કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
અબ હમ જાનિયા હો, હરિ બાજી કા ખેલ !
ડંક બજાય દિખાય તમાસા, બહુરિ હુ લેત સકેલ ! - ૧
હરિબાજી સુરનર મુનિ જંહડે, માયે ચાટક લાયા
ઘરમંહ ડારિ સભૈ ભરમાયા, હૃદયા જ્ઞાન ન આયા - ૨
બાજી જૂઠી બાજીગર સાચા, સાધુનકી મતિ ઐસી
કહંહિ કબીર જિન જૈસી સમજી, તાકી મતિ ભૌ તૈસી - ૩
સમજૂતી
હવે અમે તમાસારૂપ હરિના ખેલને બરાબર જાણી ગયા છીએ ! બાજીગર ડમરુ બજાવીને ખેલ બતાવે છે ને અંતે સમેટી લે છે તેમ (સંસારનો આ ખેલ બતાવીને હરિ પોતાનામાં સમાવી લે છે.) - ૧
હરિના આવા તમાસાથી સુર, નર, મુનિ બધાં જ છેતરાયા છે ને તેની માયામાં સૌ આસક્ત બન્યા છે. તે માયાએ સૌને શરીર રૂપી ઘરમાં પૂરી રાખી ભરમાવ્યા ને હૃદયમાં જ્ઞાન પેદા થયું જ નહીં ! - ૨
તમાસો જૂઠો છે પણ તમાસો બતાડનાર સાચો છે એવો સાધુ લોકોનો નિર્ણય છે. કબીર તો એમ કહે છે કે જેવી જેની સમજ તેવી તેની ગતિ. - ૩
Add comment