કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જોલહા બીનહુ હો હરિનામા, જા કે સુરનર મુનિ ધરેં ધ્યાના - ૧
તાન તનૈકો અહુઠા લીન્હૌં, ચરખી ચારિહુ બેદા
સર ખૂંટી એક રામનારાયન, પૂરન પ્રગટે કામા - ૨
ભવસાગર એક કઠવત કીન્હૌં, તા મંહ માંડી સાના
માડી કે તન માડી રહા હૈ, માડી બિરલે જાના - ૩
ચાંદ સુરજ દુઈ ગોડા કીન્હૌં, માઝ દીપ કિયા માઝા
ત્રિભુવન નાથ જો માજન લાગે, શ્યામ મુરરિયા દીન્હા - ૪
પરઈ કરી જબ ભરના લીન્હૌં, વૈ બાંધે કો રામા
વૈ ભરા તિહું લોકહિ બાંધૈ, કોઈ ન રહત ઉબાના - ૫
તીનિલોક એક કરિગહ કીન્હૌં, દિગમગ કીન્હૌં તાના
આદિ પુરુષ બૈઠાવન બૈઠે, કબીરા જોતિ સમાના - ૬
સમજૂતી
હે (જીવ રૂપી) જુલાહા, સૂતરનું વસ્ત્ર વણે છે તો સાથે સાથે હરિનામનું (ભક્તિરૂપી) વસ્ત્ર પણ તૈયાર કરતો જા કે જેનું સુર, નર, મુનિ બધા જ ધ્યાન કરે છે ! - ૧
હરિનામના વસ્ત્રના તાણાને માપવા તારી પાસે શરીર રૂપી ગજ તો છે જ અને ભક્તિ રૂપી સૂતર કાંતવા માટે ચાર વેદો રૂપી ચરખો પણ છે જ ! સૂતર ટાંગવા માટે જે શરપત ખૂંટી જોઈએ તે પણ રામ ને નારાયણની છે કે જે દ્વારા તારી બધી જ મનોકામના પૂર્ણ બને છે. - ૨
ભવસાગર રૂપી (કઠવત) મોટા પાત્રમાં હરિનામ રૂપી સૂતરને પરિપકવ બનાવવા માટે (જ્ઞાન રૂપી) કાંજી ચઢાવવામાં આવે છે. પંચભૂતના બનેલા આ માયાવી શરીરમાં દિન પ્રતિદિન માયા વધારે ને વધારે વ્યાપ્ત થતી જાય છે તે સ્થિતિનું જ્ઞાન વિરલ પુરુષને જ હોય છે. - ૩
સાધક યોગીઓ તો ચંદ્ર નાડી ને સૂર્ય નાડીના બે (ગોડા) સૂતર તાણવા માટેના સાધન બનાવે છે, જેના પર તેઓ હરિનામના સૂતરને કસી જોતા હોય છે. વચમાં સુષુમ્ણા નાડીના સાધન વડે તેઓ હરિનામના સૂતરનો તાંતણો તૂટી જાય તો ગાંઠ બાંધીને જોડી દેતા હોય છે. - ૪
(જીવરૂપી) જુલાહો હરિનામ રૂપી સૂતરને કાંજી પાયને મજબૂત કર્યા પછી રામનામના નારા પર ભરની કરી લપેટી લે છે ત્યારે ત્રણે લોકને સંપૂર્ણ પણે બાંધી દે છે, (ત્રણે લોકમાં)કંઈ જ બાકી રહેતું નથી. - ૫
સાધક યોગીઓ નાભિ, હૃદય ને ત્રિકુટિ રૂપી ત્રિલોકનું હરિનામ રૂપી સુતર વીણવાનું એક યંત્ર બનાવી લેતા હોય છે અને શ્વાસ પ્રશ્વાસના તાણાવાણાથી તે વસ્ત્રને તૈયાર કરી પોતાના હૃદયમાં બેઠેલા પરમ, જ્યોતિ સ્વરૂપ સત્પુરુષમાં કબીરની જેમ પોતાના મનને લીન કરી દેતા હોય છે. - ૬
ટિપ્પણી
“તાના તનૈકો .... પ્રગટે કામા” - વણકરના ધંધામાં વપરાતા યાંત્રિક સાધનોના નામો છસો વર્ષ પર જે પ્રચલિત હતા તે આજે વિસ્મૃત થયા છે. યાંત્રિક સાધનોમાં પણ સારું જેવું પરિવર્તન થયું તેથી નામો આપોઆપ બદલાયા પણ છે. તાના, અહુઠા, સરકુંઠી, કઠવત, માંડી, ગોડા, માંજા, મુરરિયા, ભરના, કરિગહ, વિગેરે શબ્દો આ પદમાં વપરાયા છે તે આજે તો પ્રચલિત નથી. તેથી તેનો ચોક્કસ શબ્દાર્થ કરવો મુશ્કેલ છે. છતાં પણ વણકરના ધંધાનું રૂપક કબીર સાહેબે જે હેતુથી રચ્યું છે તે સરળતાથી સમજમાં આવી જાય એવું છે. આ પંક્તિઓમાં માનવને કુદરતે ઉત્થાન માટે સર્વ સાધનો આપી જ દીધા છે તેનો સ્પષ્ટ નિર્દેશ કરી દેવામાં આવ્યા છે. ગીતા પણ ત્રીજા અધ્યાયને અંતે માર્ગદર્શન આપતાં કહે છે
મન, બુદ્ધિ, ઈન્દ્રિય છે તેનાં નિત્ય નિવાસ
તે દ્વારા મોહિત કરે માનવને તે ખાસ.
મન બુદ્ધિ ઈન્દ્રિયનો તેથી કાબુ કરી,
જ્ઞાનનાશ કરનાર તે પાપી નાખ હરી.
ઈન્દ્રિયો બળવાન છે, મન તેથી બળવાન,
મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે, આત્મા ઉત્તમ જાણ.
આત્માને ઉત્તમ ગણી, આત્મશક્તિ ધરી,
કામરૂપ આ શત્રુને શીઘ્ર નામ મારી. (સરળ ગીતા અ-૩/૪૦ થી ૪૩)
કામ મનમાં જ ર અહેલો છે. માનવ તેનાથી જ મોહિત થાય છે. જ્ઞાનને તે ઢાંકી દે છે. તેથી કામનારહિત થવાની આવશ્યકતા પ્રથમ છે. જો કામના રહિત થઈ જવાય તો મન, બુદ્ધિ ને ઈન્દ્રિયોના સાધનો આત્મકલ્યાણ સાધવામાં અત્યંત ઉપયોગી બની જાય છે.
રૂપકના પ્રારંભમાં ભક્તિતત્વની વાત ગૂંથી લીધી છે. મન, બુદ્ધિ ને ઈન્દ્રિયોની શક્તિ ઘણી છે. તે શક્તિનો વિનિયોગ સ્વરૂપનું અનુસંધાન કરવામાં વપરાય તો ઉત્તમ. તે અંગે મન, બુદ્ધિ ને ઈન્દ્રિયો પર જરૂરી સંયમ પણ સ્થાપવો જોઈએ. તેથી જ કબીર સાહેબે ચોથી ટૂંકમાં યોગની પરિભાષા વાપરી રૂપકના ફલકને વિશાળ બનાવી દીધું છે. ગરીબ વણકરો પણ યોગની સાધના ઘરમાં રહીને કરીને શકે છે ને મન, બુદ્ધિને ઈન્દ્રિયો પર સંયમ સ્થાપિત કરી આત્મકલ્યાણ સાધી શકે છે તેવું સ્પષ્ટ માર્ગદર્શન આ રૂપક દ્વારા મળી રહે છે.
“જોલાહા” શબ્દના ઉપયોગથી કબીર સાહેબ વણકર જાતિના હતા તેવું અનુમાન કરવું યોગ્ય ન કહેવાય. હા, જોલાહા નામની જાતી તે સમયે હતી તે ચોક્કસ કહી શકાય. એવું પણ અનુમાન કરી શકાય કે ગરીબ માણસોને તેમજ નીચે ગણાતા માણસોને પણ પ્રકાશના પંથે વાળવા કબીર સાહેબે મહેનત કરી હતી. આ પ્રકારની પ્રવૃત્તિથી સંત તરીકેની પ્રતિષ્ઠામાં વધારો પણ થાય છે. માત્ર બ્રાહ્મણોને, ભણેલા ગણેલા પંડિતોને કે સંતમહંતોને જ કબીર સાહેબે મદદ નથી કરી પણ નીચ ગણાતા કચડાયેલા લોકોનો પણ પૂરેપૂરો ખ્યાલ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
Add comment