કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કબીરા તેરો ઘર કંદલામેં, યહ જગ રહત ભુલાના
ગુરુકી કહી કરત નહિ કોઈ, અમહલ મહલ દિવાના - ૧
સકલ બ્રહ્મમેં હંસ કબીરા, કાગન ચૌંચ પસારા
મનમથ કરમ ઘરૈ સબ દેહી, નાદ બિંદ બિસ્તારા - ૨
સકલ કબીરા બોલૈ બાની, પાનીમેં ઘર છાયા
અનંત લૂટ હોતી ઘટ ભીતર, ઘટકા મરમ ન પાયા - ૩
કામિની રૂપી સકલ કબીરા, મૃગા ચરિંદા હોઈ
બડ બડ જ્ઞાની મુનિવર થાકે, પકરિ શકૈ નહિ કોઈ - ૪
બ્રહ્મ વરુણ કુબેર પુરંદર, પીપા ઔ પ્રહલાદા
હિરણાકુસ નખ ઉદર બિડારા, તિનહુ કો કાલ ન રાખા - ૫
ગોરખ ઐસો દત્ત દિગંબર, નામદેવ જયદેવ દાસા
ઉનકી ખબરિ કહત ન કોઈ, કહાં કિયો હૈ બાસા - ૬
ચૌપરિ ખેલ હોત ઘટ ભીતર, જન્મ કે પાસા ઢારા
દમ દમ કી કોઈ ખબરિ ના જાનૈ, કરિ ન સકે નિરુબારા - ૭
ચારિ દિગ મહિમંડલ રચો હૈ, રુમ સામ બિચ ડીલી
તા ઉપર કછુ અજબ તમાસા, મારો હૈ જમ કીલી - ૮
સકલ અવતાર જા કે મહિમંડલ, અનંત ખડા કર જોરૈ
અદબુદ અગમ અગાહ રચોહૈ, ઈ સભ સોભા તોરૈ - ૯
સકલ કબીરા બોલૈ બીરા, અજહું હો હુસિયારા
કહંહિ કબીર ગુરુ સિકલીગર, પન હરદમ કરહિં પુકારા - ૧૦
સમજૂતી
હે માનવ તારું ઘર વાસ્તવિક સ્વરૂપ હૃદયરૂપી ગુફામાં રહેલું ! તું ભ્રમણામાં ભૂલી બહારના જગતમાં ભટકી રહ્યો છે ! ગુરુની વાણી પ્રમાણે કોઈ ચાલતું નથી તેથી જે ઘર નથી તેને ઘર માનીને દિવાના થઈ ભટકી રહ્યા છે. - ૧
બધાં જ જીવો બ્રહ્મસ્વરૂપ છે પણ જે વિવેકી છે તે બ્રહ્મમાં રમણ કરે છે અને જે અવિવેકી છે તે કાગડાની જેમ વિષયો તરફ પોતાના મનને દોડાવે છે અને કામવશ થઈ કર્મોમાં મગ્ન બને છે. વિષયનો, વીર્યનો ને પોતાના વંશનો વિસ્તાર તેઓ કરતા રહે છે. - ૨
અવિવેકી જીવો વાણી તો સારી સારી બોલે છે પણ આચરણ તે પ્રમાણે તેઓ કરતા નથી હોતા. જાણે કે તેઓ પોતાનું સ્થાન પાણીમાં બનાવી રહ્યા હોય ! તેથી શરીરરૂપી નગરમાં આત્મારૂપી ધનની લૂંટ ચાલ્યા જ કરે છે અને તેનું રહસ્ય કોઈ જાણી શક્યું નથી. - ૩
કામ રૂપી મૃગ આધ્યાત્મિકતાનાં સર્વ સદગુણોને ચરી જાય છે. મોટા મોટા જ્ઞાનીઓને મુનિઓ પણ થાકી ગયા છતાં તેને પકડી શક્યા નથી. - ૪
બ્રહ્મા, વરુણ, કુબેર, પુરંદર, પીપા ભગત, ભક્ત પ્રહલાદ કે જેને બચાવવા નરસિંહ ભગવાને પ્રગટ થઈ હિરણ્યકશ્યપુના પેટને નખ દ્વારા ચીરી નાંખ્યું હતું તે સૌને કાળે રહેવા દીધા નથી. - ૫
ગોરખનાથ જેવા મહાયોગી, દત્તાત્રય જેવા જ્ઞાની, દિગંબર જેવા જૈની, નામદેવ અને જયદેવ જેવા ભગવાનના ભક્તોની કોઈ ખબર કાઢીને તપાસ કરતું નથી કે તેઓ ક્યાં વાસી રહ્યા છે ! - ૬
શરીરરૂપી ઘરમાં ચોસરનો ખેલ ચાલ્યા કરે છે ને જીવ જન્મમરણના પાસ નાંખ્યા કરે છે ! પ્રત્યેક શ્વાસે શું થઈ જશે તેની જાણ કોઈને નથી અને તેનું નિવારણ કેમ થઈ શકે તે પણ કોઈ જાણતું નથી. - ૭
ચારે દિશાઓમાં શરીર રૂપી પૃથ્વીની રચના કરી. પૂર્વ દિશામાં રુમ અને પશ્ચિમ દિશામાં સામ ને બંનેની વચ્ચે દિલ્હીની ગાદી બનાવી ! પરંતુ તેના ઉપર તો અજબ પ્રકારના તમાસાઓ ચાલ્યા કરે છે ને યમરાજે તો વાસનાનો કિલ્લો બાંધી દીધો છે. - ૮
આ પૃથ્વી મંડલ પર દેહધારણ કરી તમામ અવતારો જન્મ્યા ને શેષ ભગવાન જેની હાથ જોડી ઉભા રહી સ્તુતિ કર્યા કરે છે તે અદભુત, અગમ્ય ને અથાહ સંસારની રચના કરી છે તે માનવ, સર્વ તારી શોભા જ છે. - ૯
મન પર વિજય પ્રાપ્ત કરનાર વીર સમર્થ મહાપુરુષો આજ પણ કહી રહ્યા છે કે હે જીવો, હજી પણ હોંશિયાર થઈ ચેતી જાવ. કબીર સાહેબ કહે છે કે ગુરુ રૂપી કારીગર દર્પણને સ્વચ્છ કરવા માટે હરદમ પોકાર કર્યા જ કરે છે. (તો તેને લક્ષમાં લો.) - ૧૦
ટિપ્પણી
“ચારિ દિગ મહિમંડલ .... હૈ જમ કીલી” - મહિમંડલ એટલે પૃથ્વી. પૃથ્વી તત્વથી આ શરીર બન્યું ગણાય. તેથી અહીં શરીરરૂપી મહિમંડલ એમ સમજવું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ એ ચાર દિશાઓ તેમ નાભિ, હૃદય, કંઠ ને ત્રિકુટી એ શહેરની ચાર બાજુઓ. આખી પૃથ્વીનો સમ્રાટ ક્યાં રહે છે તો કહેવામાં આવ્યું કે હૃદયરૂપી દિલ્હીમાં. દિલ્હીમાં કબીર સાહેબના સમયે બાદશાહ રહેતો હતો તેથી દિલ્હીની પૂર્વમાં થાઈલેન્ડ જેને અહીં સામ કહેવામાં આવ્યો છે અને પશ્ચિમમાં હોય જેને અહીં રુમ કહેવામાં આવ્યો છે. રોમ તરફથી મુસલમાનો આવ્યા હતા તેથી રૂમનો ઉલ્લેખ કર્યો છે. મુસલમાનોએ થાઈલેન્ડ સુધી પોતાની સત્તા પ્રસારી હતી તેથી સામનો ઉલ્લેખ કર્યો છે. શરીરની રચનાને હિસાબે વિચારીએ તો હૃદય તે દિલ્હી, મૂલાધાર ચક્ર તે રોમ ને વિશુદ્ધ ચક્ર તેમ સામ. બંનેની વચ્ચે હૃદય કે જેમાં આત્મારૂપી બાદશાહ રહ્યો છે. પરંતુ ત્યાં કોઈ અજબ પ્રકારનો તમાશો થઈ રહ્યો જણાય છે. ત્યાં બાદશાહ વિષયવાસનાના માદક પીણાંઓ પીને તમાસાનો ખેલ કર્યા કરે છે. તે માદક પીણાંઓથી વિવશ લાગે છે. માદક પીણાંઓ છોદી દે તો તે પોતાનો પ્રભાવ પાથરી શકે. માદક પીણાંના નશામાં તે પોતાને પણ ભૂલી જાય છે ને પોતાનું કર્તવ્ય પણ ભૂલી જાય છે. તેથી કબીર સાહેબે આ પદમાં જીવને ઉદેશીને સ્પષ્ટ ઉપદેશ આપ્યો છે કે હે જીવ ! તું તારું ઘર ક્યાં શોધે છે ? તે તો તારા હૃદયમાં જ છે. યમરાજ નચિકેતાને કહે છે તે અહીં યાદ કરવા જેવું છે :
અણોરણીયાન્મહતો મહીયાનાત્માસ્ય જન્તોર્નિહિતો ગુહાયામ્ |
તમક્રતું: પશ્યતિ વિતશોકો ધાતુ: પ્રસાદાન્મહિમાનમાત્મન: ||
અર્થાત્ સ્વરૂપે જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે અને ગુણોમાં જે મહાનમાં મહાન છે તે આત્મા સર્વ પ્રાણીઓના હૃદયરૂપી ગુફામાં રહે છે. જે કર્મજાળથી મુક્ત બની દુઃખરહિત થઈ જાય છે તે જ તેને જાણી શકે છે. શુદ્ધ મન વડે તેનો મહિમા સમજમાં આવે છે.
Add comment