Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

બુઝ બુઝ પંડિત બિરવા ન હોય, આઘે બસે પુરુષ આઘે બસે જોય  - ૧

બિરવા એક સકલ સંસારા, સરગ સીસ જરિ ગયલ પતારા  - ૨

બારહ પખુરી ચૌબિસ પાત, ઘન બરોહ લાગે ચહું પાસ  - ૩

ફુલૈ ન ફરૈ વાકી હૈ બાની, રૈનિ દિવસ બિકાર ચૂયે પાની  - ૪

કહંહિ કબીર કછુ અછલોન તહિયા, હરિ બિરવા પ્રતિપાલિનિ જહિયા  - ૫

સમજૂતી

હૈ પંડિત, સંસાર માત્ર વૃક્ષ નથી તે વારંવાર સમજી લો કારણ કે તેના અર્ધા ભાગમાં પુરુષ અને અર્ધા ભાગમાં માયા રૂપી સ્ત્રી રહેલી છે !  - ૧

એ એવું એક સંસાર રૂપી ફસાયેલું મોટું વૃક્ષ છે કે જેની ટોચ સ્વર્ગ સુધી અરે જેનું મૂળ પાતાળ સુધી પહોંચેલું છે.  - ૨

તેની બાર માસ રૂપી શાખાઓ છે, ચોવીસ પખવાડિયાના પાંદડાંઓ છે અને ચોગરદમ કામનાઓ રૂપી તેની જટાઓ ફેલાયેલી છે.  - ૩

આ સંસાર રૂપી વૃક્ષનો સ્વભાવ એવો છે કે તેને નથી ફૂલ આવતાં ને નથી ફળ બેસતા. રાત દિવસ તેમાંથી વિકારનું પાણી ઝર્યા કરે છે.  - ૪

કબીર કહે છે કે જે સમય હરિ વૃક્ષનું રક્ષણ કરી રહ્યાં હતા ત્યારે પ્રલયના સમયે કાંઈ હતું નહિ.  - ૫

ટિપ્પણી

“આઘે બસે પુરુષ આઘે બસે જોય” - આ સૃષ્ટિની ઉત્પત્તિ પ્રકૃતિ દ્વારા થઈ. પ્રકૃતિ બે પ્રકારની છે :  જડ ને ચેતન. માત્ર જડ પ્રકૃતિથી કશું ઉત્પન્ન થઈ શકતું નથી. તેની સાથે ચેતન પ્રકૃતિનો સંયોગ થાય તો ઉત્પત્તિ શક્ય બને છે. ગીતા કહે છે :

પૃથ્વી, પાણી, તેજ ને વાયુ ચિત્ત આકાશ,
અહંકાર બુદ્ધિ કહી મારી પ્રકૃતિ ખાસ.

બીજી જીવ રૂપી રહી મારી પ્રકૃતિ છે,
તેનાથી જગને રચું, ઉત્તમ પ્રકૃતિ તે. (સરળ ગીતા અ-૭/૪-૫)

અહીં ‘પુરુષ’ એટલે જીવ અથવા ચેતન પ્રકૃતિ અને ‘જોય’ એટલે સ્ત્રી-માયા-જડપ્રકૃતિ.

“રૈનિ દિવસ બિકાર ચૂયે પાની” - સંસારરૂપી વૃક્ષમાંથી વિષયોનો રાસ ઝર્યા કરે છે તેને કબીર સાહેબ વિકારનું પાણી કહે છે. જીવ તે રસનું પાન કર્યા કરે છે તેથી ગીતા કહે છે :

પ્રકૃતિના ગુણનો કરે પુરુષ સદાયે ભોગ,
તેથી તેને થાય છે જન્મમરણનો રોગ.

સંસાર રૂપી વૃક્ષ પર બેઠેલા બે પંખીની વાત ઉપનિષદે કરી છે તે અહીં યાદ કરવા જેવી છે.

દ્વા સુવર્ણા સયુજા સખાયા સમાનં વૃક્ષં પરિષસ્વજાતે |
ત્યોરન્ય: પિપ્પલંસ્વદ્વત્યનન્નન્યો અભિચાકશીતિ ||

અર્થાત્ એક પક્ષી સંસારરૂપી વૃક્ષના ફાળો ખાયા કરે છે બીજું પાત્ર જોયા કરે છે. સંસારમાં રહીને માત્ર ભોગવૃત્તિમાં મગ્ન રહેનાર જીવ રાતદિવસ વિકારનો શિકાર બન્યા કરે છે. જે તટસ્થ રીતે જોયા કરે છે તે સુખદુઃખ ભોગવતો જ નથી. તેની અસંગ દશા ઉત્તમ કોટિની ગણાય.