કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ભાઈ રે અદભુત રુપ અનુપ કથા હૈ, કહૌં તો કો પતિપાઈ
જંહ જંહ દેખો તંહ તંહ સોઈ, સભ ઘટ રહલ સમાઈ - ૧
લછિ બિનુ સુખ દરિદ્ર બિનુ દુઃખહૈ, નીંદ બિના સુખ સોવૈ
જસ બિનુ જ્યોતિ રુપ બિનુ આસિક, રતન બિહૂના રોવૈ - ૨
ભ્રમ બિનુ ગંજન મનિ બિનુ નીરખ, રુપ બિના બહુરુપા
થિતિ બિનુ સુરતિ રહસ બિનુ આનંદ, ઐસા ચરિત અનુપા - ૩
કહંહિ કબીર જગત હરિ માનિક, દેખહુ ચિત અનુમાની
પરિહરિ લાખૌં લોગ કુટુમ સભ, ભજહું ન સારંગ પાની - ૪
સમજૂતી
હે ભાઈઓ, તે રામતત્વનું સ્વરૂપ તો અદ્દભુત છે અને તેની કથા પણ અનુપમ છે. જો હું કહેવા પ્રયત્ન કરું તો કોણ વિશ્વાસ કરશે ? જ્યાં જ્યાં હું જોઉં છું ત્યાં ત્યાં સર્વના શરીરોમાં તે જ સમાયેલો જણાય છે. - ૧
(જ્ઞાની) લક્ષ્મી વિના પણ સુખી રહે છે, (અજ્ઞાની) દરિદ્ર ન હોવા છતાં દુઃખી રહે છે. તે જ્ઞાની પુરુષ ઉંઘે નહિ તો પણ સુખથી શયન કરે છે ! તે કીર્તિની લાલસા વિના જ્યોતિર્મય સ્વરૂપમાં લીન રહે છે અને તેનું કંઈ રુપ ન હોવા છતાં તે જ્ઞાની તેનો પ્રેમી થઈ જીવે છે. અજ્ઞાની તો તે રત્ન સમાન તત્વને જાણ્યા વિના દુઃખી થઈ રડ્યા કરે છે. - ૨
તે તત્વ અંગે ભ્રમ ન હોવા છતાં અવગણના પામે છે, મણિ સ્વરૂપ ન હોવા છતાં તેની પરખ થઈ શકે છે અને રૂપ વિના પણ તે અનેક રૂપોવાળો ગણાય છે. સ્થિરતા વિના તેનું ધ્યાન થઈ શકે છે અને એકાન્ત વિના તેનો આનંદ માણી શકાય છે એવું તેનું અનુપમ ચરિત્ર છે. - ૩
માટે કબીર કહે છે કે હરિતત્વ રૂપી માણેકને ચિંતન મનન કરી જુવો તો જગતમાં તે સર્વત્ર વ્યાપ્ત જણાશે. તેથી લાખોની સંપત્તિ તથા કુટુંબીજનો માટેની આસક્તિનો ત્યાગ કરી (આત્મતત્વ રૂપી) રામને શા માટે ભજતા નથી ? - ૪
Add comment