કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નલકો નહિ પરતીતિ હમારી
જૂઠે બનિજિ કિયો જૂઠાસોં, પૂંજિ સભન મિલિહારી  - ૧
ષટ દરસન મિલિ પંથ ચલાયો, તિરિ દેવા અધિકારી
રાજા દેસ બડા પરિપંચી, રૈયતિ રહતિ ઉજારી  - ૨
ઈતતે ઊત ઊતતે ઈત રહુ, જબકી સાંડ સવારી
જ્યોં કપિ ડોરિ બાંધુ બાજીગર, અપની ખુસી પરારી  - ૩
ઈ હૈ પેડ ઉતપતિ પરલૈકા, વિષયા સભૈ બિકારી
જૈસે સ્વાન અપાવન રાજી, ત્યૌં લાગી સંસારી  - ૪
કહંહિ કબીર ઈ અદબુદ જ્ઞાના, કો માને બાત હમારી
અજહું લેઉ છુડાય કાલ સોં, જો કરે સુરતિ સંભારી  - ૫
સમજૂતી
મનુષ્યોને અમારામાં વિશ્વાસ નથી કારણ કે તેઓએ નકામી વસ્તુનો જૂઠા માણસો સાથે વેપાર કર્યો હોવાથી મૂળ પૂંજી પણ ગુમાવી બેઠા છે ! - ૧
છ વેષધારી લોકોએ પોતપોતાના અલગ પંથો ચલાવ્યા અને ત્રિદેવોને તેઓએ અધિકારી તરીકે સ્થાપ્યા. જો દેશનો રાજા ખૂબ પ્રપંચી હોય તો પ્રજા લૂંટાય ને ગરીબ થઈ જાય છે ! - ૨
(હે મૂર્ખ જીવ !) તું આ લોકથી પરલોકમાં કે પરલોકમાંથી આ લોકમાં આવીને ભલે રહેતો પણ એક દિવસ યમરાજની સાંઢ સવારી તો તને એક દિવસ લેવા આવશે જ ! જેવી રીતે વાંદરો પોતાની ખુશીથી બાજીગરના બંધનમાં પડે છે તેમ તું પણ તારી ખીશીથી જ યમરાજના બંધનમાં ફસાયો છે ! - ૩
આ જ તે જન્મમરણ રૂપી ફળ આપનારું સંસાર રૂપી વૃક્ષ છે જેમાં વિષયી લોકો વિકારોનો આનંદ માણી રહ્યા છે ! જેવી રીતે કૂતરો અપવિત્ર વસ્તુને ચાટીને આનંદ માણે છે તે રીતે સંસારી લોકો વિષયોમાં આનંદ માણે છે. - ૪
કબીર કહે છે કે આ અમારું બતાવેલું ખરેખરું અદ્દભુત જ્ઞાન છે પણ અમારું કોણ માને ? હજી પણ હું તેને (જીવને) યમરાજના બંધનમાંથી છોડાવવા તૈયાર છું જો તે પોતાની ચિત્તવૃત્તિને સાચવી લે. (વિષયોમાં ન જવા દે પણ આત્મતત્વમાં જોડી દે.) - ૫
ટિપ્પણી
“અજહું લેઉ છુડાય કાલ સોં” - કબીર સાહેબે આપેલુ આ અભયવચન છે. જે પોતાના મનને વિષયોમાં ન જોડે પણ આત્મામાં જ જોડે તે નિત્યમુક્ત સ્થિતિમાં જીવી શકે છે એ કબીર સાહેબનું સ્વાનુભૂતિ જન્ય વચન છે. મન અંતર્મુખ રહે ને આત્માભિમુખ બને તો તેનું કલ્યાણ જ છે. જો બહિર્મુખ રહે ને વિષયાભિમુખ બને તો દુઃખ જ દુઃખ છે, અકલ્યાણ છે.
 
																										
				
Add comment