કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
અબધૂ છાંડહુ મન બિસ્તારા !
સો પદ ગહહુ જોહિતે સદ્દગતિ, પારબ્રહ્મ તે ન્યારા ! - ૧
નહીં મહાદેવ નહીં મહમદ, હરિ હજરત કિછુ નાહીં
આદમ બ્રહ્મા નહિ તબ હોતે, નહીં ધૂપ, નહીં છાહીં - ૨
અસિયાસે પૈગંબર નાહીં, સહસ અઠાસી મુની
ચંદ સુરજ તારાગન નાહીં, મચ્છ કચ્છ નહિ દૂની - ૩
વેદ કિતેબ ન સમિતિ સંજમ, નહીં જવન પરસાહી
બંગ નિમાજ ન કલમા હોતે, રામૌ નાહીં ખુદાઈ - ૪
આદિ અંત મનમધ્ય ન હોતે, આતસ પવન ન પાની
લખ ચૌરાસી જિયાજંતુ નહિ, સાખી શબ્દ ન બાની - ૫
કહંહિ કબીર સુનહુ હો અબધૂ, આગે કરહુ બિચારા !
પૂરન બ્રહ્મ કહાં તે પ્રગટે, કિરતમ કિન ઉપરાજા - ૬
સમજૂતી
હે અવધૂત ! (કાલ્પનિક) મનનો વિસ્તાર છોડી દો. તે જ (આત્મ) પદ ગ્રહણ કરો કે જે દ્વારા સદ્દગતિ પ્રાપ્ત થાય. તે તો (તમે માની લીધેલા) પરિબ્રહ્મથી પર છે. - ૧
(સૃષ્ટિના પ્રારંભમાં) ન તો મહાદેવ કે મહમદ હતા કે ન તો હરિ કે હજરત હતા. ત્યારે ન તો આદમ કે ન તો બ્રહ્મા. ત્યારે તડકો પણ નહીં અને છાયા પણ નહીં. - ૨
(મુસલમાનોની માન્યતા અનુસાર) ત્યારે એંસી હજાર પયગમ્બર પણ ન હતા અને (હિન્દુઓની માન્યતા અનુસાર) અઠયાસી હજાર મુનિજન પણ ન હતા. ચંદ્ર, તારા, સૂર્ય, મત્સ્યાવતાર, કચ્છવાવતાર કોઈ પણ હતું નહિ ! - ૩
ત્યારે વેદ, કુરાન, સ્મૃતિ કાંઈ હતું નહિ; સંયમ નિયમ પણ હતા નહિ; મુસલમાનોની બાદશાહી પણ હતી નહિ; ત્યારે બાંગ, નિમાજ, કલમા, રામ કે ખુદા કાંઈ હતું નહિ. - ૪
ત્યારે મનથી નક્કી થયેલા આદિ, મધ્ય ને અંત પણ ન હતા; અગ્નિ, પવન કે પાણીનું અસ્તિત્વ પણ ન હતું. ચોર્યાસી લાખ યોનિ કે જીવજંતુ પણ ન હતા; સાખી, શબ્દ કે અન્ય પ્રકારની વાણીઓ પણ ન હતી ! - ૫
તેથી કબીર કહે છે કે અવધૂતો આગળનો વિચાર કરો. પૂર્ણ બ્રહ્મ ક્યાંથી પ્રગટ થયા ? ને આ કૃત્રિમ સંસાર કેવી રીતે ઉપજ્યો ? - ૬
ટિપ્પણી
“મન બિસ્તારા” એટલે ચંચળ મન દ્વારા કલ્પનાઓ કરી કરીને એક માયાવી દુનિયાનું સર્જન કરવામાં આવ્યું હોય છે તે મનનો વિસ્તાર.
“આગે કરહુ વિચાર” એટલે મનની પેલે પારનો વિચાર. જ્યાં સુધી મન દ્વારા ઉભી કરાયેલી દુનિયાનો નાશ ના થાય ત્યાં સુધી મનની પેલે પાર પહોંચી શકાતું નથી. મનસાતીત સ્થિતિ તો ત્યારે જ પેદા થાય છે કે જ્યારે જીવ પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરે છે. તે સ્થિતિથી મનની કાલ્પનિક દુનિયાનો આપોઆપ નાશ થઈ જાય છે. મહાદેવ, હજરત, બ્રહ્મા, પયગંબર, અઠયાસી હજાર મુનિઓ, ચોવીસ અવતારો વિગેરે સૌ મનની કાલ્પનિક દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. જો મનની કલ્પનાનો અંત આવે તો તે સૌનો અંત આવી જાય છે.