Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ઐસો જોગિયા હૈ બદકરમી, જાકે ગગન અકાસ ન ધરની  - ૧

હાથ ન વાકે પાંવ ન વાકે, રુપ ન વાકે રેખા
બિના હાટ હટવાઈ લાવૈ, કરૈ બયાઈ લેખા  - ૨

કરમ ન વાકે ધરમ ન વાકે, જોગ ન  વાકે જુગુતિ
સીંગી પાત્ર કછુ નહિ વાકે, કહે કો માંગે ભુગુતિ  - ૩

મૈં તોહિ જાના તૈં મોહિ જાના, મૈ તોહિ-માંહિ સમાના
ઉતપતિ પરલૈ કછુ નહીં હોતે, તબ કહુ ભરિ પૂરી

જોગી એક આની ઢાઢ કિયો હૈ, રામ રહા ભરિ પૂરી
ઔષધ મૂળ કછુ નહીં વાકે, રામ સજીવની મૂરી  - ૫

નટબટ વાજા પેખનિ પેખૈ, બાજીગરકી બાજી
કહંહિ કબીર સુનહુ હો સંતો, ભઈ સો રાજ બિરાજી  - ૬

સમજૂતી

એવા યોગીઓ ખરાબ ચાલચલગતવાળા હોય છે કે જેનું સ્થાન નથી હોતું પૃથ્વી પર, નથી હોતું આકાશમાં કે નથી હોતું બંનેની વચ્ચે અન્તરિક્ષમાં !  - ૧

આત્માને નથી હોતા હાથ કે પગ, નથી હોતું કોઈ રૂપ કે આકાર !  છતાં તું આત્મામાં સ્થિર હોય એવો આડંબર કરી બજાર ન હોવા છતાં સંસાર રૂપી દુકાન માંડીને અનેક પ્રકારના પ્રપંચોનો વેપાર કરે છે ને આવક જાવકનો હિસાબ ગણ્યા કરે છે.  - ૨

(પોતાને પરમ સિદ્ધ મનાવી) પોતાને કર્મ, ધર્મ, યોગ કે યુક્તિની આવશ્યકતા નથી એવો પ્રચાર કરે છે. પોતાની પાસે (વગાડવાનું સાધન) સીંગી પણ નથી અને ભિક્ષાપાત્ર પણ નથી તો વારંવાર ભીખ શા માટે માગ્યા કરે છે. ?  - ૩

મેં તને જાણી લીધો, તેં મને જાણી લીધો અને હું તારા સ્વરૂપમાં સમય ગયો એવું જ્ઞાનનો આડંબર કરીને કહે છે !  ત્યારે સૃષ્ટિની ઉત્પત્તિ અને પ્રલય પણ ન હતા તો પછી કહે તો ખરો કે કયો જીવ કયા બ્રહ્માનું ધ્યાન ધરતો હતો ?  - ૪

આ રીતે તે યોગીઓ પ્રપંચ રૂપી એક જાળ પાથરી દીધી છે. રામ સર્વત્ર ભરપૂર પણે રહેલો છે એવું તે કહે છે ખરો પણ રામતત્વ તેણે જાણ્યું લાગતું નથી. તેથી તેની પાસે ભવરોગ મટાડવાની કોઈ દવા પણ નથી. ખરેખર તો રામતત્વનું જ્ઞાન જ સંજીવની ઔષધ ગણાય છે !  - ૫

કબીર કહે છે કે હે સંતજનો સાંભળો, તે રામ તત્વ જ બાજીગરની બાજીમાં નટની માફક સંસાર રૂપી ખેલ ખેલે છે ને ખેલાવરાવે છે. આ સત્ય બરાબર સમજી લેવામાં આવે તો વિષયોમાં આસક્ત એવું રાગી મન વૈરાગી બની જાય છે.  - ૬

ટિપ્પણી

“ઐસો જોગિયા .... ન ધરની” - યોગના નામ પર અનેક પ્રદર્શનો યોજાય છે. જાદુગરીના તમાશા જેવી યોગની દશા કરી દેવામાં આવી છે. ચમત્કારના ખેલ પણ બતાવવામાં આવે છે અને ફંડફાળા પોતાની ભોગવૃત્તિને સંતોષવા એકત્ર કરવામાં આવતા હોય છે. તેવા યોગીઓને કબીર સાહેબે અહીં બરાબર ઠપકાર્યા છે. નથી થઈ શકતો તેઓનો ઉદ્ધાર કે નથી મળતો તેઓને ભોગનો સંતોષ. આકાશ શબ્દથી ઉદ્ધારનું સૂચન ને ધરની શબ્દથી ભોગની અતૃપ્તિ સમજવી.

“ઉતપતિ પર લૈ કછુ નહિ હોતે” - ગૌડાપાદચાર્ય દ્વારા અજાતવાદની વિચારસરણી પ્રચલિત બની હતી. તેના આધારે આવા ઢોંગી યોગીલોકો બ્રહ્માંડમાં માત્ર એક બ્રહ્મની જ સત્તા છે એવો પ્રચાર કરે છે. સંસારની ઉત્પત્તિ તો થઈ જ નથી. તેથી તેના નાશનો પ્રશ્ન જ ઊભો થતો નથી. કબીર સાહેબ કહે છે કે એક જ બ્રહ્મ સર્વત્ર વ્યાપ્ત હોય તો કોણ કોનું ધ્યાન કરે ?  ધ્યાન કરનાર પોતે તો બ્રહ્મ જ છે !  આ રીતે તેમની મિથ્યા પ્રવૃત્તિઓને જોરદાર રીતે પડકારવામાં આવી છે.

“રામ સજીવન મૂરી” - ભવરોગ મનને થતો હોય છે, રામને નહિ. રામ એટલે આત્મારામ. પોતાનું સ્વરૂપ તે આતમરામ. સ્વરૂપનો પરિચય થઈ જાય તો મનનો ભવરોગ મટી જાય. તેથી રામ સંજીવની ઔષધ ગણાય. ગીતા કહે છે કે

ઈશ્વર: સર્વભૂતાનાં હૃદેશેડર્જન તિષ્ઠતિ |
ભ્રામયન્ સર્વભૂતાનિ યંત્રારુઢાનિ માયયા  ||

અર્થાત્ ઈશ્વર સર્વના હૃદયમાં રહેલો છે. તે જ દેહભાવમાં રત રહેનાર સર્વ જીવોને પોતાની માયાવી શક્તિથી અહીં તહીં ભમાવ્યા કરે છે. યંત્રારુઢ થવું એટલે માત્ર દેહભાવમાં રત રહેવું. માત્ર ભૌતિક સમૃદ્ધિની પ્રાપ્તિમાં જ વિમગ્ન રહેવું. જો તે યોગરુઢ થાય તો દેહભાવ ટળે ને આત્મભાવમાં નિમગ્ન બને. તો સ્વરૂપમાં દર્શન વડે તે પોતાનું આત્મકલ્યાણ કરી શકે.