Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જંત્રી મંત્ર અનુપમ બાજૈ, વાકે અષ્ટ ગગન મુખ ગાજૈ  - ૧

તૂંહી બાજૈ તૂંહી ગાજૈ, તૂંહી લિયે કર ડોલૈ
એક શબ્દમેં રાગ છતીસૌ, અનહદ બાની બોલૈ  - ૨

મુખકે નાલ સવન કે તુંબા, સતગુરુ સાજ બનાયા
જીભિકે તાર નાસિકા ચરઈ, માયા મોમ લગાયા  - ૩

ગગન મંડલ મેં ભૌ ઉજિયારા, ઉલટા ફેર લગાયા
કહંહિ કબીર જન ભયે બિબેકી, જિન્હ જંત્રી મન લાયા  - ૪

સમજૂતી

(જીવાત્મા રૂપી) હે વાદ્યના વગાડનાર, તારું વાદ્ય તો અનુપમ વાગી રહ્યું છે !  (મસ્તિષ્ક રૂપી) ગગન મંડળમાં આવેલ આઠમાં કમળમાં સતત ગાજી રહ્યું છે !  - ૧

ખરેખર, તું જ વાગે છે, તું જ ગાજે છે અને તું જ હાથમાં લઈને ડોલે ચ છે !  એક જ શબ્દમાંથી છ રાગને છત્રીસ રાગિણીઓ પેદા થઈ છે તેથી તું જ અનહદ સ્વરૂપે વાણી બોલ્યા કરે છે !  - ૨

મુખ રૂપી દાંડી, કાન રૂપી બે તુમ્બા, જીભનો તાર અને નાકની ખૂંટી તથા માયા રૂપી મોમ લગાવી જે તંબુરાનું વાદ્ય બનાવ્યું છે તેનો સતગુરુ જ સદુપયોગ બતાવી શકે છે !  - ૩

જે સાધક શક્તિને જગાડી નીચેથી ઉપર ઉલટા ક્રમે સાતે ચક્રોને ભેદીને આઠમાં ચંદ્રમાં લઈ જાય છે ત્યારે મસ્તિષ્ક રૂપી ગગન મંડળમાં પ્રકાશ પ્રકાશ થઈ જાય છે. તેથી કબીર કહે છે કે પોતાના મનને (આ શરીર રૂપી વાદ્યના વગાડનાર) આતમરામ સાથે જોડી દે છે તે જ સાચો વિવેકી ગણાય.  - ૪

ટિપ્પણી

“કહંહિ કબીર જન ભયે બિબેકી, જિન્હ જંત્રી મન લાયા” - શરીરની ઉત્પત્તિ ને વિનાશનું કારણ જે બરાબર સમજી લે છે તે સંસાર સાગર તરી શકે છે. વાસના વિહીન મન તો ઉત્પત્તિને વિનાશનો પ્રશ્ન જ રહેતો નથી. તેથી ઉપનિષદમાં પણ કહ્યું કે

મન એવ મનુષ્યાણાં કારણં બંધમોક્ષયો: |

અર્થાત્ મન જ બંધન ને મોક્ષનું કારણ છે. મન શુદ્ધ રાખવામાં આવે તો સર્વે પ્રશ્નો ટળી જાય છે.