Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

બુઝ બુઝ પંડિત પદ નિરવાન, સાંજ પરે કહવાં બસ ભાન ?  - ૧

ઉંચ, નીચ, પરખત ઠેલા ન ઈટ, બિનુ ગાયન તહંવા ઉઠે ગીત  - ૨

ઓસ ન પ્યાસ મંદિલ નહીં જહંવા, સહસો ધેનુ દુહાવહિંગ તહંવા  - ૩

નિતૈ અમાવાસ નિત સંક્રાન્તિ, નિતિ નિતિ નવગ્રહ બૈઠેપાંતિ  - ૪

મૈં તોહિ પૂછૌં પંડિત જના, હૃદયા ગ્રહન લાગુ કેહિ ખના ?  - ૫

કહંહિ કબીર એતનૌ નહિ જાન, કવન સબદ ગુરુ લાગલ કાન  - ૬

સમજૂતી

હે પંડિત, (મોક્ષનું) નિર્વાણ સ્થાન જરૂર સમજો. સંધ્યાટાણે સૂર્યાસ્ત થયા પછી સૂર્ય ક્યાં વાસ કરે છે ?  - ૧

ત્યાં ઉંચું કે નીચું, પર્વત કે ખીણ કાંઈ જ નથી. ત્યાં તો ગાયા વિના ગીત ચાલ્યા કરતું હોય છે !  - ૨

જ્યાં ઝાકળના જેવી ક્ષણિક વિષય વાસના નથી અને મંદિર પણ નથી; ત્યાં હજારો ગાય દોહવામાં આવે છે.  - ૩

ત્યાં હમેશ અમાસ હોય છે અને હમેશ સંક્રાન્તિ હોય છે. ત્યાં નવે નવ ગ્રહ એક જ પંક્તિમાં બેસે છે.  - ૪

હે પંડિત, હું તમને પૂછું છું કે હૃદયના કયા ભાગમાં તમને ગ્રહણ લાગ્યું છે ?  - ૫

કબીર કહે છે કે તમે એટલું પણ નથી જાણતા કે મોક્ષ શું છે ?  તમને કયા ગુરુએ કાનમાં મંત્ર દીક્ષા આપેલી ?  - ૬

ટિપ્પણી

“હૃદયા ગ્રહન લાગુ કેહિ ખના” - એટલે ખૂણો, એક ભાગ. હૃદયને ગ્રહણ લાગવું એટલે સ્વરૂપને ન ઓળખવું - આત્માભિમુખ બનવાને બદલે વિષયાભિમુખ રહેવું - વિદ્વાન બ્રાહ્મણોને મોક્ષપદનું ભાન નથી તેથી મોક્ષની પ્રાપ્તિના બહાના હેઠળ તેઓ છૂતા છૂતની અને ધર્મના ભેદોની ભાવનાને બહેકાવતા ફરતા હોય છે. તેઓની આ પ્રવૃત્તિ આત્મ કલ્યાણ માટે પ્રતિકૂળ ગણાય.