Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સબ સંત ઉધારન ચૂનરી ઊ તો રહુ રરા મમાકી ભાંતિહો !  - ૧

બાલ્મિકી બન બોઈયા, ચૂનિ લિયા સુખદેવ
કરમ બિનૌરા હો રહા, સુત કાતહિ જયદેવ  - ૨

તીનિ લોક તાના તનો, બ્રહ્મા વિષ્ણુ મહેશ
નામ લેત મુનિ હારિયા, સુરપતિ સકલ નરેસ  - ૩

બિનુ જીભે ગુણ ગાઈયા, બિનુ બસ્તીકા દેસ
સૂને ઘરકા પાહુના, કાસોં લાવે નેહ ?  - ૪

ચારિ વેદ કૈંડા કિયો, નિરંકાર કિયો રાછ
બિનૈ કબીરા ચૂનેરી, નન્હી બાંધલ વાછ  - ૫

સમજૂતી

સૌ સંતોએ પોતાના ઉદ્ધાર માટે (ભક્તિ રૂપી) ચૂંદડી બનાવી છે. તે તો ‘ર’ ને ‘મ’ ના તાણા વડે ઘટ્ટ બનેલી છે !  - ૧
સૌ પ્રથમ વાલ્મિકીએ કપાસ ઉગાડીને શરૂઆત કરેલી ને પછી તો શુકદેવે કપાસને વીણીને ભેગા કરવા જેવું કાર્ય કરેલું. કપાસમાંથી રૂ ને બીજ જુદા પાડવાનું કામ જયદેવે કરી કાંતવા માંડેલું.  - ૨

બ્રહ્મા વિષ્ણુ ને મહેશ દ્વારા ત્રણે લોકમાં જપ રૂપી તાણો ફેલાય ગયેલો પરંતુ તે આધારે ચાલનાર ઋષિમુનિઓ, ઈન્દ્ર જેવા દેવો ને રાજાઓ તો જપ કરતા કરતા હારી ગયેલા !  - ૩

જીભ વિના રામનામનું ગુણગાન ગાવા લાગેલા તે તો વસ્તી વિનાના શૂન્યપ્રદેશમાં પહોંચી ગયેલા. માલિક વિનાના ઘરમાં મહેમાન ઘુસી જાય તો સ્નેહ પણ કોની સાથે બાંધે ?  - ૪

ચાર વેદ દાંડી તૈયાર કરી નિરાકારની દોરી બનાવી તેને પાતળી કિનારીથી દાંડી સાથે જોડીને કબીરે સૌ કરતા જાણે કે જુદી જ ભક્તિરૂપી ચુદડી વણવાનું કામ ચાલુ કર્યું.  - ૫

ટિપ્પણી

આ પદમાં કબીર સાહેબે સગુણ ભક્તિ અને તેના વિકાસની માર્મિક ચર્ચા કરી છે. સૌ કોઈએ સગુણ ભક્તિનો આધાર વેદ છે એમ મનાવ્યું. ઋગ્વેદમાં વિષ્ણુસૂક્તને વરુણસૂક્ત છે. તેમાં ભક્તિના બીજ રહેલા છે. વળી શ્વેતા ઉપનિષદમાં ભક્તિ શબ્દ સૌ પ્રથમવાર પ્રયોજાયો જણાય છે : 

યસ્ય દેવે પરાભક્તિ: યથા દેવે તથા ગુરૌ ! 

અર્થાત્ જેવી રીતે દેવમાં પરમ ભક્તિ હોય છે તેવી ગુરુમાં પણ હોય છે. ભક્તિનું સગુણ સ્વરૂપ આ રીતે ગૂંથાતું ગયું. સગુણ ભક્તિની ચૂંદડી વાલ્મિકી, શુકદેવ ને જયદેવ દ્વારા તૈયાર થતી ગઈ. વાલ્મિકી એટલા માટે કે  રામાયણમાં રામનું ઉદ્દાત ચરિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. પછીના કવિઓ દ્વારા તેમાં ઐશ્વર્ય આદિ  ગુણોનું આરોપણ કરી ભગવાન વિષ્ણુના અવતાર તરીકે રામકથાનો વિસ્તાર થતો ગયો. તે જ રીતે શુકદેવે પણ ભાગવતની કથા દ્વારા સગુણ ભક્તિના પ્રવાહને ચાલુ રાખ્યો. ભાગવત સંપ્રદાયનો પ્રારંભ થયો. સગુણ ભક્તિ સૌ કોઈને ગમવા લાગી. જયદેવે ‘ગીતગોવિંદ’ની રચના કરી રાધા - માધવનો વિરહ વાયો ને શૃંગાર રસમાં રગદોળી સગુણાભક્તિને આકર્ષક બનાવી. આ રીતે ભક્તિની મીમાંસા કબીર સાહેબે કરી છે.