશો લાભ પ્રાપ્ત થતો નથી.
Add comment