કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જસ માસુ પસુકી તસ માસુ નરકી, રુધિર રુધિર એક સારા જી
પસુકી માસુ ભખૈ સભ કોઈ, નરહિં ન ભખૈ સિયારા જી - ૧
બ્રહ્મ કુલાલ મેદિની ભઈયા, ઉપજિ બિનસિ કિત ગઈયાજી
માસુ મછરિયા તૌ પૈ ખઈયા, જો ખેતનમેં બોઈયા જી - ૨
માટી કે કરિ દેવી દેવા, કાટિ કટિ જિવ દેઈયાજી
જો તોહરી હૈ સાંચા દેવી, ખેત ચરત ક્યોં ન લેઈયા જી - ૩
કહંહિ કબીર સુનહુ હો સંતો, રામ નામ નિત લેઈયા જી
જો કછુ કિયેઉ જીભ્યા કે સ્વારથ, બદલ પરાયા દેઈયા જી - ૪
સમજૂતી
જેવું પશુનું માંસ તેવું માણસનું માંસ હોય છે, બાકી લોહી ચરબી વગેરે તો સૌના એક જ રંગના હોય છે. છતાં પશુનું માંસ સૌ કોઈ ખાય છે જ્યારે માણસનું માંસ તો શિયાળ પણ નથી ખાતું ! - ૧
બ્રહ્મા રૂપી કુંભારે પૃથ્વી પર સૃષ્ટિ રચના કરી પણ તે ઉત્પન્ન થઈ વિનાશ પામી ક્યાં ગયા તે કોઈ જાણતું નથી. તો પછી (હે મૂર્ખ માણસો !) તમારી તો શી વિસાત કે ભ્રમણામાં શરીરને મજબૂત બનાવવા માંસને માછલીઓ, ખેતેરમાં અનાજ વાવેલું હોય તે રીતે ખાય રહ્યા છે ! - ૨
માટી ને પથ્થરના દેવી કે દેવતા બનાવી એની પૂજા કરવાના બહાને તમે જીવતા પ્રાણીઓની હત્યા કરી તેનું માંસ ચઢાવો છો. તમારી દેવી સાચી હોય ને માંસ ખાવા માટે ભૂખી હોય તો ખેતરમાં ચરી ખાતા પશુ-પક્ષીઓને કેમ નથી ખાય જતી ? - ૩
તેથી કબીર કહે છે કે હે સંતજનો સાંભળો, જીભના સ્વાદના સ્વાર્થ માટે જે કાંઈ કર્મ કરો છો તેનો બદલો તો તમારે ભોગવવો જ પડશે ! (એના કરતાં તે સર્વ છોડી) આતમરામને જપો તો કલ્યાણ થશે ! - ૪
ટિપ્પણી
આ શબ્દમાં માંસાહાર માટેનું કબીર સાહેબનું દૃષ્ટિબિંદુ જાણવા મળે છે. જે પ્રક્રિયા ને સિદ્ધાંતથી માનવના શરીરમાં લોહી ને માંસ બને છે તે જ સિદ્ધાંતને પ્રક્રિયાથી પશુના શરીરમાં પણ માંસ ને લોહી બને છે. પશુમાં બુદ્ધિ નથી જયારે માનસમાં છે. તેથી બુદ્ધિનો ઉપયોગ ન કરે તો તે પણ પશુ જ ગણાય. પશુઓ કુદરતના નિયમને આધીન રહી ખોરાક ખાય છે. ઊંટને કુદરતે ઊંચું બનાવ્યું તેથી તેણે ઝાડપાનનો પાલો જ ખાવો રહ્યો. શરીરની રચના અનુસાર કુદરતે સૌને ખોરાક નક્કી કરી આપ્યો જણાય છે. દાંત વિનાના જીવોએ શિકારને ગળી જવો પડે છે. દા.ત. સાપ ઉંદરને ગળી તૃપ્તિનો અનુભવ કરે છે. વાઘ-સિંહ જેવા શિકારી હિંસક પ્રાણીઓને ચાવવાના દાંત નથી આપ્યા પણ બચકાં ભરીને ખાવાના રાક્ષસી દાંત જ આપ્યા છે. તેથી તેવા પ્રાણીઓ કાચુ માંસ ખાયને તૃપ્તિ અનુભવે છે. તેવા પ્રાણીઓને આંતરડા પણ ટૂંકા જ આપ્યાં. ચાવીને ખાવાવાળા પશુઓને આંતરડાં ખૂબ લાંબા આવ્યાં છે. તેથી તેવા પ્રાણીઓએ ચાવીને ખવાય એવો જ ખોરાક લેવો રહ્યો. જો તેવા પ્રાણીઓ માંસ ખાય તો આંતરડામાં લાંબા વખત સુધી ખોરાકનાં બિનજરૂરી તત્વો પડયા રહે છે, જે તંદુરસ્તી માટે હાનિકર્તા ગણાય. તેથી મનુષ્યને માટે માંસાહાર અવૈજ્ઞાનિક ગણાય એટલું જ નહીં પણ માનવતાને શોભે એવો પણ ન ગણાય. પોતાને કોઈ મારે તો માનવને જરી પણ ગમતું નથી. તો શા માટે તેણે બીજાં પ્રાણીઓને મારીને તેનું માંસ ખાવું જોઈએ ? તેથી કબીર સાહેબ અહીં વ્યંગમાં કહે છે કે માણસ બધા જ પશુઓનું માંસ ખાય છે પણ માણસનું માંસ કોઈને પણ ભાગ આવતું જ નથી. માણસ મરી જાય તો ક્યાં દાટવામાં આવે છે, ક્યાં તો બાળી દેવામાં આવે છે. પોતાની સ્વાર્થવૃત્તિને પોષવા તે બીજાની હત્યા કરીને તેને ભક્ષ્ય બનાવી દે છે તો તેનું શરીર પણ શિયાળ જેવા પશુઓને શા માટે સોંપી ન દેવું જોઈએ ?
“જો ખેતનમેં બોઈયા જી” – ‘જે પોષતું તે મારતું એ ક્રમ દિસે છે કુદરતી’ એ સિદ્ધાંત પ્રમાણે માનવ પશુઓનું સર્જન કરતો નથી અને જીવન પણ બક્ષતો નથી તેથી પશુઓની હત્યા કરીને તેણે ખાવાનો અધિકાર પણ નથી. ખેડૂત અનાજ વાવીને જેમ પોતાનું ભરણપોષણ કરે છે તેમ તે સરળતાથી બીજાની હત્યા કરીને તેનું માંસ ખાતો ફરે છે તે ખરેખર કુદરતી નિયમની વિરુદ્ધ જ ગણાય.
“જો તેરા હૈ .... નલેઈયા જી” - માનવે પોતાની સ્વાર્થવૃત્તિને પોષવા આ દેવદેવીઓની બનાવટી મૂર્તિઓને ઘડી એટલું જ નહીં પણ તેને ધાર્મિક ઓપ આપવામાં જીવતા પશુની હત્યા કરીને તે જડમૂર્તિને બલિ ચઢાવવાની પ્રથા ચાલુ કરી. ખરેખર માનવની આ વર્તણૂંક માનવ તરીકે શોભા આપતી નથી. તેથી કબીર સાહેબ અહીં બલિની પ્રથાને પડકારે છે. જો ખરેખર જડમૂર્તિમાં દેવદેવીઓ સાચે જ અસ્તિત્વ ધરાવતા હોય તો શા માટે તેઓ મેદાનમાં ચરતા ઢોરોને ખાય જતા નથી ? શા માટે માનવની પાસે હિંસા કરાવરાવે છે ? ને ચઢાવેલી બલિનું માંસ ખાતા હોય તો મૂંગા કેમ રહે છે ?
“જીવ્હા કે સ્વારથ” - લૂલીને વશમાં ન રાખી તેથી માનવ સાચો માનવ બની શક્યો નહીં. સ્વાદેન્દ્રિયને કારણે જ માનવ ભોગ પ્રધાન બની ગયો લાગે છે. તેના પર જો સંયમ સ્થાપવામાં આવે તો તે યોગપ્રધાન બની શકે છે અને સાચો માનવ બની સૌને સુખી કરવામાં સહયોગી થઈ શકે છે.
“બદલ પરાયા દેઈયાજી” - ભારતીય સંસ્કૃતિનો કર્મનો સિદ્ધાંત કબીર સાહેબ અહીં આગળ ધરે છે. જેવું કર્મ, તેવું ફળ, માનવ જો હત્યા કરીને બીજા જીવનું માંસ ખાય તો એક દિવસ તેનું માંસ પણ પશુઓ ખાશે તો નવાઈ નહિ. પશુઓ બદલો તો લેશે જ ને ?
Add comment