કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
તુમ યહિ બિધિ સમુજહુ લોઈ, ગોરી મુખ મંદર બાજૈ - ૧
એક સગુન ષટચક્રહિ બેધૈ, બિના બ્રિષભ કોલ્હુ માચૈ
બ્રહ્મહિ પકરિ અગ્નિમેં હોમૈ, મચ્છ ગગન ચઢિ ગાજૈ - ૨
નિતૈ અમાવસ નિતૈ ગ્રહન કોઈ, રાહુ ગ્રાસ નિત દીજૈ
સુરભી ભચ્છન કરત બેદ મુખ, ધન બરિસે તન છીજૈ - ૩
ત્રિકુટિ કુંડલ મધિ મંદર બાજૈ, ઔધટ અંમર ભીજૈ
પુહુમિ કે પનિયા અંમર ભરિયા, ઈ અચરજ કો બૂઝૈ - ૪
કહંહિ કબીર સુનહુ હો સંતો, જોગિન સિદ્ધિ પિયારી
સદા રહૈ સુખ સંજમ અપને, બસુધા આદિ કુમારી - ૫
સમજૂતી
હે મનુષ્યો, (યોગીઓની વાતને) તમે આ રીતે સમજો કે (કુંડલીની શક્તિરૂપી) ગોરીના મુખ દ્વારા ગંભીર અનાહત ધ્વનિ ગુંજી રહ્યો છે ! - ૧
(તે શક્તિને જાગૃત કરી ત્રિગુણાત્મક મન છ ચક્રોને ભેદે છે તે ક્રિયા બળદ વિનાના કોલુ જેવી છે. સહન્સાર ચક્રમાં શક્તિ પ્રવેશે ત્યારે તાંત્રિક યોગી (રજોગુણ રૂપી) બ્રહ્માને પકડીને જ્ઞાનાગ્નિમાં હોમી દે છે ત્યારે પ્રાણશક્તિ મસ્તિષ્ક ગગનમાં ચઢીને ગર્જના કરે છે. - ૨
(સૂર્યચંદ્ર સુષુમ્ણામાં લય પામે તેથી) ત્યાં હમેશ અમાસ ને ગ્રહણ હોયુ છે. તે યોગી (સુષુમ્ણા રૂપી) રાહુને (ચંદ્ર સૂર્યનું) દરરોજ ભોજન કરાવે છે. જીભને કપાલ કુહરમાં મોકલી જ્ઞાનરૂપી મુખ વડે સુરભી ગાયનું ભક્ષણ કરે છે ત્યારે અમૃત રૂપી મેઘની વર્ષા થાય છે ને યોગીનું શરીર ક્ષીણ થતું જાય છે. - ૩
કુંડલિની શક્તિ ત્રિકુટિના ક્ષેત્રમાં પહોંચે ત્યારે ગંભીર નાદ સંભળાય છે અને ગગન ગુફાનો દુર્ગમ ઘાટ અમૃત રસ ઝરવાથી ભીનો બને છે. બ્રહ્મરંધ્ર પાર્થિવ શરીરના પ્રાણવાયુથી ભરાય જાય છે તે આશ્ચર્ય કોણ સમજી શકે ? - ૪
કબીર કહે છે કે હે સંતો સાંભળો, યોગીઓને આ રીતે સિદ્ધિ પ્યારી હોય છે પરંતુ સાચું સુખ તે દ્વારા પ્રાપ્ત થતું નથી, માત્ર મનમાં સંયમથી જ પ્રાપ્ત થાય છે. (તેઓ ભલેને આખી દુનિયાને વશ કરવા માંગતા હોય) પણ વસુધા તો કાયમ કુમારી જ રહી છે ! - ૫
ટિપ્પણી
“સદા રહે સુખ સંજમ અપને” - શાશ્વત સુખ તે જ પરમ સુખ. તે સુખ મનના સંયમથી જ પ્રાપ્ત થાય છે. રાજયોગી મનના સંયમને જ પ્રાધાન્ય આપે છે. તે સિદ્ધિના ક્ષણિક સુખોથી લોભાતો નથી. જ્યારે હઠયોગી મનના સંયમ તરફ ધ્યાન દેતો જ નથી. તે સિદ્ધિમાં જ મહાલતો નથી. જ્યારે હઠયોગી મનના સંયમ તરફ ધ્યાન દેતો જ નથી. તે સિદ્ધિમાં જ મહાલતો રહે છે. સિદ્ધિ એ માયાનું સ્વરૂપ છે. તે દ્વારા યોગી ફોસલાય છે ને ચ્યુત પણ થાય છે. સિદ્ધિના સુખમાં તેનું પતન થાય છે. અહીં “વસુધા” એટલે માયા. માયા કોઈની થઈ નથી ને થશે પણ નહિ. તે નિત્ય કુંવારી જ રહે છે.
Add comment