Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પંડિત મિથ્યા કરહુ બિચારા, ન વહાં સિસ્ટિ ન સિરજનિહારા  - ૧

થૂલ અસ્થૂલ પવન નહિ પાવક, રવિ સસિ ધરનિ ન નીરા
જોતિ સ્વરૂપ કાલ નહિ ઉહવાં, બચન ન આહિ સરીરા  - ૨

કરમ ધરમ કિછુ વો નહિ ઉહવાં, ના વહ મંત્ર ન પૂજા
સંજમ રહિત ભાવ નહિ ઉહવાં, બચન ન આહિ સરીરા  - ૩

ગોરખ રામ એકૌ નહિ ઉહવાં, ના વહ બેદ બિચારા
હરિહર બ્રહ્મા નહિ સિવ સક્તિ, ના વહ તિરથ અચારા  - ૪

માય બાપ ગુરુ જાકે નાહિ, સો ધૌં દૂજા કિ અકેલા
કહંહિ કબીર જો અબકી બૂઝૈ, સોઈ ગુરુ હમ ચેલા  - ૫

સમજૂતી

હે પંડિતો, તમે સૃષ્ટિના આદિના મિથ્યા વિચારો કરો છો, ખરેખર ત્યાં તો સૃષ્ટિ પણ ન હતી અને સર્જનહાર પણ ન હતો !  - ૧

ત્યારે સ્થૂળ સૂક્ષ્મના ભેદો ન હતા; સૂર્ય, ચંદ્ર, પવન, પાણી, અગ્નિ, ધરતી કાંઈ ન હતું; ત્યાં જ્યોતિ સ્વરૂપ કાળ પણ ન હતો કે વચન અને શરીરનું અસ્તિત્વ પણ ન હતું !  - ૨

ત્યાં કર્મ-ધર્મ ન હતા, મંત્ર કે પૂજા ન હતા, સંયમ સહિત કોઈ ભાવ પણ ન હતો, તેથી ત્યાં એક હતું કે બે તેવો પ્રશ્ન રહેતો નથી.  - ૩

ત્યાં ગોરખનાથ જેવા મહાન યોગીઓ કે રામ જેવા અવતારી પુરુષો પણ ન હતા; વેદનો વિચાર પણ ત્યારે અસ્તિત્વ ધરાવતો ન હતો; બ્રહ્મ, વિષ્ણુ, મહેશ, જગદંબા પણ ત્યારે ન હતા તેમજ તીર્થ કે કોઈ વિધિ વિધાન પણ ન હતા !  - ૪

જેને માબાપ કે ગુરુ પણ નથી તેને ભલા એક કહેવાય કે બે ?  કબીર કહે છે કે જે મનુષ્ય શરીર પ્રાપ્ત કર્યા પછી તે પરમ તત્વને સમજી જાણી શકશે તે મારો ગુરુ હશે ને હું શિષ્ય થઈશ !  - ૫