કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ભૂલા લોગ કહૈ ઘર મેરા
જા ઘરવામેં ભૂલા ડોલૈ, સો ઘર નાહીં તેરા - ૧
હાથી ઘોડા બૈલ બાહનો, સંગ્રહ કિયા ઘનેરા
બસ્તીમેં સે દિયો ખદેરા, જંગલ કિયો બસેરા - ૨
ગાંઠિ બાંધિ ખરચ ન પઠયો, બહુરિ કિયો ન ફેરા
બીબી બાહર મહલમેં, બીચ મિયાં કા ડેરા - ૩
નૌ મન સૂત અરુઝિ ન સુરઝૈ, જનમ જનમ અરુઝેરા
કહંહિ કબીર સુનહુ હો સંતો, પદકા કરહુ નિબેરા - ૪
સમજૂતી
ભ્રમિત જીવો જ કહે છે કે આ ઘર મારું છે. જે ઘરમાં હે ભ્રમિત જીવ તું મદથી નાચી રહ્યો છે તે ખરેખર તારું નથી. - ૧
હાથી, ઘોડા, બળદ, અનેક વાહનોનો તેં ઘણો બધો સંગ્રહ તો કર્યો છે પરંતુ યાદ રાખ કે તારી માનીતી વસ્તીમાંથી તને એક દિવસ ભગાડી મૂકવામાં આવશે ને તારે જંગલમાં જ વાસ કરવો પડશે ! - ૨
મૃતને પોટલી બાંધીને કોઈ ખર્ચ મોકલતું નથી કે ગયેલો કોઈ પાછો આવતો પણ નથી. (સ્મૃતિ રૂપી) બીબીને બહાર કાઢી મૂકીને (કુમતિ રૂપી) વેશ્યાને મહેલમાં રાખી જીવ રૂપી મીયાં સાહેબ વચમાં વાસ કરી રહ્યા છે ! - ૩
તેથી (જીવ રૂપી મીયાં સાહેબનું મન) પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા ચાર અંતઃકરણો રૂપી નવ મન સૂતર ગૂંચવાઈને પડ્યું છે. જનમો જનમથી તેની ગૂંચ ઉકલતી નથી. કબીર સાહેબ કહે છે કે હે સંતો, સાંભળો ! જે કોઈ આ પદના અર્થ પર સમજીને વિચાર કરશે તે આ ગૂંચનું નિવારણ કરી શકશે !
ટિપ્પણી
“બીબી બાહર .... ડેરા” - વફાદાર પત્નીને જેમ કોઈ ઘરમાંથી બહાર કાઢી મૂકે અને વેશ્યાને પોતાના ઘરમાં રાખે તો તે કદી સુખી થઈ શકતો નથી તેમ આ જીવ મોહગ્રસ્ત થઈ પોતાના હૃદયમાં રહેલી ઉપયોગી સદ્દવૃતિઓ, જેવી કે શીલ-ક્ષમા-સદ્દવિચાર-સંતોષ-જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ વિગેરેનો નાશ કરે અને તેને બદલે રાગદ્વેષ, વિષય વાસના, તૃષ્ણા, અવિવેક વિગેરેને પોષે ને મહત્વ આપે તો તે કેવી રીતે સુખી થઈ શકે ? જીવનનું સાચું સુખ તો મનમાં સારા વિચારો હોય તો સદ્દગુણ વધે ને સદાચાર શક્ય બને તો તે દ્વારા જ પ્રાપ્ત થાય છે. તેથી જ વેદમાં પણ પ્રાર્થના કરવામાં આવી કે આ નો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત: - બધી બાજુથી મારા મનમાં કલ્યાણકારી વિચારો ઉભરાઈ રહો ! કારણ કે સુખનો સાગર તો શરીરની અંદર જ છે. ચિત્તશુદ્ધિ થયા પછી તેનો અનુભવ થાય છે. ચિત્તશુદ્ધિ કલ્યાણકારી વિચારો ઉદ્દભવે તો જે થઈ શકે !
Add comment