Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

અબધૂ કુદરત કી ગતિ ન્યારી !
રંક નિવાજિ કરૈ વહ રાજા, ભૂપતિ કરૈ ભિખારી  - ૧

યેતે લવંગહિ ફળ નહિ લાગૈ, ચંદન ફૂલ ન ફૂલા
મચ્છ શિકારી રમૈ જંગલમંહ, સિંધ સમુદ્રહિ ઝૂલા  - ૨

રેંડા રુખ  ભયે મલયાગિર, ચહુ દિસિ ફૂટી બાસા
તીનિ લોક બ્રહ્માંડ ખંડમંહ, દેખૈ અંધ તમાસા  - ૩

પંગા મેર સુમેર ઉલંઘૈ, ત્રિભુવન મુકતા ડોલૈ
ગુંગા જ્ઞાન વિજ્ઞાન પ્રગાસૈ, અનહદ  બાની બોલૈ  - ૪

અકાસહિ બાંધિ પતાલ પઠાવૈ, સેસ સરગ પર રાજૈ
કહંહિ કબીર રામ હૈ રાજા, જો કિછુ કરૈ સો છાજૈ  - ૫

સમજૂતી

હે અવધૂતો, કુદરતની ગતિ તો ન્યારી જ છે !  દયા કરે તો રંકને રાજા બનાવી દે અને રાજાને ભિખારી !  - ૧

આ લવંગના ઝાડને (માત્ર ફૂલ લાગે છે) ફળ લાગતા નથી જ્યારે ચંદનના ઝાડને ફૂલ પણ નહિ અને ફળ પણ નહિ !  માછલાનો શિકારી (સમુદ્રને બદલે) જંગલમાં ભમે અને સિંહનો શિકારી સમુદ્રમાં !  - ૨

કુદરતની કૃપાથી દિવેલાનો છોડ મલયાગિરિના ચંદનના જેવો થઈ જાય છે કે જેની સુગંધી ચારે તરફ પ્રસરી જાય છે !  આંધળો પુરુષ સમસ્ત બ્રહ્માંડમાં દૃષ્ટિ મળી જવાથી કુદરતનો ખેલ જોયા કરે છે !  - ૩

પગે લંગડો હોવા છતા મેરુ પર્વતને ઓળંગીને ત્રણે ભુવનમાં મુક્તદશામાં હરી ફરી શકે છે !  ગુંગો માણસ (અચાનક) જ્ઞાન વિજ્ઞાનની વાતો પર નવો પ્રકાશ પાથરતો અનહદ વાણી બોલતો થઈ જાય છે !  - ૪

(કુદરત ધારે તો) આકાશને બાંધી પાતાળમાં મોકલી દે અને પાતાળમાં રહેતા શેષનાગને સ્વર્ગનું રાજ અપાવી દે !  તેથી કબીર કહે છે કે રામ તો રાજા કહેવાય !  તે જે કાંઈ કરે છે તે તેને શોભા આપે છે !  -  ૫

ટિપ્પણી

“કુદરત” એટલે રામ નહીં, પણ રામની શક્તિ માયા. માયા ધારે ત્યારે ને ત્યાં પાણીની જગ્યાએ સ્થળ ને સ્થળની જગ્યાએ પાણી કરી શકે છે. તેથી જ શ્વેતા ઉપનિષદમાં કહ્યું છે કે

દેવસ્યૈષ મહિમા તુ લોકે યેનેદેં ભ્રામ્યતે બ્રહ્મ ચક્રમ્ (૬/૧)

અર્થાત્ માયા દ્વારા સઘળું પરિવર્તન થાય છે. ગીતા પણ કહે છે કે

મયાધ્યક્ષેણ પ્રકૃતિ: સૂયતે સચરાચરમ્ |
હેતુનાનેન કૌન્તેય (જર્ગાદ્વિપરિવર્તત) || (અ-૯/૧૦)

અર્થાત્ હે અર્જુન !  મારી અધ્યક્ષતાથી આ ત્રિગુણાત્મક માયા સમસ્ત જગતને ઉત્પન્ન કરે છે અને તેથી જ આખું જગત હરક્ષણે ફેરફાર પામ્યા કરે છે. મૂઢ માણસ ત્રિગુણાત્મક માયાની આ ગતિ ઓળખી શકતો નથી તેથી તે ભગવાનની જ આ ચાલ છે એવું માનીને ભ્રમણામાં જીવે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,454
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,303
pdf-2અનંત સૂર | Anant Soor 8,889
pdf-3Amar Varso | અમર વારસો 7,248
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,492