કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જો ચરખા જરિ જાય, બઢૈયા ના મૈ !
મૈં કાંતો સૂત હજાર, ચેરખુલા જિન જરૈન - ૧
બાબા મોર બ્યાહ કરાવ, અચ્છા બરહિં તકાય
જૌં લૌં અચ્છા બર ન મિલૈ, તૌ લૌં તુમહિ બિહાય - ૨
પ્રથમ હિ નગર પહુચતે, પરિગૌ સોક સંતાપ
એક અચંભવ દેખિયા, બિટિયા બ્યાહલ બાપ - ૩
સમધી કે ઘર લમધી આયે, આયે લહુ કે ભાય
ગોડે ચુલ્હા દૈ દૈ, ચરખા દિયો દિઢાય - ૪
દેવલોક મરિજાયેંગા, એક ન મરૈ બઢાય
યહ મનરંજન કારણે, ચરખા દિયો દિઢાય - ૫
કહંહિ કબીર સુનહુ હો સંતો, ચરખા લખૈ ન કોય
જો યહ ચરખા લખિ પરૈ, આવાગમન ન હોય ! - ૬
સમજૂતી
સ્થૂળ શરીર રૂપી ચરખો આગમાં ખાખ થઈ જાય છે પણ તેને બનાવવાવાળું મન તો ખાખ થતું જ નથી ! શરીરની આસક્તિવાળું મન તો એમ જ ઈચ્છે છે કે મારો ચરખો કદી બળે નહિ ને હું હજારો કર્મ રૂપી સૂતર તેના વડે કાંત્યા કરું ! - ૧
(એવું આસક્ત મન) શિષ્ય થઈને ગુરુ પાસે જાય છે ત્યારે કહે છે કે હે બાબા ! (ગુરુદેવ) સારો વર શોધીને મારો વિવાહ કરી દો ! સારો વર ન મળે ત્યાં સુધી તમે પોતે જ મારી સાથે વિવાહ જોડો ! (અર્થાત્ મને તમારા શરણમાં રાખો !) - ૨
સંસાર રૂપી નગરમાં જન્મ લેતાં જ જીવ તો (પ્રથમ તબક્કામાં જ) શોક ને સંતાપનો અનુભવ કરે છે. સંસારનું એક ભારે આશ્ચર્ય તો એ છે કે જીવ રૂપી પિતા અવિદ્યા રૂપી બેટી સાથે વિવાહ જોડી દે છે !) - ૩
(વિવેક રૂપી) સ્થિર બુદ્ધિવાળાને ઘરે અવિવેકરૂપી સંબંધીજનો આવ્યા ને વહુની કુવિચાર રૂપી ભાઈ ત્યાં ભેગો થઈ ગયો ! સહુયે મળીને જીવના તો હાથપગ ચુલામાં સળગાવી દીધા અને (શરીર રૂપી) ચરખાને જન્મમરણના ચક્રમાં દૃઢ બનાવી દીધો ! - ૪
(પુણ્ય પૂરું થશે ત્યારે) દેવલોકો પણ મરી જશે પણ (બંધન વધારનારું) મન તો કદી મરતું જ નથી. પોતાના સુખને ખાતર મન શરીર રૂપી ચરખાની ગતિને જન્મમરણના ફેરામાં દૃઢ બનાવ્યા કરે છે. - ૫
કબીર કહે છે કે સંતજનો, સાંભળો : આ શરીર રૂપી ચરખાની ગતિવિધિને કોઈ જાણતું જ નથી. જે જાણી ગયા છે તેના આવાગમનના ફેરા ટળી જતા હોય છે ! (અર્થાત્ તેથી આવતા નથી.) - ૬
ટિપ્પણી
જહિ જાય બઢૈયા ના પરૈ” - સ્મશાનમાં સ્થૂળ અગ્નિથી તન બળી જાય છે, પણ મન બળતું નથી. વળી મનમાં રહેલા સંસ્કારના બીજ સમયે સમયે ઉગી નિકળે છે ને માનવને કર્મમાં જોડી ગતિશીલ પણ રાખે છે. મનમાં રહેલા તે બીજને તો માત્ર જ્ઞાનરૂપી અગ્નિ જ બાળી શકે.
Add comment