Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

તા મનકો ચીન્હહુ મોરે ભાઈ, તન છૂટે મન કહાં સમાઈ ? - ૧

સનક સનંદન જયદેવ નામા, ભક્તિ હેતુ મન ઉન્હુ ન જાના
અમ્બુરિષી પ્રહલાદ સુદામા, ભક્તિ સહી મન ઉન્હુ ન જાના - ૨

ભરથરી ગોરખ ગોપીચંદા, તા મન મિલિમિલિ કિયો અનંદા
જા મનકો કોઈ જાને ન ભેવા, તા મન મગન ભયે સુખ દેવા - ૩

સિવ સનકાદિક નારદ સેખા, તનભીતર મન ઉન્હુ ન પેખા
એક નિરંજન સકલ સરીરા, તામંહ ભ્રમિ રહલ કબીરા - ૪

સમજૂતી

હે મારા ભાઈઓ, તે મનને બરાબર ઓળખી લો કે જે શરીર છોડીને ક્યાં જાય છે ? - ૧

સનક, સુનંદન, જયદેવ અને નામદેવ જેવા ભક્તોએ ભક્તિ કરી ખરી પણ મનની પરખ તો કરી જ નહીં. અંબરીષ, પ્રહલાદને સુદામા જેવા મહાનુભાવોએ ભક્તિ કરી પણ તેઓએ પણ મનને ઓળખ્યું નહિ. - ૨

ભતૃહરિ, ગોરખ ને ગોપીચંદ જેવા યોગીઓએ પણ મનની આજ્ઞા માનીને આનંદ માણ્યો હતો. જે મનનું કોઈ રહસ્ય જાણતું નથી તે મનમાં મગન બનીને શુકદેવ જેવાએ પણ આનંદ માણ્યો હતો. - ૩

શિવ, સનકાદિક, નારદ ને શેષ ભગવાન જેવાએ પણ શરીરમાં રહેલા મનની પરખ કરી નહીં. સર્વ શરીરોમાં મન વ્યાપીને રહેલું છે ને સર્વ જીવો તેણે ઉભા કરેલા ભ્રમમાં ભટકી ભટકી દુઃખી થઈ રહ્યા છે એવું કબીરે અનુભવ્યું ! - ૪

ટિપ્પણી

“એક નિરંજન સકલ .... રહલ કબીરા” -શબ્દ ૯૧માં જે માનસિક વૈરાગ્યનો સિદ્ધાંત કબીર સાહેબે રજૂ કર્યો છે તેની પૃષ્ટિ માટે જ આ પદમાં મનનો મહિમા કરવામાં આવ્યો છે. અહીં નિરંજન એટલે જ શુદ્ધ મન. મન જો શુદ્ધ બંને તો તે ભગવાનનું રૂપ ધારણ કરે છે. મનના માધ્યમ વડે જ માનવ ક્યાં તો સુખી થાય છે કે ક્યાં તો દુઃખી થાય છે. મન નિર્વષયી બને તો સુખી ને ન બને તો દુઃખી !  જેણે પોતાનું મન પાધરું કર્યું તે સુખી !  પાધરું એટલે આત્માભિમુખી !  વિષયોમાં ડૂબેલું રહે તો તે પાધરું ન ગણાય. વિષયાભિમુખી મન વિષયના ઉપભોગની જ ચિંતા કરતું રહેતું હોવાથી કાયમ જ દુઃખી રહે છે. મનને વિષયોમાંથી હટાવવું અઘરું છે. તેથી તે વ્યવસ્થિત સાધના દ્વારા જ થઈ શકે. મન વિષયોમાંથી હટી આત્મા તરફ ગતિ કરતું થઈ જાય તો ગીતા કહે છે કે તે જગતને જીતી પરમ સુખની પ્રાપ્તિ કરી શકે છે :

જે મનને જીતે સદા, મિત્ર બને છે તે,
પોતાનો શત્રુ બને મનના જીતે જે.
કરવું પતન ન જાતનું, કરવો નિત ઉદ્ધાર,
પોતે શત્રુ મિત્ર ને પોતાનો રખવાળ. (સરળ ગીતા - અધ્યાય ૬ / ૫-૬)

માટે યોગી, સાધુ, સન્યાસી, વૈરાગી કે ગૃહસ્થી કોઈ પણ હોય - તેણે પોતાના મનને જ જીતવાની આવશ્યકતા છે. જે મનને જીતે તે પોતાનામાં રહેલા સુખના સાગર સ્વરૂપ આત્મતત્વમાં નિત્ય અવગાહન કરી શકે છે. મન પર સંયમ કરવો એ જ પરમ સુખ મેળવવાની સાચી ને સરળ ચાવી છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,185
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,023
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,763
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,717