કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ઐસો ભરમ બિગુરચન ભારી
બેદ કિતેબ દિન ઔ દોજક, કો પુરુષા કો નારી  - ૧
માટી કે ઘટ સાજ બનાયા, નાદે બિંદુ સમાના
ઘટ બિનસેકા નામ દરહુગે, અહમક ખોજ ભુલાના  - ૨
એકૈ તુચા હાડ માલ મૂત્રા, એક રુધિર એક ગૂદા
એક બુંદસે સિસ્ટિ રચો હૈ, કો બ્રાહ્મન કો સૂદા  - ૩
રજગુન  બ્રહ્મા, તમગુન શંકર, સતો ગુની હરિ હોઈ
કહંહિ કબીર રામ રહિયે રમિ, હિન્દુ તુરુક ન કોઈ  - ૪
સમજૂતી
વેદ, કુરાન, સ્વર્ગ, નરક, પુરુષ, સ્ત્રી વિગરે ભેદો ઉભા કરી જીવ પોતે ભારે મૂંઝવણ અનુભવી રહ્યો છે ! - ૧
માટીનો ઘડો બનાવી તેમાં રજવીર્યનો સમાવેશ કર્યો. જો આ ઘડાનો નાશ થાય તો તેને કયું નામ આપવામાં આવશે ? ખરેખર મૂર્ખ લોકો (સત્યની શોધ કરતા કરતા) ઘણી ભૂલો કરી બેસે છે ! - ૨
એક જ વીર્યના ટીપામાંથી આખી સૃષ્ટિ બની છે. સર્વ દેહોમાં એક પ્રકારની ચામડી, એક જ પ્રકારનાં હાડકાં, મળ-મૂત્ર-લોહી પણ એક જ પ્રકારના અને સર્વની ગુદા પણ એક જ પ્રકારની હોવા છતાં બ્રાહ્મણ કોણ ને શૂદ્ર કોણ ? - ૩
(મનાવે તો દેવોમાં પણ ભેદો ઉભા કર્યા) શંકરને તમોગુણી, બ્રહ્માને રજોગુણી ને વિષ્ણુને સતોગુણી કરી દીધા ! કબીર કહે છે કે હે જીવો, ખરેખર કોઈ હિન્દુ નથી કે કોઈ મુસલમાન નથી. સર્વ ભેદો ભૂલી તું સર્વમાં એક જ રામ રમી રહ્યા છે તે સત્ય સમજ ! - ૪
ટિપ્પણી
“ભરમ ....” - ભરમ એટલે ભેદ. વર્ણના, જાતિનાં ને ધર્મના ભેદો મનાવે રચ્યા છે, ભગવાને રચ્યા નથી. પાપપુણ્ય ને સ્વર્ગ નરકની વાતો પણ ઢોંગી ગુરુઓએ પોતાના પેટ ભરવાના ધંધા તરીકે જુદી જુદી કલ્પનાઓના રંગો પૂરીને આજ દિન લગી વિકસાવ્યા જ કરી છે, તે પણ ભેદમૂલક જ ગણાય. ‘બિગુરચન’ એટલે અડચણ. માનવતાના વિકાસની વચ્ચેનું અંતર વધતું જ ગયું. તેથી માનવતાનો વિકાસ થઈ શક્યો જ નહિ.
“અહમક ખોજ ભુલાના” - અહમક એટલે મૂર્ખ. પ્રત્યેક માનવ સુખી થવાની ઈચ્છાથી જ પ્રવૃત્તિનો આરંભ કરે છે. પરંતુ તે સાચું સુખ પામી શકતો નથી. માત્ર ક્ષણિક સુખોના અવેગોનો જ તે અનુભવ કરે છે. ક્ષણિક સુખથી કોઈને સંતોષ થતો જ નથી. તેથી માનવ પરમ સુખની શોધ કર્યા કરે છે. તેણે ઉભી કરેલી દિવાલો પણ પરમસુખની પ્રાપ્તિના હેતુથી જ અસ્તિત્વમાં આવી ગણાય. આત્મિક વિકાસમાં પણ આ ભેદની દિવાલો અડચણ ઉભી કરે છે.
“કો બ્રાહ્મન કો શૂદ્રા” - વર્ણ ને જાતિના ભેદો શરીરનું પૃથકકરણ કરી વિચારવામાં આવે તો સાવ નકામા લાગે. આ શરીર વાસ્તવિક રીતે તો માતપિતાના રજવીર્યથી બન્યું તેને જુદા જુદા નામો આપી સંસારના વ્યવહારો કરવામાં આવે છે. પ્રત્યેકના શરીરમાં એક જ પ્રકારે ચામડી બની છે, એક જ પ્રકારનાં હાડકાં જણાય છે, મળમૂત્રની પ્રક્રિયા પણ એક જ પ્રકારે થતી હોય છે, સર્વના શરીરમાં એક જ પ્રકારનું એક જ રંગનું લોહી વહેતું હોય છે, માટે કાયા શરીરને બ્રાહ્મણ કહેવું ને કયા શરીરને શૂદ્ર કહેવું ?
“રજગુન બ્રહ્મા .... હરિ સોઈ” - સંસારમાં લોકોને ભેદ પાડીને જ ભોવાવવાની પદ્ધતિ ગમતી લાગે છે. ભારતમાં તો માત પિતા પણ બે પુત્રોમાં ભેદ પાડી એકને વ્હાલો ને બીજાને અળખામણો ગણીને સંતાન સુખને ભોગવે છે. મિલકત વસાવે તેમાં પણ એક સારી ને બીજી નબળી ! ભેદ પાડીને ભોગવવાની રીત માણસે ધર્મમાં પણ ચાલુ કરી. દેવોમાં પણ ભાગલા પાડ્યા ! એકને તામસી, એકને રજોગુણી ને એકને સત્વગુણી ! ખરેખર આ સારી રીત નથી. પ્રત્યેક દેવોમાં પણ રામ તો એક જ રમી રહ્યો છે ! તેના વિના દેવ દેવ નથી થઈ શકતો ! તેથી રામનું મહત્વ વિશેષ છે. પ્રત્યેક માનવમાં પણ ચેતન તત્વ તો એક સરખું જ જણાય છે. તેના વિના માણસ માણસ નથી ગણાતો ! ચેતન તત્વમાં ને રામમાં ભેદ કોણ પડે છે ? માનવનું મન જ ભેદ સર્જે છે !
“હિન્દુ તુરુક ન કોઈ” - કબીર સાહેબે પોતાના યુગના પ્રશ્નને અહીં રજૂ કર્યો છે. જેમ ‘રમૈની’માં કબીર સાહેબે તેની ચર્ચા કરી છે તેમ “શબ્દ” પ્રકરણમાં પણ તેની જોરદાર રજૂઆત કરી છે. આગલા શબ્દમાં નિર્જીવ પથ્થરની મૂર્તિને સજીવ પશુની બલિ ચઢાવવામાં આવે છે તે માનવને શોભાસ્પદ નથી એમ માર્મિક રીતે કહ્યું છે. સર્વમાં એક જ રામ રમી રહ્યો છે તેથી હિન્દુને મુસલમાનોના ભેદો નિરર્થક છે એવું આ પદમાં પૂરવાર કર્યું છે. પરંતુ ભેદો તો મટ્યા જ નહીં. બલકે વધતા જ ગયા. તેને આધારે જ આ દેશના પણ ભાગલા પડ્યા ! મુસલમાનોએ અલગ રાજ્યની માંગણી કરી પાકિસ્તાનનું સર્જન કર્યું. ત્યાર પછી પણ ભેદો મટ્યા નથી, વધ્યા જ છે. આજે આપણે એકવીસમી સદીમાં જવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે પણ ભેદ પાડીને ભોગવવાની મનોવૃત્તિ જુદી જ તરી આવે છે. સુખની શોધ હજી ચાલુ જ છે !
 
																										
				
Add comment