કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
આપન આસ કિજૈ બહુતેરા, કાહુ ન મરમ પાવ હરિ કેરા - ૧
ઈન્દ્રી કહાં કરૈં બિસરામા, સો કહાં ગયે જો કહત હોતે રામા - ૨
સો કહાં ગયે જો હોત સયાના, હોય મ્રિતક વહિ પદહિ સમાના - ૩
રામાનન્દ રામરસ માતે, કહંહિ કબીર હમ કહી કહી થાકે - ૪
સમજૂતી
હે જિજ્ઞાસુ જીવ, કોઈએ હરિના રહસ્યને જાણ્યું નથી તેથી બીજાની આશા ન રાખતાં તું તારી જાત પર મદાર બાંધ ! - ૧
ઈન્દ્રિયો વિષય ક્યાં કરશે ? સંસારમાં રામ રામ કહેનારા બધા ક્યાં ગયા ? - ૨
જેઓ પોતાને જ્ઞાની કહેવડાવતા હતા તેઓ પણ ક્યાં ગયા? તેઓ પણ મરીને સંસારમાં જ સમય ગયા ! - ૩
કબીર કહે છે કે અમે તો કહી કહીને થકી ગયા કે રામનો મર્મ જાણ્યા વિના માત્ર રામ રસમાં દિવાના બની જવાથી શો લાભ ? - ૪
ટિપ્પણી
“રામાનંદ રામ રસ પાતે” - કહેવાય છે કે રામાનંદ કબીર સાહેબના ગુરુ હતા. તે રામાનંદ કોણ? સ્વામી રાઘવાનંદના શિષ્ય રામાનંદ? કે પછી દક્ષિણથી આવેલા બીજા કોઈ રામાનંદ કે જેણે ભક્તિમાર્ગનો વિકાસ ઉત્તર ભારતમાં આવીને કર્યો હતો ? અહીં “માતે” શબ્દ કબીર સાહેબનો મત રામાનંદથી ભિન્ન હતો તેવું દર્શાવે છે. કબીર સાહેબ રામ રસ એટલે આત્મરસ એવું માને છે જ્યારે રામાનંદ આત્માથી ભિન્ન કોઈ બુજા રામના રસમાં માનતા જણાય છે. તેથી રામની કલ્પના આત્મસ્વરૂપથી ભિન્ન હોય તો તે કબીર સાહેબને માન્ય નથી. આત્મસ્વરૂપથી ભિન્ન રામની આરાધના નિરર્થક છે કારણ કે તેવા રામ કોઈને હજી મળ્યા નથી. તેવા રામની ઉપાસનામાં દિવાના બનવાથી શો લાભ ?
Add comment