Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

બુઝિ બુઝિ લીજૈ બ્રહ્મજ્ઞાની
ધુરિ ધુરિ બરષા બરષાવો, પરિયા બુંદ ન પાની  - ૧

ચિઉંટી કે પગ હસ્તી બાંધો, છેરી બીગર ખાયા
ઉદધિ માંહ તે નિકરિ છાંછરી, ચૌરે ગ્રીહ કરાયા  - ૨

મેઢુક સરપ રહૈ એક સંગૈ, બિલિયા સ્વાન બિયાહી
નિત ઉઠિ સિંધ સિયાઓ ડરપૈ, અદબુધ કઠો ન જાઈ  - ૩

કવને સંશય મિરગા બન ઘેરે, પારધિ બાના મેલૈ
ઉદધિ, ભૂપતે તરીવર ડાહૈ, મચ્છ અહેરા ખેલૈ  - ૪

કહંહિ કબીર ઈ અદબુધ જ્ઞાના, કો યહિ જ્ઞાનહિં બૂઝૈ
બિનુ પંખૈ ઉડિ જાય અકાસ, જીવહિં મરન ન સૂઝૈ  - ૫

સમજૂતી

હે બ્રહ્મજ્ઞાનીઓ, જ્ઞાનની વર્ષા બધે ફરીફરીને વરસાવી રહ્યા છો પણ પાણીનું એક ટીપું પણ પડતું નથી !  (આ સત્ય) વારંવાર વિચારીને સમજી લો !  - ૧

કુપાત્રને જ્ઞાનનો ભારી ઉપદેશ આપવાની ક્રિયા કીડીને પગે હાથે બાંધવા જેવી છે. ઉલટી અવળી અસર થવાથી બકરી વાઘને ખાય જાય જતી જણાય !  તમે તો આનંદ રૂપી સમુદ્રમાં ચિત્તવૃત્તિને બહાર કાઢી મેદાનમાં ઘર કરાવી દીધું !  - ૨

અજ્ઞાની જીવ રૂપી દેડકો અહંકાર રૂપી સાપની સાથે રહેવા લાગ્યો અને બુદ્ધિરૂપી બિલાડીએ વિષયોના વિષયોના કૂતરા સાથે વિવાહ કરી દીધો !  રોજ જીવ રૂપી સિંહ મન રૂપી શિયાળથી ડરવા લાગ્યો !  આ બધી વાતો કેવી રીતે કરું ?  - ૩

કોણ સંશય રૂપી મૃગને સંસાર રૂપી વનમાં ઘેરી લે છે અને કોણ જીવ રૂપી પારધિને બાણો મારે છે ?  તૃષ્ણા રૂપી સાગરનું પાણી શરીર રૂપી વૃક્ષને સીંચવાથી ઝાડ સુકાવા લાગ્યું !  વિષયો રૂપી માછલીઓ જીવનો શિકાર કરવા લાગી !  - ૪

કબીર કહે છે કે આ તમારું અદ્દભૂત જ્ઞાન કોણ સમજી શકે ?  તમારી વાતો સાંભળી આ લોકો તો પાંખ વિના આકાશમાં ઉડવા લાગ્યા છે અને પોતે અમર થઈ ગયા હોય તેમ તેઓને મરણ દેખાતું ન હોય તેવા ભ્રમમાં પડયા છે !  - ૫

ટિપ્પણી

આ અવળવાણીનું પદ છે. સર્વ કાંઈ બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય કંઈ જ નથી એવી ડંફાસ મારનારા પંડિતોને વ્યંગ્યાત્મક શૈલીથી કબીર સાહેબે પડકાર્યા છે. એક માત્ર બ્રહ્મ જ સર્વત્ર વ્યાપ્ત છે એવા ભ્રમમાં ડૂબેલા પંડિતો પોતાના શિષ્યોને આત્મકલ્યાણથી વંચિત જ રાખે છે. મિથ્યા તત્વજ્ઞાનની વાતોનો તેઓ મૂશળધાર વરસાદ વરસાવ્યા કરે છે તો પણ શિષ્યગણના હૃદયરૂપી આંગણાંઓ તો કોરાના કોરા જ રહી જવા પામે છે !  કોઈને લાભ થતો નથી, બલકે નુકશાન જ થાય છે !

“છેરી બીગર ખાયા”  - છેરી એટલે બકરી ને બીગર એટલે વાઘ. વાઘ બકરીને ખાય તે સ્વભાવિક ગણાય, અહીં તો બકરી વાઘને ખાય જાય છે. જ્ઞાનના પ્રકાશ આગળ અજ્ઞાનનું અંધારું ટકતું નથી. બ્રહ્મજ્ઞાનની વાતોનો પ્રચાર બેકાર નીવડ્યો તેથી અવિદ્યા રૂપી બકરીનો નાશ ન થયો બલકે આભાસી બ્રહ્મજ્ઞાનની વાતોથી અવિદ્યા વધી. અવિદ્યાથી તો આત્માનો વિનાશ થાય છે. તેથી કહ્યું અવિદ્યા રૂપી બકરી આત્મારૂપી વાઘને ખાય જાય છે. આ રીતે અવળવાણીનું પદ અલંકાર પ્રધાન બની ગયું છે.

“બિનુ પંખૈ ઉડિ ... ન સૂઝૈ” - આભાસી જ્ઞાનની વાતો સાંભળી અજ્ઞાની શિષ્યો કાલ્પનિક સુખમાં ડૂબી જાય છે. આભાસી જ્ઞાનને અદ્દભૂત જ્ઞાન ગણીને પોતે અમર બની  ગયાની કલ્પના કરે છે. હવે મરણ થશે જ નહીં એવું માનીને સુખમાં છકી જાય છે.