કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કબીરા તેરો બન કંદલામેં, માનુ અહેરા ખેલૈ
બફુ બારી આનંદ મીરગા, રુચિ રુચિ સર મેલૈ - ૧
ચેતન રાવલ પાવન ખેડા, સહજૈ મૂલ હિ બાંધૈ.
ધ્યાન ધનુષ જ્ઞાન ગાનકા, જોગેસર સાર સાધૈ - ૨
ષટ ચક્ર બેધિ કમલ બેધિ, જા ઉજિયારી કીન્હા
કામ ક્રોધ લોભ મોહ, હાંકિ સાવજ દીન્હા - ૩
ગગન મધ્ય રોકિન દ્વારા, જહાં દિવસ નહીં રાતી
દાસ કબીરા જાય પહુંચે, બિછુરે સંગ કે સાથી - ૪
સમજૂતી
હે અજ્ઞાની જીવ, તારા જીવન રૂપી વનની હૃદય રૂપી ગુફામાં મન રૂપી શિકારી શિકાર ખેલી રહ્યો છે ! શરીર રૂપી બગીચામાં આનંદ રૂપી મૃગ પર તે ઈચ્છા મુજબના બાણો મારી રહ્યો છે ! - ૧
જાગૃત જીવ તો પોતાના શરીર રૂપી નગરને પવિત્ર રાખી સહજ રીતે મૂલબંધની મુદ્રામાં સ્થિર થઈ જાય છે અને પછી ધ્યાન રૂપી ધનુષ્ય પર જ્ઞાન રૂપી બાણનું સંધાન કરી આત્મસ્વરૂપ યોગેશ્વરના સારને પામી જાય છે. - ૨
જાગૃત થયેલી કુંડલિની શક્તિ છ ચક્રોને ભેદીને ઉપર રહેલા સહસન્દલકમલ અને સુરતિ કમાલનો પણ વેધ કરે છે ત્યારે રગરગમાં પ્રકાશ પથરાય જાય છે. તેની કામ, ક્રોધ, લોભ ને મોહ જેવા જંગલી પશુઓ રૂપી દુર્ભાવો મનોપ્રદેશમાંથી બહાર ભાગી જાય છે. - ૩
શરીર રૂપી નગરના સર્વ દરવાજાઓને બંધ કરીને ભગવાનના દાસ ગણાતા કબીર જેવા યોગી પુરુષો દશમદ્વારમાં જઈ પહોંચે છે ત્યારે ત્યાં સ્થળને સમયના ભેદો ઓગળી જાય છે અને પ્રકૃતિ રૂપી સંગિની તો તે પહેલાં જ સાથ છોડી દે છે ! - ૪
ટિપ્પણી
“ધ્યાન ધનુષ્ય .... સાર સાધ” - આવા જ પ્રકારનો ઉપદેશ ઉપનિષદ દ્વારા પણ આપવામાં આવ્યો છે :
પ્રણવો ધનુ: શરો હિ આત્મા બ્રહ્મ તલ્લક્ષ્યમુચ્યતે |
અપ્રમત્તેન વેધ્યવ્યં શરવત્ તન્મયો ભવેત્ ||
અર્થાત્ ઓમ ધનુષ્ય છે અને આત્મા બાણ છે. તેનું લક્ષ્ય બ્રહ્મની પ્રાપ્તિ છે. એકદમ સાવધાન થઈને લક્ષ્યને વીંધી નાખવું જોઈએ.
Add comment