કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જો પૈ બીજરૂપ ભગવાના, તો પંડિત કા પૂછહું આના ? - ૧
કહં મન, કહં બુદ્ધિ, કહં હંકાર, સત રજ તમ ગુન તીનિ પ્રકાર - ૨
વિષ અમ્રિત ફલ ફરૈ અનેકા, બૌધા બેદ કહૈ તરબેકા - ૩
કહંહિ કબીર તૈં કા જાન, કાધૌં છૂટલ કા અરુઝાન - ૪
સમજૂતી
જો ભગવાન જગતના બીજ રૂપ કારણ ગણાતા હોય તો હે પંડિતો, તમે બીજું બધું શા માટે પૂછો છો ? - ૧
મન, બુદ્ધિને અહંકાર ક્યાં રહે છે ? ત્રણ પ્રકારના (સત્વ, રજ ને તમ) ગુણો પણ ક્યાં રહે છે ? - ૨
આ સંસાર રૂપી વૃક્ષને વિષમય ને અમૃતમય, સુખ ને દુઃખરૂપી અનેક પ્રકારના ફળો લાગેલાં રહે છે અને વેદ તો (સંસાર સાગરને) તરી જવાના ઘણા ઉપાયો પણ બતાવે છે ! - ૩
મારા-તારાના ભેદો કેવી રીતે જાણી શકાય ? કબીર કહે છે કે કોણ મુક્ત ને કોણ બંધનમાં તે પણ કેવી રીતે જાણી શકાય ? (અર્થાત્ સંસાર ભગવત સ્વરૂપ જ હોય તો તેને તરવાની જરૂર શી ? કોણ બંધનમાં ? ક્યાં તો સૌ બંધનમાં, ક્યાં તો સૌ મુક્ત !) - ૪
ટિપ્પણી
“બીજ રૂપ ભગવાના” - બીજં માં સર્વભૂતાના વિદ્ધિ - (ગીતા ૭/૧૦) અર્થાત્ મને સર્વ પ્રાણીઓના બીજ રૂપ ગણો. માયા આત્મસ્વરૂપથી અભિન્ન જણાતી હોવાથી આ પ્રમાણે કહેવામાં આવ્યું. એ જ છાંદોગ્ય ઉપનિષદમાં પણ કહ્યું કે સર્વં ખલ્વિદં બ્રહ્મ | ચૈતન્યની સત્તા સર્વત્ર જણાતી હોવાથી આ સમસ્ત જગત બ્રહ્મસ્વરૂપ છે એવું જાહેર કરવામાં આવ્યું. ખરેખર તો બ્રહ્મતત્વનું સાચું જ્ઞાન છે તે તો પરમાત્માને જગતનું વિકારી કારણ માને નહિ. છતાં પરિણામવાદીઓ એવું માનતા હોવાથી કબીર સાહેબે અહીં તાત્વિક ચર્ચા કરી છે. સર્વ પ્રાણીઓના બીજ રૂપ મને જાણો એવું શ્રીકૃષ્ણ કહેતા પહેલાં એવું પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે
કર્મ અને કર્તૃતત્વને કર્મફળ તણો યોગ
પ્રભુ કરે નહીં, એ બધો પ્રકૃતિનો છે ભોગ (અ-૫/૨૪)
છતાં કેટલાક એવું માને છે કે સમસ્ત જગત બ્રહ્મસ્વરૂપ જ છે. તેથી કબીર સાહેબ દલીલ તરીકે કહે છે કે સંસાર બ્રહ્મસ્વરૂપ જ છે તો તેને તરવાની શી જરૂર ? કોણ બંધનમાં ગણાય ? સૌ મુક્ત જ ગણાય કારણ કે સૌ બ્રહ્મસ્વરૂપ જ છે. સુખદુઃખ, પાપપુણ્ય ક્યાં રહે છે ?
Add comment